સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રિયકાન્ત મણિયાર/આ નભ ઝૂક્યું તે —
Jump to navigation
Jump to search
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!