સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાપાલાલ ગ. વૈદ્ય/મને ગમે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મને સવારનો વખત ગમે છે.
એ વખતની શરીરની તાજગી ગમે છે.
સવારનો મીઠો તડકો ગમે છે.
હસતાંકૂદતાં કિલકિલાટ કરતાં બાળકો ગમે છે.
મને સંધ્યાની સુરખી ગમે છે.
તારાજડિત આકાશ ગમે છે.
ચંદ્રનાં દર્શન ગમે છે.
સુંદર નાજુક સ્ત્રીઓ ગમે છે.
પડછંદ મહેનતુ પુરુષો ગમે છે.
દૂધ આપનારી નીરોગી ગાયો ગમે છે.
દધિમંથન-ઘોષ ગમે છે.
ખડતલ, દેખાવડા બળદો ગમે છે.
થનગનતા ઘોડાઓ ગમે છે.
ભાતભાતનાં પક્ષીઓ ગમે છે.
મને ફૂલો ગમે છે; દેવની એ કટોરીઓ છે.
બાગબગીચા જોવાનું ગમે છે.
કોયલનો ટહુકો, મોરનો કેકારવ ગમે છે.
નદીઓ અને પહાડો ગમે છે.
વનો અને વૃક્ષો ગમે છે.
વનમાં વૃક્ષો સાથે વાતો કરવાનું ગમે છે.
ઝાડે વીંટળાયેલી વેલો ગમે છે.
સમુદ્રનાં દર્શન ગમે છે.
તળાવો ને સરોવરો ગમે છે.
એમાં ખીલેલાં કમળો ગમે છે.
શરદઋતુનાં કાચ જેવાં નિર્મલ નીર ગમે છે.
લીલીછમ ડાંગરના ક્યારડા ગમે છે.
યૌવનનો થનગનાટ ગમે છે.
વૃદ્ધોનું શાણપણ ગમે છે.


મને ગમતું નથી—
મને સવારની શાંતિનો ભંગ કરનાર ગમતું નથી.
કર્કશ વાણી ગમતી નથી.
સુક્કલકડી માણસો ગમતાં નથી.
કદરૂપી સ્ત્રીઓ ગમતી નથી.
માયકાંગલા મરદો ગમતા નથી.
નિસ્તેજ આંખો ગમતી નથી.
શરીર અને મનનાં માંદાં ગમતાં નથી.
ધર્મનું વેવલાપણું ગમતું નથી.
વરઘોડાનું વરણાગીપણું ગમતું નથી.
ધનનું પ્રદર્શન ગમતું નથી.
ઉડાઉ માણસો ગમતા નથી.
કંજૂસ માણસો ગમતા નથી.
કોઈ ઝાડ કાપે છે તે ગમતું નથી.