સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બહાદુરશાહ પંડિત/ધીરજ અને આત્મશ્રદ્ધા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સાગરકાંઠે એક માણસ બેઠો હતો. એના હાથમાં દર્ભની એક સળી હતી. દર્ભની એ સળી પાણીમાં બોળીને બહાર રેતી પર તે પાણી છંટકારતો હતો. ત્યાં બીજો એક માણસ આવી ચડયો. પેલાની આ વિચિત્ર ક્રિયા જોઈ આગંતુકે પૂછ્યું : “આ શું કરો છો?” “દરિયો ખાલી કરું છું.” પેલા માણસે શાંતિથી જવાબ આપ્યો. “હેં!” આગંતુકે આશ્ચર્યથી કહ્યું : “તમે આ રીતે તો દરિયો કેવી રીતે ખાલી કરી શકશો?” “કેમ કેવી રીતે?” પેલાએ જવાબ આપ્યો; “સળીથી જેટલું પાણી બહાર છંટકારાય છે, એટલું દરિયામાંથી ઓછું તો થશે ને? એટલું ઓછું થાય છે તો ધીમે ધીમે બધું જ ખલાસ થઈ જશે.” ધીરજ અને આત્મશ્રદ્ધાનું આ કેવું આદર્શ ઉદાહરણ છે! તમે હાથમાં લીધેલું કામ ગમે તેટલું મોટું હોય અને તમારી પાસેનું સાધન ગમે તેટલું નાચીઝ હોય, તોપણ તમારી પાસે ધીરજ અને આત્મશ્રદ્ધા હશે તો એ કામ અવશ્ય પાર પડશે. જેના સામ્રાજ્યનો સૂર્ય કદી આમથમતો નહોતો એવી બ્રિટિશ સલ્તનતમાં કેટલી મોટી તાકાત હતી? એની સામે માથું ઊંચકવા માટે ગાંધીજી પાસે કયું મોટું સાધન હતું? એમની પાસે માત્ર અહિંસાનું એક હથિયાર હતું. છતાં એ નાનકડા માનવીએ ધીરજ અને આત્મશ્રદ્ધાથી એટલી મોટી સલ્તનતને હરાવી અને ભારતને સ્વરાજ્ય અપાવ્યું. ગાંધીજી કોઈ દૈવી પુરુષ નહોતા; આપણા જેવા જ હાડચામના બનેલા માનવી હતા. એમનાથી જે થઈ શક્યું, એ આપણાથી પણ કેમ ના થઈ શકે? “ધીરજનાં ફળ મીઠાં” અને “ઉતાવળે આંબા ના પાકે” એ કહેવતો આખી પ્રજાના અનુભવનો નિચોડ છે. આંબાની કેરી જેવું સ્વાદિષ્ટ ફળ પ્રાપ્ત કરવું હોય તો ગોટલો વાવ્યા પછી કેટલાં વર્ષો સુધી ધીરજ રાખવી પડે છે? એમ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો “રોમ એક દિવસમાં બંધાયું નહોતું” એ ધ્યાનમાં રાખી સતત મથ્યા કરવું જોઈએ. ધીરજ સાથે પુરુષાર્થ અને આત્મશ્રદ્ધા સંકળાયેલાં છે. એકલી ધીરજ તો કશું ફળ આપી શકે નહિ. આરંભમાં આપેલા દૃષ્ટાંતનો નાયક દર્ભની સળીથી સતત પાણી બહાર કાઢી રહ્યો છે, અદબપલાંઠી વાળીને બેસી રહ્યો નથી. તમે કરવા ધારેલું કામ ઘણું મોટું છે, એ જોઈને જ તમે હારી જાઓ તો તો કદી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિ. કામ મોટું છે, તો તમારી આત્મશ્રદ્ધા પણ ક્યાં નાની છે? તમારી ધીરજ રાખવાની શક્તિને પણ ક્યાં મર્યાદા છે? નેપોલિયન બોનાપાર્ટ સામે આખું યુરોપ ખડું થઈ ગયું હતું. પણ એની આત્મશ્રદ્ધા હિમાલય જેટલી અડગ હતી. “મારા શબ્દકોશમાં અશક્ય જેવો કોઈ શબ્દ નથી!” એમ કહીને એણે જે અપૂર્વ આત્મશ્રદ્ધાથી અને વિરલ ધીરજથી પોતાની સામેના પડકારને ઝીલી લીધો એનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. હિમાલયની ટોચ પર પહોંચવું તે કેટલું કપરું કામ છે? હિલેરી અને તેનસિંગે એ કપરું કામ સદેહે પૂરું પાડયું. એક એક ડગલું ભરીને એવરેસ્ટ પર પહોંચવાનું હતું. મુશ્કેલીઓનો તો પાર નહોતો. પણ આ બન્ને સાહસવીરો પાસે ધીરજની ઢાલ અને આત્મશ્રદ્ધાની તલવાર હતી. એથી એમણે મુસીબતોને મારી હઠાવી. આ ધીરજ અને આત્મશ્રદ્ધાનો કોઈ ગાંધી, નેપોલિયન કે તેનસિંગે ઇજારો રાખ્યો નથી. એ બન્ને તમારી પાસે છે, મારી પાસે છે અને આપણી સૌની પાસે છે; પણ આપણે એને પારખીને વાપરતા નથી, એનો ઉપયોગ કરતા નથી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સુપ્રસિદ્ધ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂરી થતાં ૨૦ વર્ષ લાગ્યાં હતાં. એમણે કેટલી ધીરજથી કામ કર્યું હશે! જગતની સાત અજાયબીઓમાં સ્થાન પામેલો તાજમહાલ તૈયાર થતાં પણ વીસ વર્ષ લાગ્યાં હતાં. ચીનની દીવાલ શું રાતોરાત તૈયાર થઈ ગઈ હશે? દરેક મહાન કાર્ય માણસની ધીરજની કસોટી કરનારું જ હોય છે. કોઈ પણ મહાન કાર્ય ચમત્કારથી થતું નથી. હા, ચાઈમ વાઈઝમેન કહે છે એમ, “ચમત્કારો પણ ક્યારેક થાય છે ખરા — પણ તેને માટે માણસને આકરી મહેનત કરવી પડે છે.” ધીરજ માણસની માનસિક સ્વસ્થતાની સંજ્ઞા છે, એની પરિપક્વતાની નિશાની છે. ધીરજમાં સહિષ્ણુતા, સ્વસ્થતા અને માનસિક સ્થિરતા છે. એ ઉપરાંત અપૂર્વ આત્મશ્રદ્ધા પણ છે. આમ ધીરજ અનેક સદ્ગુણોની જનેતા છે. કોલોરાડો પ્રદેશમાં જયારે સૌથી પહેલી વખત સોનાની ખાણો નીકળી, ત્યારે આખું અમેરિકા ગાંડું થઈ ત્યાંની જમીન ખરીદવા લાગ્યું. એક કરોડપતિએ પોતાની બધી મૂડી રોકીને એક આખો પહાડ ખરીદી ખોદકામ શરૂ કર્યું. ખૂબ ખોદકામ થયું, પણ સોનું ના મળ્યું. નિરાશ થયેલા શ્રીમંતે આખો પહાડ સાધનો સાથે વેચવા કાઢયો. ઘરનાં માણસો કહે, તમારા જેવો ગાંડો કોણ હશે તે ખરીદવા આવશે? પણ ખરેખર એક ખરીદનારો આવ્યો. વેચાણ થઈ ગયા પછી આ શ્રીમંતે કહ્યું : “તમે ખરા માણસ છો! હું બરબાદ થઈને વેચવા નીકળ્યો છું, એ જાણ્યા છતાં તમે ખરીદવા નીકળ્યા છો?” “શી ખાતરી કે તમે ખોદ્યું છે એનાથી ઊંડું ખોદતાં સોનું નહિ નીકળે?” પેલાએ શ્રદ્ધાથી કહ્યું. અને ખરેખર, એક ફૂટ ઊંડું ખોદતાં જ સોનું મળ્યું. આ નસીબ હતું? ના, ધીરજ અને આત્મશ્રદ્ધા!

[‘કુમાર’ માસિક : ૧૯૭૭]