સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બકુલ ત્રિપાઠી/ઑફિસનો આત્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          જવાહરલાલ નેહરુ કહે છે કે આપણી ઑફિસમાં પટાવાળાઓની જરૂર નથી; પરદેશોમાં ઑફિસોમાં પટાવાળા રાખવાની પદ્ધતિ જ નથી; આપણે ત્યાં પણ પટાવાળા બિનજરૂરી છે. એક રીતે એમની વાત ખરી છે. ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર લઈ જવી, ટપાલનાં કવરો પર ટિકિટો ચોડવી, કારકુન સાહેબોને પાણી આપવું વગેરે કામો ઑફિસના અન્ય કાર્યકરો જાતે કરી લઈ શકે એવાં છે. એ રીતે પટાવાળાઓ બિનજરૂરી છે, એ વાત હું કબૂલ કરું છું; પણ કોણ જાણે — મારું મન માનતું નથી. જીવનમાં કેટલાક વિષયો બુદ્ધિના ક્ષેત્રના નથી હોતા, લાગણીના ક્ષેત્રના હોય છે. બુદ્ધિની કોઈ ગણતરી, બુદ્ધિનો કોઈ ચુકાદો ત્યાં ચાલતો નથી. હું, અને સહેજ હિંમતથી કહું તો અમે સૌ, (અમે એટલે કે ઑફિસોમાં જેણે જેણે કામ કર્યું છે તે સૌ — ટાઇપિસ્ટો, કારકુનો, કેશિયરો કે હિસાબનીસો, નાના કે મોટા સાહેબો કે ગ્રાહક તરીકે કે બીજા કોઈ સંબંધે ઑફિસોમાં જવાઆવનારાઓ, સૌ) કબૂલ કરીશું કે પટાવાળાઓ વિના ચાલી શકે એમ છે. અને શ્રી જવાહરલાલ પટાવાળાઓને દૂર કરવાનું કહેશે તો કદાચ અમે કબૂલ પણ રાખીશું. પણ એટલું ચોક્કસ કે પટાવાળાઓ જતાં આપણી ઑફિસોમાં — અને અમારાં હૃદયમાં — એક એવું ખાલીપણું ઊભું થવાનું છે કે જે કદી પૂરી શકાવાનું નથી. પટાવાળો તો ઑફિસનો આત્મા છે. જાણું છું કે ઑફિસમાં કારકુનો પણ હોય છે. ગુસપુસ કરતા, વારેવારે ચા પીતા, રજાઓ કેમ લેવી વધારે એની યોજના ઘડતા, સાહેબના જીવનચરિત્રાની ખૂટતી કડીઓ પરસ્પરની સહાયથી મેળવવાનો પ્રયત્ન કરતા, કાગળોના જવાબ લખતા, જવાબ ન લખવા જેવા કાગળો ટેબલના ખાનામાં કે કબાટની પાછળ સેરવી દેતા, પટાવાળા પાસે પાણી મંગાવતા, પટાવાળો ના લાવે એટલે સાહેબને ફરિયાદ કરવાની ધમકી આપતા પણ પછી શાણા થઈ એ ધમકી પાછી ખેંચી લેતા, આ હૃદયપલટાથી ખુશ થયેલા પટાવાળાએ લાવી આપેલું પાણી પી જતા, ટેબલની જમણી બાજુની ફાઇલો ડાબી બાજુ ગોઠવીને અને પછી ડાબી બાજુની ફાઇલો જમણી બાજુ ગોઠવીને રિસેસ પહેલાંનો સમય, અને ટેબલના એક ખાનામાંના કાગળો બહાર કાઢીને બીજા ખાનામાં મૂકી એ બીજા ખાનાના કાગળો કાઢીને પહેલા ખાનામાં મૂકી રિસેસ પછીનો સમય પસાર કરનાર કારકુનભાઈઓ ઑફિસમાં ઘણા મહત્ત્વના છે એ ખરું. એ ન હોય તો ઑફિસ ન ચાલે એ પણ ખરું. પણ ઑફિસના આત્માનું સ્થાન તો એમને ન જ અપાય. ઑફિસમાં કેશિયર પણ મહત્ત્વનો છે. ઑફિસના મકાનને આગ લાગી હોય, ચારે બાજુ દોડાદોડ અને ગભરાટ વ્યાપ્યાં હોય, છતાં એક પછી એક નોટો શાંતિથી ગણી, થોકડી પર રબ્બરની દોરી ચડાવી, પેન્સિલથી એ નોટો પર સંખ્યા લખી, કોટ નીચેના ખમીસ નીચેના ઝીણા પહેરણ નીચેની બંડી નીચેની જનોઈ પરની ચાવીઓ બહાર કાઢી તિજોરી ખોલી, નોટો એમાં મૂકી, તિજોરી બંધ કરી, ખૂણામાં પડેલી જૂની છત્રી લઈને જ બહાર નીકળનારો ધીરગંભીર કેશિયર પણ ઑફિસનો આત્મા નથી. મહિનાની ૧લી તારીખથી ૭મી તારીખ સુધી એ ઑફિસનો આત્મા હોય એવું લાગે છે, પણ તે ભ્રમ છે. કારકુનોને પેઢી તરફથી અપાતો પગાર પોતે પોતાના તરફથી જ આપી રહ્યો છે એવા કો’ક ભ્રમને કારણે હંમેશના ગંભીર મોઢા પર વધુ ગંભીરતા લાવી દેતા અને ‘વધારે આવ્યા હોય તો પાછા આપી દેજો’ એમ કહીને ખૂબ દિલગીરી સાથે પગાર ચૂકવતા કેશિયરનું મહત્ત્વ ઓછું આંકી શકાય એમ નથી. પણ ઑફિસનો શ્વાસપ્રાણ તો એને ન જ ગણી શકાય. ઘણા માને છે કે, ‘સાહેબ’ને જ ઑફિસના આત્માસ્થાને ગણવા જોઈએ, સાહેબ વડે ઑફિસ ઊજળી છે, સાહેબ છે તો ઑફિસ છે. જોકે કેટલાક બળવાખોરો એમ નથી માનતા. એ લોકો તુમાખીમાં, કટાક્ષમાં, મિજાજમાં (સાહેબ હાજર ન હોય ત્યારે) કહે છે કે “ઑફિસ છે તો સાહેબ છે.” એમનો મુદ્દો પણ વિચારવા જેવો છે. કેરી પહેલી કે ગોટલો પહેલો, અથવા તો મરઘી પહેલી કે ઈંડું પહેલું, એના જેવો જ ગૂંચવણભર્યો આ છે : સાહેબ છે તો ઑફિસ છે, કે ઑફિસ છે તો સાહેબ છે? ઑફિસ છે તો સાહેબ છે, એમ માનનારા અધર્મીઓ દલીલો કરે છે કે આ ઑફિસ ન હોત તો સાહેબનું શું થાત? આટલો મોટો પગાર, ચીજવસ્તુઓ આમતેમ ગોઠવવા માટે આવું વિશાળ ટેબલ, વગાડવા માટે આવી ઘંટડી, ઘડીકમાં ધીમો અને ઘડીકમાં ઝડપી કરીને વખત પસાર કરવા માટેનો આ સુંદર ઇલેક્ટ્રિક પંખો, મોં જોવા માટેનો ટેબલ પરનો સરસ કાચ, તારીખો ફાડવા માટે કૅલેન્ડરો, વઢવા માટે કારકુનો, હુકમો કરવા માટે પટાવાળા અને પેનમાં પૂરવા માટે ઑફિસની મફત શાહી એમને ક્યાંથી મળત? ઑફિસ ન હોત તો સાહેબનું શું થાત? આમ દલીલ કરીને એ લોકો ઑફિસ છે તો સાહેબ છે, એમ સાબિત કરવા મથે છે. પણ હું માનું છું કે સાહેબ છે તો ઑફિસ છે. અનેક સરકારી ઑફિસના દાખલા મારી પાસે છે કે જ્યાં સાહેબને ખાતર ઑફિસો સર્જવામાં આવી છે. સાહેબની એક ઑફિસ સંકેલાઈ જાય — કરકસરનાં પગલાંને કારણે કે કોઈ કામ કે યોજના પૂરી થવાને કારણે — તો સાહેબને ખાતર નવી ઑફિસ ઊભી કરવામાં આવે છે, એ શું બતાવે છે? એ જ. અજ્ઞાનીજનો ભલે માનતા હોય કે ઑફિસ છે તો સાહેબ છે. જેને સંસારનું જ્ઞાન છે, જેને વ્યવહારનું ભાન છે, જેને વાસ્તવિકતા માટે માન છે, તે તો જાણે છે જ કે સાહેબને ખાતર જ ઑફિસો હોય છે — ઑફિસોને ખાતર સાહેબ નહિ. એટલે આવી મહત્ત્વની વ્યક્તિને ઑફિસનો આત્મા કહેવા આપણે લલચાઈએ એ સ્વાભાવિક છે. જગતની અનેક ઑફિસોને ઉપરછલ્લી રીતે જોઈને આવા જ નિર્ણય પર અવાય એ સંભવિત છે. પણ સાહેબનાં અને ઑફિસનાં નિકટવર્તી વર્તુલો, ‘સાહેબનોય સાહેબ તે પટાવાળો’ એવી જે વ્યાખ્યા પટાવાળાની કરે છે તે સાંભળ્યા પછી સાહેબ ઑફિસનો આત્મા છે, એ માન્યતા ટકાવવી મુશ્કેલ બની જાય છે. ઑફિસનું ઑફિસત્વ પટાવાળાઓને કારણે જ છે. કેટલાક માને છે કે ઑફિસનું ઑફિસપણું, ઑફિસનો અર્ક, એ ત્યાં થતું કામ છે; ત્યાં લેવાતા અગત્યના નિર્ણયો, લખાતા પત્રો, ઉકેલાતા પ્રશ્નો, એ બધાંમાં જ ઑફિસનું સાર્થક્ય છે. આ ખ્યાલ ખોટો છે. આ ખ્યાલને ખરો ગણીએ તો તો ઘણી ઑફિસોને ઑફિસો જ ન કહી શકાય. ઑફિસોનું ઑફિસપણું આ બધાં કાર્યોમાં નથી. આ કાર્યો તો ક્ષણિક છે, મિથ્યા છે, આજ છે ને કાલ નથી. ઑફિસનું ખરું ઑફિસપણું છે એની ‘હવા’માં, એના ‘વાતાવરણ’માં, એના ભપકામાં, એના દમામમાં, એના ચકચકાટમાં, એના કાગળોના સળવળાટમાં, ટાઇપરાઇટરોની કટકટમાં, કોલબેલની અને ટેલિફોનની રણકતી ઘંટડીઓમાં, ઝપોઝપ ઊઘડતાં — બંધ થતાં અને ઝૂલ્યાં કરતાં રિવોલ્વિંગ બારણાંમાં. આ બધું ન હોય તો ઑફિસને ઑફિસ કોણ કહે? પત્રોના જવાબ બરાબર કે વખતસર ન જતા હોય તો ચાલશે, પ્રશ્નો ઉકેલાતા નહિ હોય તો ચાલશે, નિર્ણયો નહિ લેવાતા હોય તો ચાલશે — ચાલશે શું? ચાલે છે જ — પણ જો ઑફિસમાં ઉપર કહ્યું તેવું ઑફિસનું ‘વાતાવરણ’ નહીં હોય તો એને ઑફિસ નહીં કહેવાય! અને ઑફિસના આ ઑફિસપણાનું પ્રતીક છે પટાવાળો! ઑફિસમાં આમતેમ ઘૂમતા, ફાઇલો કે કાગળો લઈને ઘૂમાઘૂમ કરતા પટાવાળાઓને કારણે તો ઑફિસ ઑફિસ લાગે છે. આ કેવી રીતે એ મારાથી નહીં સમજાવી શકાય. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આ સૃષ્ટિના અણુઅણુમાં વ્યાપી રહેલો ઈશ્વર એ સમજવાની વાત નથી, અનુભવવાની વાત છે; એમ ઑફિસના ઑફિસપણાના પ્રતીક સમા પટાવાળાનું મહત્ત્વ પણ કોઈ વિવરણ-વિવેચનથી સમજાવી શકાય એમ નથી. તમે થોડો વખત પણ આપણી કોઈ ઑફિસ જોશો તો તમારું હૃદય જ મારી વાત ખરી છે એવી સાક્ષી પૂરશે! આમ તાત્ત્વિક રીતે તો પટાવાળો ઑફિસનો આત્મા છે જ. પછી બાહ્ય રીતે એનું મહત્ત્વ સ્વીકારાતું હોય કે નહીં, એ સવાલ જુદો છે. જોકે ઘણુંખરું તો બાહ્ય રીતે પણ પટાવાળાનું મહત્ત્વ સૌ જાણતા જ હોય છે. ‘પટાવાળો એટલે સાહેબનો સાહેબ’ એ વ્યાખ્યા કંઈ અમથી પ્રચલિત બની હશે? કારકુનની ‘સાહેબે કહ્યું છે’ એવી ધમકીભરી દલીલના ઉત્તરમાં “સાહેબ તો કહે, એમને બિચારાને શી ખબર? હું કહું છું ને? તમે તમારે આમ જ કરો!” — એમ કહેવાની હિંમત ઑફિસમાં પટાવાળા સિવાય બીજા કોની હોય છે? દેખીતી રીતે કૃષ્ણ અર્જુનના સારથિ હતા, સેવક હતા. પણ બીજી રીતે એ અર્જુનના સાથી હતા, સખા હતા. અને હકીકતમાં તો એ અર્જુનના ભગવાન હતા. એવું પટાવાળાનું પણ છે. ઘણી વાર પટાવાળાનો અને સાહેબનો સંબંધ કૃષ્ણ અને અર્જુન જેવો હોય છે. આમ એ સાહેબનો સેવક જ હોય છે; સાહેબ આવે છે ત્યારે બારણું ઉઘાડીને ખડો થઈ જાય છે, સાહેબની ઘંટડી વાગે છે ત્યારે સફાળો ઊભો થઈ જાય છે, સાહેબને ને સાહેબનાં પત્નીને અને સાહેબના પુત્રને પણ સલામ કરે છે; પરંતુ આ એનું એક બાહ્ય સ્વરૂપ છે. સંસારમાં કર્મ કરવા માટે કૃષ્ણે પણ સારથિનું રૂપ ધારણ કરેલું જ ને! પટાવાળો આમ દેખીતી રીતે સાહેબનો પટાવાળો છે, પણ બીજી રીતે સાહેબનો સમોવડિયો પણ છે. ઑફિસમાં જેવા સાહેબના જ અધિકાર છે એવા જ એના પણ અધિકાર છે. આખીય ઑફિસમાં હક્કપૂર્વક ઊંઘવાનો અધિકાર બે જ જણને હોય છે — કોને કોને એ તમે જાણો છો! ચાલુ ઑફિસે બહાર ફરવા પણ કોણ કોણ જઈ શકે છે? પોતાની પત્નીને માટે ‘શોપિંગ’ કરવા સાહેબ જઈ શકે છે, અને પોતાના છોકરા માટે ઉતરાણની તૈયારીરૂપે ગેંડા છાપ રીલ ખરીદવા — અને ઘણી વાર તો દોરી પાવા પણ — પટાવાળો જઈ શકે છે. અને કારકુનોને હક્કપૂર્વક દબડાવવાનો અધિકાર પણ ઘણી ઑફિસમાં બે જ જણને હોય છે — સાહેબને અને પટાવાળાને. આમ એનું સ્થાન સાહેબના જેટલું જ મહત્ત્વનું હોય છે. જોકે પટાવાળા અને સાહેબના સંબંધની નાજુક રમણીયતા નહીં સમજનારાઓને ઉપરના કથનમાં કંઈક અવિવેક, કંઈક અઘટિતપણાનો વહેમ આવશે. નમ્ર અનુવાદકો કહે છે તેમ હું પણ કહું છું કે જો આવો કંઈક ભાસ તમને થતો હોય તો તેમાં પટાવાળાનો કે સાહેબનો વાંક નથી — વાંક મારી વર્ણનશક્તિની મર્યાદાનો છે. આદર્શ પટાવાળો સાહેબ પ્રત્યે કદી અવિવેક નથી બતાવતો. એ જ્યારે કહે છે કે, “સાહેબ શું સમજે?” ત્યારે એ કોઈ અવિવેક કે અહંકારને કારણે નથી કહેતો, પણ માતાને બાળક પ્રત્યે હોય છે એવી લાગણીને કારણે, એવા ભાવને કારણે — હં, શબ્દ જડયો — ‘વાત્સલ્યભાવ’ને કારણે. ઘણા પટાવાળા સાહેબ પ્રત્યે વાત્સલ્યભાવ રાખતા હોય છે. એ જાણે કહેતો હોય છે : “સાહેબ મોટા માણસ છે એ વાત ખરી, એ જાણીને મારા જેટલો આનંદ બીજા કોને થાય? પ…પણ… કંઈ નહીં, જવા દો ને… તમને કહેવાની શી જરૂર છે? હું જાણું છું…ને સાહેબ જાણે છે! પછી શું?” સાહેબની પત્નીના અધિકાર ઘણી વાર પટાવાળો ભોગવે છે. “ના સાહેબ, હવે વધારે કામ નથી કરવાનું!”; “ના, તમારે આજે ઑફિસમાં નથી આવવાનું. તમારી તબિયત કેવી છે! ખબર નથી?”; “સાહેબ, તમે તો કહો — હું નથી કરવાનો!” આવી ઉક્તિઓ બે જણના મુખમાં જ શોભે છે : સાહેબની પત્નીના અને સાહેબના પટાવાળાના! આ બધાં કારણે જ મને, અને મારા જેવા અનેકોને, લાગે છે કે ઑફિસનો પટાવાળો એ જવાહરલાલજી માને છે એવો બિનજરૂરી નથી. ભલે એ ઑફિસમાં મરજી પડે ત્યારે અને તો જ પાણી પાવાનું, અનુકૂળતાએ ફાઇલોની હેરફેર કરવાનું કે સાહેબ આવે ત્યારે બારણું ઉઘાડવાનું… એવાં નજીવાં કામ કરતો હોય; ભલે એ ખૂણામાં સ્ટૂલ પર બેસીને ઝોકાં ખાવાનું, કોઈ કારકુન ઘંટડી વગાડે તો ગુસ્સાભરી નજરે એની સામે જોઈ રહેવાનું ને ફરીથી પાંપણો ઢાળી દેવાનું, ફરીથી ઘંટડી વગાડે તો માંડ માંડ ઊઠીને કારકુનનું બતાવેલું કામ (ફરીથી કામ બતાવવાનું મન ન થાય એવી રીતે અને એવી ગતિએ) કરીને, પાછો સ્ટૂલ પર જઈ ઝોકે ચડી જવાની પ્રવૃત્તિ જ કરતો હોય; ભલે એ નવરો બેઠો શબ્દરચના હરીફાઈના વ્યૂહ ભરતો હોય કે, અમારો એક પટાવાળો કરતો હતો તેમ, કોઈ ભેદી મંત્રા સવાલાખ વાર લખી જઈ વશીકરણ શક્તિ મેળવવાની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહેતો હોય; ભલે એનું મુખ્ય કાર્ય ઑફિસમાં કારકુનોની પ્રવૃત્તિ અંગે સાહેબના ખબરપત્રી તરીકેની, સાહેબની પત્ની આગળ સાહેબની પ્રવૃત્તિના ખબરપત્રી તરીકેની અને કારકુનો આગળ સાહેબ તથા સાહેબની પત્ની બન્નેની પ્રવૃત્તિના ખબરપત્રી તરીકેની ફરજ બજાવવાનું જ હોય; તો પણ એ ઑફિસમાં અનિવાર્ય છે. એ ઑફિસની શોભા છે. એ ઑફિસનું ચૈતન્ય છે. એ નહીં હોય તો ઑફિસ ઑફિસ નહીં કહેવાય, અને સાહેબ સાહેબ નહીં કહેવાય. ને તોયે, થોડાક રૂપિયા-આના-પાઈની કરકસર ખાતર, આજે આપણે પટાવાળાને દૂર કરવાની વાતો કરતા થઈ ગયા છીએ? આપણે તે ક્યાં જઈને અટકીશું?*

  • હમણાં તો અહીંયાં જ!