સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રેમાનંદ/કુંભકર્ણની નિદ્રા
“જાગો રે ભાઈ! ભીડ પડી છે (કરે વિનતિ રાવણરાય:)
નરવાનરે લંકા ગઢ ઘેર્યો, તુંને નિદ્રા ક્યમ સોહાય?”
શત સેવક તેડાવ્યા રાયે, કહ્યું: “જગાડો કુંભકરણ.”
લક્ષ જોદ્ધા વળગી ઢંઢોળે, જાણે શું પામ્યો મરણ!
જળ છાંટ્યે નવ જાગે જોદ્ધો, તાપણાં કીધાં ચોફેર,
હૃદે ઉપર શલ્યાપડ મેહેલ્યાં, કાનમાં ફૂંકે મદનભેર.
કપાળ ઉપર દંુદુભિ વાજે, શરણાઈ નફેરી ઢોલ,
કરોડ મેઘશબ્દે સાદ કરે; પણ રાણો ન આપે બોલ!...
હૃદયા ઉપર અશ્વ દોડાવ્યા, વરાડ્યા મહિષ માતંગ;
તોયે એ સૂતો નવ જાગે, સાણસે ત્રોડાવ્યાં અંગ!
—એમ વાજ આવ્યો રાવણરાજા, ન લાગ્યો એકે ઉપાય;
ત્યારે કુંભકરણની આવી અંગના નમન કરતી પાય:
“કષ્ટ કીધે મારો કંથ ન જાગે; એને વાહાલા શ્રી ભગવાન;
જગાડું હું હેલામાત્રમાં: તમો કરાવો ભકિતગાન.
ભક્ષ ભોજન કરાવીને રાખો, નહિ તો કરશે સહુનો આહાર.”
રાવણે મધુમાંસ અણાવ્યાં, અન્ન તણા કીધા અંબાર.
અપછરા પાસે નૃત્ય કરાવ્યાં, ગાન તાન વાજે વાજિંત્ર.
કુંભકરણ ડોલ્યો જ્યમ મણિધર, સાંભળતાં ગોવિંદચરિત્ર.
ઊઠીને સરવ અન્ન આરોગ્યું, પછે પૂછ્યો સમાચાર:
“હું કાચી નિદ્રાએ શીદ જગાડ્યો? આ શા વાનરના હોકાર?”
રાવણે વાત કહી વિસ્તારી જે રીતે દૂભ્યા શ્રીરામ:
“અંગત્ય માટે તુંને ઉઠાડ્યો, કોણ કરે તું વિણ સંગ્રામ?”...