સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફીરોઝ કા. દાવર/ધર્મની ભગિની
ધર્મ એ કાંઈ અરણ્યમાં જઈને શોધવાની વસ્તુ નથી, પણ સમસ્ત જીવનમાં અને સામાજિક વ્યવહારમાં તેનું આચરણ કરવાનું છે. જીવનનું પ્રત્યેક પાસું ધર્મના રંગે રંગાયેલું હોવું જોઈએ. ધર્મના માર્ગદર્શન વિનાનાં જ્ઞાન, વિજ્ઞાન કે વિદ્યા હાનિકારક નીવડશે. ધામિર્ક દિશાસૂચન વિનાનાં કલા અને સાહિત્ય ભુલાવો ખવડાવશે. સાહિત્ય, સંગીત અને કલાને ધર્મની ભગિનીઓ કહી છે, તે આ કારણે. શોપેનહાવર એક નિરાશાવાદી તત્ત્વજ્ઞ હતો, અને જીવનને તે અપાર દુઃખનું ધામ માનતો હતો. એમ છતાં દિવસને અંતે તે એક સંગીતશાળામાં જઈ સંગીતના મનહર સૂરોમાં પોતાનું દુઃખ ભૂલી જતો. એ દુઃખી જીવને જે આશ્વાસન ધર્મ પણ આપી ન શક્યો, તે એને કલા દ્વારા સાંપડ્યું. ભક્તિમાં જે લક્ષણો આપણે જોઈએ છીએ, તે જ શિષ્ટ સાહિત્યમાં પણ જોવા મળે છે. બંનેમાં પવિત્રતા હોય છે. બંનેમાં નમ્રતા ને નિખાલસતા હોય છે. ભક્ત ઈશ્વરપ્રાપ્તિ વિના બેચેન રહે છે; કવિ પણ તેણે સેવેલાં સ્વપ્નોની સિદ્ધિ થતી નથી ત્યાં સુધી બેકાર રહે છે. ભક્તિ અને લેખનપ્રવૃત્તિ બેય સ્વેચ્છાનાં પરિણામો છે. કોઈની આજ્ઞાથી ભગવાનનું ભજન થતું નથી કે કવિતા રચાતી નથી. સાચી ભક્તિ નિષ્કામ હોય છે, અને ભક્તોને ઈશ્વર પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી : સાચો સાહિત્યકાર પણ નફાતોટા પ્રત્યે ઉપેક્ષા સેવે છે અને લોકપ્રિયતાની પરવા કરતો નથી. કલા અને સાહિત્ય તેની ભવ્યતાથી આપણામાં આદર ઉત્પન્ન કરે છે, અથવા સૌંદર્યથી મોહ પમાડી આપણને વશ કરે છે. સૌંદર્ય જેમ દૈહિક હોય, તેમ નૈતિક અને આધ્યાત્મિક પણ હોઈ શકે. લેખકનો ધર્મ સૌંદર્ય દ્વારા આનંદ અને રસ ઉપજાવીને વાચકનો ઉત્કર્ષ કરવાનો છે. શ્રેષ્ઠ સાહિત્યના એક ઉત્તમ દૃષ્ટાંત તરીકે યુગકવિ ન્હાનાલાલ પ્રત્યે દૃષ્ટિપાત કરીએ. સૌથી પ્રથમ ગુણ જે આંખે ચડે છે, તે એમની કવિતા પ્રત્યેની સમર્પણતા. એમનામાં એક ફકીરની બેપરવાઈ હતી. બહોળો વસ્તાર હોવા છતાં સરકારી હોદ્દો ફગાવી દઈ તેઓ કાવ્યદેવીની એકનિષ્ઠ સેવા કરવાને કટિબદ્ધ થયા. તેમ કરતાં તેઓએ પુષ્કળ વેઠ્યું હતું. છતાં તેમના સ્વાર્થત્યાગ વિશે કોઈ સૂચન કરે તે પણ તેઓને અરુચિકર થઈ પડતું. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં જે ઉચ્ચત્તમ આદર્શો છે તે ટાગોર અને ન્હાનાલાલના કાવ્યોમાં ગવાયા છે. ધનપ્રાપ્તિ કે લોકેષણા સારુ એમણે એમના સાહિત્યનું ધોરણ હેઠું પાડ્યું નથી. સૌ કોઈ સમજી શકે એવા શુભાશયથી પણ એઓ પોતાની કવિતાનું ધોરણ જનસમાજની પંક્તિ પર લાવી શકતા નહીં. એઓ એમ માનતા કે એમણે નીચે ઊતરવા કરતાં અર્ધશિક્ષિત સમાજને ઊંચે આવવાની જરૂર વધારે હતી. એમની કવિતામાં જન્મસિદ્ધ પવિત્રતા ખડકાયેલી છે. પણ માત્ર નીતિ અને પવિત્રતાથી કોઈ કાવ્યમુગટ ધારણ કરી શક્યું નથી. કવિશ્રીમાં પવિત્રતા અને રસિકતા, સાત્ત્વિકતા અને સૌંદર્યનો સુરેખ સમન્વય સધાયો છે. જેમ નીતિભંગ, તેમ રસજ્ઞતાનો ભંગ પણ એમને માટે અકલ્પ્ય હતો. તેમના તેજેઘડ્યા શબ્દો, તેમની ભવ્ય ઉપમાઓ, નીતિનો પરિમલ પ્રસરાવતાં તેમનાં અનેક કાવ્યપુષ્પો અને સંગીતસભર રાસો આપણા કાવ્યસાહિત્યનો મહામૂલ્યવાન વારસો છે.
[ન્હાનાલાલ જયંતી વ્યાખ્યાન : ૧૯૬૫]