સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/આવા હતા ઉમાશંકર
ઉમાશંકરે ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ શરૂ કર્યું. ચાર દાયકા સુધી ચાલેલું ‘સંસ્કૃતિ’ એક આખું અવતારકૃત્ય છે. ‘સંસ્કૃતિ એમણે એકલે હાથે (૧૯૬૪ સુધી જ્યોત્સ્નાબહેનની સહાયથી) ચલાવ્યું. સંપાદક પોતે અને ઘણી વાર ગ્રાહકોનાં સરનામાં કરનાર પણ પોતે ઉમાશંકર. ‘સંસ્કૃતિ’ની આથિર્ક ખોટ પણ એમણે વેઠી છે. ચાર દાયકા સુધી ‘સંસ્કૃતિ’એ ગુજરાતની સર્જકતા અને મનનશીલતાના ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે. નંદિનીબહેન, સ્વાતિબહેન ઉપરાંત આ ‘સંસ્કૃતિ’ એમની તૃતીય કન્યા. જ્યોત્સ્નાબહેન જતાં એ પણ નમાયી બનેલી. ચાર દાયકાઓની ‘સંસ્કૃતિ’ની ફાઈલો જોતાં આંસુ આવી જાય છે—માત્ર ભાવુકતાને લીધે નહીં, પણ ગુજરાતી પ્રજા માટે આપણા કવિએ કેવી પોતાની જાત ઘસી છે, એ વિચારથી. દૂર દેશાવર ગયા હોય ત્યારે એમણે વધારે ચિંતા આ તૃતીય કન્યાની કરી છે. ‘ગુણિયલ’ ગુજરાતે છેલ્લે જતાં એને પ્રતિસાદ આપેલો માત્ર બસો ગ્રાહકોની સંખ્યાથી! ઉમાશંકર કુશળ આલાપચારી હતા. એમની સાથેના વાર્તાલાપોમાં નર્મમર્મ, વ્યંગવિનોદ ઊભરાતાં હોય. હાસ્યના ફુવારા પણ ઊડતા હોય. પોતા પર પણ ખૂબ હસે. દેશ-દુનિયાના મોટા મોટા વિદ્વાનો સાથે સહજભાવે વાતો થાય, એમના તરુણવય સમકાલીનો સાથે પણ. ક્વચિત્ ક્રુદ્ધ થવા છતાં કદી એમને મુખે હીણો શબ્દ ઉચ્ચારાતો સાંભળ્યો નથી. એમના જેવું-જેવડું મિત્રમંડળ બહુ ઓછા સર્જકોનું હશે. બાલમિત્રો તો એમના અસંખ્ય, લગભગ દરેકને નામથી ઓળખે, વર્ષો પછી પણ રેખાઓ ઉપરથી ઓળખી એમને નામથી બોલાવે. એ અનેકોનાં દુ:ખમાં સમભાગી થયા છે, અને છતાં એવું લાગ્યું છે કે ઉમાશંકર પોતે તો ક્યાંક એકાકી છે; એ એકાંત દેશમાં કોઈ જઈ શક્યું નથી, જોઈ શક્યું નથી. ઉમાશંકર શું સાચે હવે નથી? આપણને સૌને એ સ્વીકારતાં ઘણી વાર લાગશે. આપણને ટેવ પડી ગઈ છે, કંઈ કશું હોય, લાવો એમને પૂછી જોઈએ. એ શું કહે છે? ઉમાશંકર શું કહે છે? જાણે આપણા કોન્શન્સના એ રખેવાળ ન હોય! હવે કોને પૂછીશું? એમને પૂછી જોઈએ કે હવે અમે કોને પૂછીએ!