સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બકુલ ત્રિપાઠી/ઓફિસમાંથી રજા કેમ લેવી?
‘ઓફિસમાંથી રજા કેમ લેવી?’ એ આજના યુગનો એક સળગતો પ્રશ્ન છે. આપણી શિક્ષણપદ્ધતિની વ્યવહારુ-વિમુખતાને કારણે આપણા નવયુવાનને અનેક પ્રશ્નોમાં ખૂબ સહન કરવું પડે છે. એવું એક અગત્યનું ક્ષેત્ર છે ‘ઓફિસ’ અને એવો એક અગત્યનો પ્રશ્ન છે ‘ઓફિસમાંથી રજા લેવાનો’! એ પણ એક કળા છે. જો તમે એનો ઉપયોગ કરી જાણો તો એમાં અપરિમિત આનંદ સમાયો છે. કુશળતાપૂર્વક રજા લેતાં આવડે તો ઘેર આરામ મળે છે એ તો ખરું જ, પણ બીજાય અનેક લાભ મળે છે. ‘સાહેબ’ પાસેથી રજા મેળવવાના કાર્યથી તમારી વાક્પટુતા ખીલે છે, અભિનયશકિત વિકસે છે, રજાની ચિઠ્ઠી લખવામાં—એવું કયું કારણ આપવું અને કેવા શબ્દોમાં કે, જે પરથી ‘સાહેબ’ કંઈ જ આડુંઅવળું શોધી ન શકે એનું ધ્યાન રાખીને ચિઠ્ઠી લખવામાં—લેખનશકિત અને ‘ડ્રાફ્ટંગિ’ની શકિત ખીલે છે. ચિઠ્ઠી યોગ્ય કારકુન દ્વારા વખતસર પહોંચાડવાના કાર્યથી અથવા તો આગલે દિવસે “જો અલ્યા, કાલે આ ચિઠ્ઠી સાહેબને આપજે, મારો વિચાર માંદા પડવાનો છે,” એમ કહીને ચિઠ્ઠી આપી રાખવાની વ્યવસ્થા કરવાથી વ્યવસ્થાશકિત ખીલે છે. પકડાઈ જઈએ તો બીજે દિવસે ‘સાહેબ’ની ઘંટડી સાંભળી એમની કેબિનમાં તદ્દન નિર્દોષ મોં કરીને જવામાં હિંમત ખીલે છે, એ બધા લાભ તો ખરા જ. પણ ‘કેઝ્યુઅલ’ લેવામાં, ઓફિસમાંથી અકારણ—બસ, ‘મૂડ’ આવ્યો એટલે—રજા લેવામાં આધ્યાત્મિક રીતે પણ ઘણું જ કલ્યાણ સમાયું છે. જગત આખું કામ કરતું હોય, પૈસા ખાતર દોડાદોડ કરી રહ્યંુ હોય, કારખાનાંઓમાં, બેંકોમાં, ઓફિસોમાં દેમાર પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યારે, ઘેર આરામખુરશીમાં પડ્યા પડ્યા, સ્વસ્થચિત્તે, બધાથી દૂર રહીને, સંસારમાં રહ્યા છતાં સંસારથી અળગા રહીને સંસારને નીરખવાથી કોઈ નવું જ દર્શન પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ પ્રત્યેનો મોહ દૂર થાય છે. આ દોડાદોડ, આ ખેંચાખેંચ, આ હોંશાતોંશીની અસારતા સમજાય છે, અને જે મરતો નથી, મારતો નથી, બળતો નથી, બાળતો નથી, ભીંજાતો નથી, ભીંજવતો નથી, કામ કરતો નથી, કામ કરાવતો નથી, ઓફિસમાં જતો નથી, ‘જવડાવતો’ નથી, એવા અસ્પર્શ્ય, અદૃષ્ટ, અવ્યક્ત આત્માનું દર્શન થાય છે. અને આપણે આ બધાંમાં નથી તોય બધું ચાલ્યા કરે છે, સંસાર તો ચાલ્યા જ કરે છે, એ નમ્રતાપ્રેરક સત્યનું ભાન થાય છે, અહંકાર દૂર થાય છે! પણ આ બધું ક્યારે? કે ઓફિસમાંથી ગમે ત્યારે ગુલ્લો મારતાં આવડે ત્યારે! હવે મુશ્કેલી એ છે કે આજકાલ (આજકાલ જ શું કામ? જમાનાઓથી!) દરેક ઓફિસમાં ‘સાહેબ’ નામનું એક પ્રાણી રાખવામાં આવે છે, કેટલાક એને ‘બોસ’ પણ કહે છે, કેટલાક કહે છે ‘શેઠ’! નામરૂપ જૂજવાં પણ અંતે તો બધુંય એક જ. આ ‘સાહેબ’નાં મુખ્ય કામો ઓફિસમાં ખાસ કેબિનમાં બેસી રહેવાનું, ટપાલ ફોડવાનું, પટાવાળા પાસે પાણી મંગાવવાનું, બપોરે ‘લંચ’ માટે ઘેર જવાનું, બને તો ચાલુ ઓફિસે ઊઘવાનું, કોઈ પોતાને ઊઘતા જોઈ જાય તો એને દબડાવવાનું, મોડા ઘેર જવાનું અને કારકુનોને વઢ્યા કરવાનું—એ હોય છે. આ માટે એમને મોટા મોટા પગારો આપવામાં આવે છે. આ ‘સાહેબો’, કોણ જાણે કેમ, રજા આપવાની બાબતમાં ક્રૂર હોય છે. કેટલાક દયાળુ પણ હોય છે. (જેમને સરળતા ખાતર એમની ગેરહાજરીમાં ‘મૂર્ખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.) આવા સાહેબો કારકુનના કહેવા સાથે જ એને રજા આપી દે છે. આવા સાહેબો હોય છે તો રજા લેવામાં બહુ મુશ્કેલી નથી પડતી. જે યુવાનોએ પૂર્વજન્મમાં પોતે સાહેબ હતા ત્યારે પોતાના હાથ નીચેનાઓને પ્રસન્નચિત્તે અનેકાનેક રજાઓ આપવાનું પુણ્ય કર્યું હોય છે તેમને આ ભવે આવા દયાળુ સાહેબો મળે છે. પણ મોટા ભાગના સાહેબો ‘કડક’ અથવા તો ‘જવા દે ને સવારના પહોરમાં એનું નામ’ એ પ્રકારના હોય છે. એમની પાસેથી રજા લેવામાં આપણા મુગ્ધ યુવાનને, હજી હમણાં જ કોલેજમાંથી બહાર પડી જીવનના ઝંઝાવાતમાં ઝડપાયેલા દૂધમલ જુવાનને, કેટલી મુશ્કેલી પડે છે એ તો એનું મન જાણે છે! કોઈએ એને કહ્યું નથી હોતું કે રજા કેવી રીતે લેવી, કોઈએ એને શિખવાડ્યું નથી હોતું કે દુષ્ટ સાહેબ પાસેથી ‘કેઝ્યુઅલ’ સરળતા અને સલામતીપૂર્વક કેમ પ્રાપ્ત કરવી. અરે, મા, બાપ, શિક્ષક, વડીલો કોઈ કરતાં કોઈએ એને નથી ચેતવ્યો હોતો કે “રજા લેવી એ પણ ભાઈ, એક કળા છે. એ પ્રાપ્ત કર્યે જ તારો છૂટકો છે.” મુગ્ધ કન્યાને સૌ ચેતવે છે કે, “રોટલી પણ વણતાં નથી આવડતી તો સાસરે જઈને કરીશ શું?” પણ વિદ્યાર્થીને કોઈ કરતાં કોઈ ચેતવતું નથી કે, “ભાઈ, બહાનું કાઢીને ‘કેઝ્યુઅલ’ લેતાં નહિ આવડે તો ઓફિસમાં જઈને કરીશ શું?” ઘણા આમાં ખત્તા ખાય છે. ઘણાક અનુભવે શીખે છે. ઘણા નથી શીખવા પામતા અને હેરાન થાય છે. ઘણા આ કળા ન શીખી શકવાને કારણે પૂરતી કેઝ્યુઅલો ‘ભોગવી’ શકતા નથી, ભોગવી શકે છે તો જે ‘ટેસ’થી ભોગવવી જોઈએ તે ટેસથી ભોગવી શકતા નથી. એટલે જ કહું છું કે આ પ્રશ્ન પરત્વે વ્યવસ્થિત વિચારણા થવી જરૂરી છે. આમ ગણો તો કામ બહુ સહેલું છે. ચિઠ્ઠી મોકલી દેવી. ‘તબિયત ખરાબ છે. આવી શકાશે નહીં. આજની રજા મંજૂર કરવા મે. કરશો.’ સાહેબ ‘તબિયત’નો અર્થ ‘શારીરિક સ્થિતિ’ એવો ગણશે. તમારી શારીરિક તંદુરસ્તી બરાબર હશે તોય તમે ખોટા નહીં ગણાઓ. કારણ ફારસી ભાષામાં ‘તબિયત’ એટલે ‘માનસિક સ્થિતિ’, ‘મિજાજ’, ‘મૂડ’! અને તમારો મિજાજ ઠેકાણે નથી એ વાત તો ખરી જ ને! યુધિષ્ઠિરને ‘નરો વા કુંજરો વા’ કહેવાથી લાગેલું એટલુંય પાપ તમને ‘તબિયત ખરાબ છે’ એમ કહેવાથી નહીં લાગે. ચિઠ્ઠી મોકલવાની ક્રિયા બહુ ધ્યાનપૂર્વક કરવી પડે છે. આપણી ઓફિસમાં કામ કરતો પડોશી આજે જ ઘેરથી વહેલો નીકળી ગયો હોય તો? ઘરનું બીજું કોઈ ચિઠ્ઠી આપવા જઈ શકે એમ ન હોય તો? ત્યારે કરવું શું? માટે ડાહ્યા માણસો જ્યારે આકસ્મિક રીતે માંદા પડવાના હોય ત્યારે આગલે દિવસે ઓફિસમાં પોતાની સાથે કામ કરનાર મિત્રને, “કાલે માંદા પડવાનો વિચાર છે. આ ચિઠ્ઠી સવારે સાહેબને આપજે,” એમ કહીને ચિઠ્ઠી આપી રાખે છે. પણ અચાનક તબિયત બગડ્યા અંગેની ચિઠ્ઠી આમ વારંવાર નથી મોકલી શકાતી. “ગઈ કાલે તો સાજોસમ હતો અને આજે અચાનક શું થઈ ગયું?” એવાં (ન કરે નારાયણ પણ તમારી શોકસભામાં બોલાવાં જોઈએ એવાં) વાક્યો સાહેબ અને અન્ય સજ્જનો બોલે એ તદ્દન સ્વાભાવિક છે. આથી દર વખતે કંઈ અચાનક માંદા પડ્યાની ચિઠ્ઠી ન મોકલાય. એટલે બને ત્યારે, માંદા પડવાનું હોય એના બેત્રણ દિવસ અગાઉ ‘વાતાવરણ’ જમાવવું! આંખો ચોળીને લાલ કરવી, ઢીલા થઈ જવું, ધીમેથી બોલવું, ખૂબ ધીમેથી ઉધરસ ખાવી, અચાનક આંખો બંધ કરીને બેસી જવું, અને કોઈ પૂછે એટલે “કંઈ નહીં”... “કંઈ નહીં” કહીને શહીદની જેમ કામે વળગવું, દર બે કલાકે ઓફિસ વીંધીને વોટરરૂમ આગળ જઈ, પ્યાલામાં પાણી લઈ, વર્ષાબિંદુ ઝીલતા ચાતકની જેમ મોં ઊચું કરી, પહોળું કરી, ગોળી ગળવી. બજારમાં એસ્પ્રો-એનેસિન જેવા દેખાવની પિપરમીટની ગોળીઓ મળે છે! સાહેબની કેબિનમાં જવું-આવવું તેય ધીમે પગલે. જતાં અને આવતાં જરા ઉધરસ ખાઈ લેવી, સહેજ બેધ્યાન બની જવું અને અચાનક સાહેબનો ઘાંટો સાંભળતાં ચમકીને જાગી જવું અને ગરીબડું મોં કરીને ઊભા રહેવું. અને આવા એકાદ દિવસ પછી જો તમે માંદા પડ્યાની રજા લો તો રજા આપનારના હૃદયમાં તમે તમારા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરી શકશો. જો યોગ્ય વાતાવરણ જમાવી શક્યા હશો તો એકને બદલે બે કે ત્રણ દિવસની ‘સિક લીવ’ લઈ શકશો! બને ત્યાં સુધી આવી ‘ખરાબ તબિયત’ની રજા એક સાથે બે દિવસથી વધારે સમય માટે લેવી નહી.ં નહીં તો ઓફિસના મૂર્ખ મિત્રો આપણી ખબર લેવા ઘેર આવે છે, અને એ લોકોને આવતા જોઈને બે મિનિટમાં જ, એકદમ દોડી ચોરસો લાવી ઓઢીપોઢીને પલંગમાં સૂઈ જવામાં ઘણી ઉતાવળ કરવી પડે છે. ખમણઢોકળાં ખાતા હોઈએ તો રકાબી રસોડામાં મૂકી આવી, હાથ ધોઈને આરામખુરશીમાં ઢીલા થઈને સૂઈ જવાનો પૂરતો વખત મળતો નથી. પિક્ચરના બપોરના શોમાં ગયા હોઈએ તો આપણે અંદર સૂઈ ગયા છીએ અને “હમણાં જ માંડ આંખ મીંચાઈ છે એટલે ડિસ્ટર્બ કરવા ઠીક નહીં; પણ તમારું નામ કહો, તમે આવ્યા હતા તે કહીશું, અને પાણીબાણી પીવું છે? સારું ત્યારે, આવજો!”—કહીને મિત્રોેને ઝડપથી વળાવી દેવાનું કામ ઘરનાં માણસો માટે ઘણું મુશ્કેલીભર્યું બની જાય છે. માટેે આકસ્મિક માંદગીની રજાઓ બે કે ત્રણ દિવસથી વધારે લાંબા ગાળા માટે લેવી હોય તો હવાફેરનો કાર્યક્રમ યોજવો! અમારા એક મિત્રે આવી રીતની સરસ યોજના કરેલી. એક દિવસ ક્ષયનિવારણ નિમિત્તે ઓફિસમાં ફાળો ઉઘરાવવા સ્વયંસેવકો આવ્યા ત્યારે છટકવા માટે એ પાએક કલાક પાણીની રૂમમાં સંતાઈ રહેલા ત્યારે એમને એક વિચાર આવ્યો અને તરત એમણે સાત દિવસનો ઉધરસ સપ્તાહ ઊજવી નાંખ્યો! સાહેબે પૂછ્યું છેવટે, “શું થયું છે?” “કંઈ નહીં,” એમણે કહ્યું. પછી બે દિવસ ઉધરસ. “કંઈ થયું છે, મિ. શાહ?” “નહીં સાહેબ, એ તો... સહેજ પંદરેક દિવસથી ઉધરસ આવે છે અને અહીં... અહીં સાહેબ, છાતીમાં ડાબી બાજુ દુખ્યા કરે છે... એટલું જ, બીજું કંઈ નહીં... તો હં સાહેબ, પેલા નાગરવાડિયા એન્ડ કં.ના ઓર્ડરનો શો જવાબ લખવાનો છે, સાહેબ?” અહા, ધન્ય છે આ વીરપુરુષને! પંદર પંદર દિવસથી છાતીમાં દુખે છે (ડાબી બાજુ) પણ એને એની પરવા નથી; એ સચિંત છે, ઉદ્વિગ્ન છે, વિચારમગ્ન છે—પણ તે છાતીના દુખાવા અંગે નહીં પરંતુ નાગરવાડિયા એન્ડ કં.ના ઓર્ડર અંગે! ‘ધન્ય છે’ સાહેબના મનમાં થયું હશે. પણ એ કંઈ બોલ્યા નહીં. પણ ત્રણ દિવસમાં એ ભાઈ છેવટે સાહેબ પાસે બોલાવડાવી શક્યા, “તો પછી કો’ક સારા ડોક્ટરને બતાવો ને, મિ. શાહ.” “હા, સાહેબ!” એમણે સાહેબની આજ્ઞા માની. એક દિવસ ડોક્ટરને બતાવવા જવાની રજા. પછીના બે દિવસ ઓફિસમાં હાજરી. પછીના બે દિવસ મોટી હોસ્પિટલમાં સ્ક્રીનિંગ કરાવવા જવા માટે રજા. તે પછી એક દિવસ રિપોર્ટ લેવા જવાની રજા. પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. “સાહેબ, કદાચ, આઈ મીન ટી. બી. પણ હોય. હજી કહેવાય નહીં!” વધુ બે રજાઓ. ડોક્ટરે જાહેર કર્યું: “ટી. બી.ની અસર છે, અઠવાડિયું હવાફેર માટે જઈ આવો.” ગયા. અઠવાડિયાની રજા. આવ્યા, “હવે કેમ છે?” “ઠીક છે.” “ઠીક છે ને?” “હા...જો કે સાચું પૂછો તો આ તો આમ જ ચાલવાનું. ડોક્ટર તો કહે છે મહિનો રજા લઈને બહાર રહી આવો. પણ સાહેબ, એ તે કંઈ ચાલે? ઓફિસનું કામ ‘સફર’ થાય...” “જો ખરેખર જરૂર હોય તો પછી...” “પણ સાહેબ, રૂલ્સ મુજબ...” “એ તો જોઈશું. એમ કરો, ત્રણેક અઠવાડિયાં જઈ આવો.” ગયા. આવ્યા. ઠીક છે. ચાલે છે. એમનો તો હજી બે મહિના પછી એકાદ અઠવાડિયું રજા લેવાનો વિચાર હતો, ત્યાં એક દિવસે સાહેબે પૂછ્યું, “બાય ધ વે, મિ. શાહ, તમે કયા ડોક્ટરની ટ્રીટમેન્ટ લો છો?” “સાહેબ.... ટ્રીટમેંટ તો સાહેબ... એ તો છે ને સાહેબ... ડો. દેસાઈની...” “ડો. દેસાઈ? કયા દેસાઈ?” “છે સાહેબ.... એ બાજુ... અમારી બાજુ... ઘણા હોશિયાર છે, સાહેબ...” “એમ કે? મને તો મૂરખ લાગે છે.” સાહેબે કહ્યું, “તમારું દરદ તો લંબાયા કરે છે. ધેટ ઇઝ સિરિયસ! તમે એમ કરો, હું ચિઠ્ઠી લખી આપું છું. ડો. કામાને મળો, મારા ઓળખીતા છે, હોશિયાર માણસ છે.” પણ અમારા એ મિત્ર પણ હોશિયાર માણસ હતા! આ વાતચીત પછી દસ જ દિવસમાં એમનો રોગ મટી ગયો! પણ એકંદરે એમનું એ વર્ષ ઘણું સુખમાં ગયું. આમ માંદગી એ નાના પાયા પરની તેમ જ મોટા પાયા પરની રજા લેવા માટે ઉત્તમ બહાનું છે. શિયાળામાં કે ચોમાસામાં શરદી તો થાય જ, તે ઉપરાંત દાંતનો દુખાવો, સ્ટમક અપસેટ થઈ જાય, કાકડા ફૂલે, આધાશીશી થઈ જાય... ઈશ્વરે અનેક રોગો સર્જ્યા છે, એ બધાંનાં લક્ષણો યાદ રાખવાં, દરેકનાં ચિહ્નો ધ્યાનમાં રાખવાં, સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે એ જાણી લેવું. એના નિષ્ણાત—પણ સાહેબથી અજાણ્યા, કારણ કે કલ્પિત—એવા ડોક્ટરોનાં નામ યાદ રાખવાં, એવી ઘણી ઘણી વાતોની દરકાર રાખવાની છે. સાહેબને ચીડવીનેય રજા લઈ શકાય! તબિયત ખરાબ હોવાનો, આગળ કહ્યો એવો, અભિનય સારા પ્રમાણમાં કરી પછી કામકાજમાં ભૂલો કરવા માંડવી, હાથમાંથી ફાઈલો પડી જાય, અચાનક ચોપડી લઈને જતાં જતાં ગમે તે ખુરશી પર બેસી જવું પડે, શાહીનો ખડિયો ઢોળાઈ જાય, ટોટલ તદ્દન ઢંગધડા વિનાના થવા માંડે, એટલે સાહેબ ચિડાશે, “તમારું મગજ ક્યાં છે!” “હેં? ...ઓહ, સોરી સાહેબ... વેરી સોરી.” બે-ત્રણ દિવસ પછી કોઈ સાથી (તમારી સૂચના મુજબ) સાહેબને કહેશે, “સાહેબ, એ માંદો છે!” “એમ?” “હા, બે દિવસથી ટેમ્પરેચર છે.” “તો પછી કહેતો કેમ નથી?” “તમને કહેતાં સાહેબ... એક્સક્યુઝ મી, પણ એ જરા ગભરાય છે.” વફાદાર મિત્ર કહેશે. “ગભરાય છે! હું તે કંઈ વાઘ છું! ફાડી ખાવાનો છું!” સાહેબ ચિડાઈને કહેશે. “એને કહો કે કંઈ અરજન્ટ હોય તો પૂરું કરી નાંખે અને ઘેર જાય... જાઓ... આજના યંગમેન, ‘કરેજ’ નહીં મળે કોઈ જાતની...” સાહેબ બબડતા રહેશે, અને મિત્ર બહાર જઈને યંગમેનને સમાચાર આપશે. યંગમેન એને જરા ચાપાણી પિવડાવીને ઘેર જશે. બે દિવસની રજા! પરંતુ યુદ્ધમાં તેમ રજા લેવામાં એકસરખી ચાલ હંમેશાં ના ચાલે! યુકિતઓ બદલતાં રહેવું જોઈએ. જાતે માંદા પડવાનું પૂરતા પ્રમાણમાં થઈ ગયું હોય તો સગાંવહાલાંને માંદા પાડવાં, કે પછી... પહોંચાડી દેવાં! માંદા પડવા માટે સન, વાઇફ અને ફાધર ઘણાં અનુકૂળ છે. ફાધર બહારગામ જ રહે. એટલે દર વખતે એમને માંદગીનો ઊથલો આવે ત્યારે ત્યાં જવું પડે. પહોંચાડી દેવા માટે જરા દૂરનાં સગાં પસંદ કરવાં. પણ કેટલાં સગાં છે, કોણ ક્યાં રહે છે અને કેટલી ઉંમરનાં છે એનું ધ્યાન રાખવું. બને તો ઘેર એનું લિસ્ટ રાખવું. જેમનો આપણા શહેરમાં આવવાનો અને આપણી ગેરહાજરીમાં ઓફિસમાં આવવાનો સંભવ જરાપણ ન હોય એવાં જ સગાંનું અવસાન નિપજાવવું. નહીં તો, “તમે કોણ! મિ. ત્રિવેદીના ફુઆ કે! ઓહ! પણ એ તો તમારા ઉઠમણામાં ગયા છે એટલે રજા પર છે!” એવું કહેવાનો સંજોગ ઊભો થાય છે. આવું ભાગ્યે જ બને પણ ધ્યાન રાખવું સારું. પણ આ બહાનામાંય મજા નથી. એક તો રજા પરથી આવ્યા પછી દિલગીર હોવાનો અભિનય કરવો પડે છે. અને બીજીય મુશ્કેલી છે. સગાંવહાલાં કેટલાં હોય! અવસાન પમાડી-પમાડીનેય કેટલાં સગાંને પમાડીએ! આ માટે નાતીલા બહુ સારા! નાતીલાની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. અને એમને મૂકવા સ્મશાને જવું પડે એ તદ્દન સ્વાભાવિક પણ છે! આ બહાનું એવું કરુણ છે કે પાષાણહૃદયી સાહેબો પણ ઝાઝી હા-ના કરી શકતા નથી. સાહેબ ચિડાય: “આ તે કંઈ રીત છે! તમારી નાતમાં રોજ કેટલા માણસ મરે છે! હમણાં દસ દિવસ પહેલાં કોઈ ગુજરી ગયેલું. અને પાછું આજે!” ત્યારે તમે ઠંડે કલેજે કહી શકો, “આ તો સાહેબ, કંઈ આપણા હાથની વાત છે!” છતાંય સાહેબ મિજાજમાં આવીને કહી નાંખે, “તો પછી... તો પછી... ના જાઓ સ્મશાને! આમ ઓફિસનું કામ બગડે એ કેમ ચાલે!” તો તમારાથી કહેવાય: “એ તો સાહેબ, એવું છે ને, આ તો કાલે આપણો વારો. એમનામાં નહીં જઈએ તો આપણામાં કોણ આવશે?” સાહેબને મનેકમને પણ રજા આપ્યે જ છૂટકો! અને તમે ‘આપણા’ એ શબ્દ દ્વારા સાહેબને પણ સમાવી દીધા એ વાત પર મનમાં મલકાતા મલકાતા કેબિનમાંથી બહાર નીકળશો. પરંતુ જીવનમાં એકપત્નીવ્રત પાળવું શક્ય છે, પણ એક બહાનાવ્રત પાળવું શક્ય નથી. બહાનાંને પણ પ્રધાનોની જેમ વારંવાર બદલતા રહીએ તો જ બરાબર કામ આવે. માંદા પડવા-પાડવા અને લોકોને અવસાન પમાડી દેવા ઉપરાંત ચોેમાસામાં વતનના ઘરના છાપરામાંથી પાણી ગળતું હોવાનો (કે એ ઘરમાં ચોરી થયાનો!) પાડોશીનો તાર મંગાવવો એ પણ એક ઉત્તમ માર્ગ છે. ઉપરાંત ટેક્સનાં લફરાં, ગેસ્ટનાં લફરાં વગેરે પણ બહાનાં તરીકે કામ આવી શકે એમ છે. આવાં બહાનાં પસંદ કરવામાં એક વાતનું ધ્યાન રાખવું. સાહેબને જે લફરાંનો, જે મુશ્કેલીઓનો અનુભવ હોય તે જ મુશ્કેલી આપણે પણ પસંદ કરવી. એથી કહી શકાય કે, “સાહેબ, મકાનમાલિક સામે ઘરના ભાડાના ઝઘડા અંગે કોર્ટમાં જવું પડે એમ છે. એ માટે દિવસ આખો બગાડવો પડશે. આ પણ સાહેબ, મોટું લફરું છે. તમે તો જાણો છો સાહેબ, તમને કેટલી મુશ્કેલી પડી હતી ગઈ વખતે!” આમ કહીને સાહેબને, “મકાનમાલિકો નાલાયકો હોય છે જ એવા” એવું કહેવા તરફ દોરી જઈ શકાય અને સમદુખિયા ગણાઈને રજા મેળવી શકાય! અલબત્ત, આ માટે સાહેબના અંગત જીવન અંગે, સાહેબની મુશ્કેલીઓ અંગે, કુટુંબ અંગે થોડી માહિતી હોવી જોઈએ. તો જ ખબર પડે કે સાહેબે કઈ કઈ મુશ્કેલીઓ અનુભવી છે અને તે મુજબ તમે પણ મુશ્કેલી પસંદ કરી શકો. પણ પટાવાળા જોડે સારો સંબંધ રાખ્યાથી આ માહિતી તો સહેલાઈથી મેળવી શકાય છે. કુશળ માણસો તો સાહેબને મદદરૂપ થઈને (ન થઈ શકાય એમ હોય તો પણ થઈને!) રજા લઈ શકે છે. સાહેબ પણ આખરે તો માણસ જ છે. હું જાણું છું, ઘણા કારકુનો આ વાત કબૂલ કરવા તૈયાર નહીં હોય. પણ ખરેખર સાહેબો પણ આખરે માણસો છે, એમને પણ બાળકો હોય છે, એ બાળકો બાલમંદિરમાં ભણતાં હોય છે, ચાર વર્ષ પૂરાં થતાં એમને પણ શાળામાં દાખલ કરવાનાં હોય છે. અને શાળામાં એડમિશન કેમ મેળવવું તે અંગે સાહેબોને પણ ક્યારેક ચિંતા થતી હોય છે! આવી વખતે તમારે નાવડું લઈને ઝુકાવવું, નૂતન સ્કૂલના હેડમાસ્તર તમારા સંબંધી છે, (આધ્યાત્મિક રીતે, ઐહિક રીતે નહીં.) માટે તમે એ અંગે કંઈ કરી જ શકો. એ માટે બપોરે જ જવું પડે... બે ત્રણ વાર જાઓ તોય એ મળે નહીં. મળે તો પછી આવવાનું કહે જ. એટલે તમારે ફરીથી બેત્રણ વાર રિસેસ પછી ઓફિસમાંથી જતાં રહેવું પડે. અને એડમિશનનું! એનું એવું છે ને, કે જેના ભાગ્યમાં જે લખ્યું હોય છે તે જ થાય છે! આપણે કોણ! એવી જ રીતે તમારી પોસ્ટઓફિસમાં, શેરબજારમાં વગેરે અનેક સ્થળે ઓળખાણો હોઈ શકે છે. હોય જ! રિસેસ પછી રજા લેવી હોય એટલે ઓળખાણ હોય જ ને! બને તો કામ કરવું, ન બને તો ઘેર જઈને રેકર્ડો સાંભળવી. પ્રભુ જે કરશે તે સારું જ કરશે. न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति | ઈશ્વરની લીલાની જેમ ઓફિસમાંથી રજા લેનારાઓની લીલા અનંત છે. બધું તો આપણે ક્યાંથી વર્ણવી શકવાના! કેવા સાહેબ છે, કેવી ઓફિસ છે, કેવા સાથીદારો છે અને કેવી હવા છે એ જોઈને સૌએ પોતપોતાનો મોરચો રચવો રહ્યો. મુદ્દાની વાત એક જ: “આના કરતાં ખોટી રજાઓ લેવી જ નહીં એ શું ખોટું!” એવા મોક્ષને ન અપાવનારા, અકીતિર્ કરનારા, અને આરામની શક્યતાઓનો ક્ષય કરનારા સંશયમાં કદી પડી જવું નહીં; કારણ આવા સંશયને વશ થઈ રજા ન લેવાથી, આ લોકમાં સુખની પ્રાપ્તિ થતી નથી અને પરલોકમાં પણ “અરેરે પૃથ્વી પર મેં પૂરતી કેઝ્યુઅલો પણ ન ભોગવી!” એ પ્રકારનો શોક રહ્યા કરે છે!
[‘સોમવારની સવારે’ પુસ્તક]