સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલકૃષ્ણ દવે/શુભમાં સદાય શ્રદ્ધા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વજુભાઈ[શાહ]ને કૌમારાવસ્થામાં જૈન સાધુ બનવાનો પ્રબળ ભાવ જાગેલો. પરંતુ રાષ્ટ્રીય લડત આવી. સત્યાગ્રહમાં જોડાવા અન્ય મિત્રો સાથે વજુભાઈએ પણ ઝંપલાવ્યું. એમના જીવનપ્રવાહને એક નવો જ વળાંક મળ્યો. વજુભાઈનો શાસ્ત્રાભ્યાસ બહુ ન હતો, છતાં એમની વાણી અને સમજણ શાસ્ત્રપૂત અને ધર્મયુક્ત હતાં. એમનાં વિચાર, વાણી અને વર્તનમાં એકતા હતી. એમની જાગૃતિ એટલી બધી હતી કે એમના મુખેથી ક્યારેય હલકું વચન નીકળતું નહિ. કોઈની નિંદા પણ નીકળે નહિ. દરેકના ગુણ જુએ અને એ ગુણોને જ રજૂ કરે. ગ્રહણશકિત એવી જોરદાર કે સામો માણસ અરધી વાત કરે ત્યાં આખી વાત સમજી જાય અને તેને એટલી સરસ રીતે રજૂ કરે કે પેલો માણસ કહે, “મારે એ જ વાત કરવી હતી.” ગમે તેવી ઉશ્કેરણીના પ્રસંગે પણ જરાય ક્ષુબ્ધ થયા વિના ફરી ફરીને મિત્રભાવે પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરતા હોય. વજુભાઈની સ્મરણશકિત પણ એવી જ બળવાન હતી. એમને યાદી ટપકાવવાની જરૂર ન પડતી. ચહેરા, પ્રસંગ અને થયેલી વાતનું સ્મરણ તાજું જ રહેતું. એમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. કંઈ પણ અનુચિત બને એ તરત એમને ખટકે. સામા માણસની લાગણીનો પૂરો ખ્યાલ રાખે. વજુભાઈ સર્વથા નિર્ભય હતા. ગમે તેવા વિષમ સંજોગોમાં પણ આત્મવિશ્વાસથી જઈને ઊભા રહેતાં તેઓ અચકાતા નહિ. સત્ય વાત રજૂ કરતાં ક્યારેય સંકોચાતા નહિ. પરંતુ નિર્ભયતાની સાથે એમની નમ્રતા પણ એટલી બધી હતી કે એ વાત સાંભળનારનો એમના પ્રત્યે સદ્ભાવ વધે. વજુભાઈના જીવનમાં ક્યારેય ક્ષુદ્રતા પ્રવેશી નથી. રાજકારણમાં ક્યારેક ક્યારેક કોરડુ માણસો સાથે પણ કામ પાડવું પડે છે. પરંતુ વજુભાઈનો એવા માણસો સાથેનો વ્યવહાર પણ હંમેશાં નિર્મળ મૈત્રીભર્યો રહ્યો છે અને એના પણ ગુણો જ જોયા છે. દ્વેષ તો વજુભાઈની નાડમાં જ ન હતો. ચૂંટણી જેવા પ્રસંગોમાં પણ વિરોધ પક્ષના કાર્યકરોને પોતાની સાથે પ્રવાસમાં લેતા. એ ભાઈ પોતાના પક્ષની સભા કરી આવે, અને વજુભાઈ પોતાની સભા કરી આવે. ફરી બન્ને સાથે નીકળી પડે. પ્રસંગોપાત્ત જે જે મિત્રોને દુભાવાનું બનેલું, એના નિવારણ માટે અને એમનો પ્રેમ પાછો મેળવવા માટે એમણે દિલથી પ્રયત્નો કરેલા. એમના માટે હું શું કરું?—એમ કહીને આંસુ વહાવતા જોયા છે. વજુભાઈએ ક્યારેય સભાનપણે અશુભ કાર્ય કર્યું નથી અને હંમેશાં એટલા સાવધ રહેતા કે અજાણતાં પણ અશુભ થવા ન પામે. એમની શ્રદ્ધા એવી પ્રબળ હતી કે શુભનું પરિણામ આજે નહિ તો કાલે શુભ આવવાનું જ. વજુભાઈનો ઉત્સાહ હંમેશાં ઊછળતો જ રહ્યો છે. ભલભલાનેય નિષ્ક્રિય બનાવી દે એવા શ્વાસરોગના કષ્ટદાયી હુમલા વખતે પણ તેઓ હજારો શ્રોતાઓની મેદનીને ભાષણથી મુગ્ધ કરતા હોય, અથવા કોઈ સમિતિની બેઠકમાં મુદ્દો બરાબર સમજાવતા હોય. ગમે તેવો તાવ ભર્યો હોય તોપણ પ્રવાસની જરૂરત હોય તો નીકળ્યા જ હોય. વચ્ચે બીમાર પડેલા ત્યારે અમદાવાદની હોસ્પિટલમાં હતા. છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ત્યારે મુંબઈથી વર્ષાબહેનનો ફોન આવ્યો. “વજુભાઈને કેમ છે? બોલી શકે છે?” વજુભાઈને ફોનની વાત કરી, એ વખતે પણ કહે કે “એને કહો કે માઈક લાવ, ભાષણ આપી દઉં.” બધા હસી પડ્યા. શરીર, મન અને વાણીના જાણે એ સ્વામી હતા. સુગઠિત ને રૂપમધુર કંઠ અને ગાવાની સરસ હલક, છટાદાર તેજસ્વી વક્તૃત્વ, રજવાડાંની કચેરીઓ અથવા એવાં મહત્ત્વનાં સ્થાનોમાં બેસવાની ગૌરવશીલ ઢબ, શરીરની ગમે તેવી સ્થિતિમાં પણ સ્વચ્છ, સુઘડ, પૂરાં કપડાં પહેરવાની સફાઈ, આ બધાં એમને ખૂબ અરઘતાં. એના વડે એમનું વ્યકિતત્વ આકર્ષક રહેતું. મેઘાણીભાઈએ ધોલેરાના સત્યાગ્રહીઓનો પરિચય આપતાં વજુભાઈને ‘સોહામણા જુવાન’ તરીકે વર્ણવેલા. એ કાળે તો તેઓ વાળનાં લાંબાં ઓડિયાં પણ રાખતા. અમરેલીમાં હાવાભાઈ સંઘવીનું ઘર એટલે કાર્યકરોની છાવણી. માતા-પિતા જૂની પેઢીનાં પ્રતિષ્ઠિત વૈષ્ણવ છતાં નવા વિચારને સમજવાવાળાં હતાં, એટલે બધા કાર્યકરોને તેઓ દીકરાની જેમ રાખતાં. એક દિવસ હાવાભાઈનાં બાએ વજુભાઈને કહ્યું, “ભાઈ વજુ, તું સમજુ છો, મર્યાદાવાળો છો, પાંચ માણસમાં પુછાય એવો છો, પણ આ તારાં ઓડિયાં મને ગમતાં નથી.” બાની આટલી ટકોરે વજુભાઈને સાવધ કરી દીધા. એ જ દિવસે વાળ કપાવીને ટૂંકા કરી નાખ્યા. ત્યારથી વજુભાઈના જીવનમાં સ્થૂળ રજસ્ કાયમ માટે ગયો.