સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/છોડી શકાતો નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વર્ષો પછી એક મિત્રા મળવા આવ્યા. કૉલેજમાં અમે સાથે ભણ્યા અને પછી કામધંધે લાગી ગયા. કોઈ કોઈ વાર મળવાનું બનતું, પણ પછી તો અમે બંને સંપર્ક ગુમાવી બેઠા. મિત્રા અચાનક આવી પહોંચતાં હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. એના ચહેરા પર કાંઈક ઉદાસી અને નિરાશા જેવું જોઈને પૂછ્યું : “છો તો મજામાં ને? કંઈ મુશ્કેલી તો નથી ને?” મિત્રો હસીને કહ્યું : “આમ તો કંઈ મુશ્કેલી નથી. વર્ષોથી અમેરિકા હતો. બધાં અમેરિકા જ છે, બંને દીકરા અને બંને દીકરીઓ. વહેવારના કામે હું બે મહિના માટે આવ્યો છું. પણ હવે અમેરિકા પાછા જવું કે નહીં એની દ્વિધામાં છું. કોણ જાણે કેમ હું ત્યાં રહી શકતો નથી. ત્યાં સગવડો બધી જ છે, પણ ત્યાં જીવને ચેન પડતું નથી. મારી પત્નીને પણ ત્યાં ગમતું નથી, પણ પૌત્રોને ઉછેરવાની જવાબદારી એના માથે આવી પડી છે; તેને પણ એ મોહ છૂટતો નથી. પણ મને તો જાણે એવું જ લાગે છે કે કોઈકે ધક્કો મારીને મને કંટાળાના અતળ કૂવામાં ફેંકી દીધો. તમે કહેશો કે તો પછી અહીં જ શાંતિથી રહોને, દીકરા-દીકરી ભલે પરદેશમાં લહેર કરે. વચ્ચે ત્રાણ વર્ષ પહેલાં આ અખતરો કરી જોયો. અહીં થોડા દહાડા ગમ્યું, પણ પછી રાત-દિવસ દીકરા-દીકરી યાદ આવવા માંડયાં. પાછાં ત્યાં ગયાં. અમેરિકાના સમાજશાસ્ત્રીઓએ સારું નામ શોધી કાઢયું છે : ખાલી થઈ ગયેલા ‘માળા’નો ખાલીપો કે ખટકો. તમે લેખક, એટલે સારો શબ્દ શોધી લેજો. પણ આ ‘એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ’નો અર્થ એટલો જ છે કે દીકરા-દીકરી ચાંચાળાં-પાંખાળાં થાય અને ઊડી જાય પછી માળામાં — ઘરમાં માબાપને ખાલીપણાની લાગણી સતાવ્યા કરે છે. “મને લાગે છે કે આનો કંઈ ઇલાજ નથી. તમે શું માનો છો? આજના જમાનામાં દીકરા બધા ભેગા મળી સંયુક્ત કુટુંબમાં રહે, માબાપની સાથે રહે, એ શક્ય નથી લાગતું. એવડાં મોટાં ઘર ક્યાંથી કાઢો? કદાચ ઘર મળી જાય તોય એવડાં મોટાં મન ક્યાંથી કાઢો? એ જમાનો તો ગયો. હવે એ શક્ય જ નથી. અને એક રીતે જુઓ તો મારા જેવા વૃદ્ધોએ જરા વિચારવા જેવું છે કે દીકરાઓને તેમનું પોતાનું જીવન ન હોય? તેમને સ્વતંત્રા રીતે જીવવું છે. તેમની પત્નીઓ જૂની કૌટુંબિક મર્યાદાઓની બહાર રહીને આઝાદીથી જીવવા માગે છે. મને લાગે છે કે અમારાં જેવાં માબાપોએ દીકરા-દીકરીનો આવો મોહ હવે છોડવો જોઈએ. દીકરાઓને મા— બાપનો આર્થિક ભાર ઉપાડવામાં વાંધો નથી, પણ માબાપ છાતી ઉપર ખમાતાં નથી. પ્રૌઢ અને વૃદ્ધ પતિ-પત્નીઓએ એકલાં રહેતાં શીખવું જોઈએ. બે-ચાર દહાડા માટે દીકરા-દીકરીને મળવા જાય તો ઠીક, બાકી તો તેમણે ઊડી ગયેલાં પંખીઓને પોતાના જૂના જર્જરિત માળામાં પાછાં બોલાવવાની આ ઘેલી રમત બંધ કરવી જોઈએ.” આટલું કહેતાં તો મિત્રાની આંખમાં આંસુ આવી ગયાં. એ આંસુ ઢાંકવા એકદમ હસ્યા અને બોલ્યા : “મારી વાત બરાબર છે ને? માબાપની ફરજ દીકરા-દીકરીને ઉછેરીને-ભણાવીગણાવીને પરણાવી દેવાની કે શક્ય હોય તો ક્યાંક કામધંધે લગાડી દેવાની. બસ, પછી તેમને તેમની રીતે તેમના રસ્તે જવા દેવાં જોઈએ.” ગળગળા થઈ જતાં મિત્રો પોતાના મોટા દીકરાનું બાળપણ યાદ કર્યું : “એ સમયના ભાવનગરની તદ્દન શાંત શેરીમાં એ ટ્રાઇસિકલ ચલાવતાં ડરતો હતો, અને આજે અમેરિકામાં ધસમસતા પૂરની ગતિએ મોટર હાંકે છે. નાનો હતો ત્યારે તો ગળેથી છૂટતો જ નહોતો. મારા ગળા ફરતે એના નાનકડા હાથ બરાબર ભીડી દે. તે દહાડે હું એને ‘છોડ, છોડ’ એવું કહ્યા કરતો હતો. આજે હવે હું એને મારા ગળેથી છોડી શકતો નથી. આજે હવે જાણે વગર કહ્યે એ મને કહી રહ્યો છે : છોડો-છોડો, પપ્પા, હવે અમને છોડો.” મિત્રાના ગળે ડૂમો ભરાયો.