સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/અજાણ્યા મુસાફરની પ્રેમકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અજાણ્યો મુસાફર અજાણી દિશામાં
હજી યે ફરે છે,
અને કોઈ સામે મળે તેને રોકી,
વમળમાં ફસાયેલી નજરે વિલોકી
ને પૂછ્યા કરે છે :
ભલા, યાદ છે તમને? જોયા પછી તો કહો, કોણ ભૂલે?
એ વારુણી આંખો, જ્યાં સ્વપ્નાંઓ લેલૂમ ઝૂલે ને ઝૂલે;
નયનમાં હજી સોમનાથી એ સાગરનું
છે નીલ આંજણ,
અને કેશમાં ઘટ્ટ ગિરનારી કાળી ઘટા કેરું કામણ,
અને પાનીએ હળવદી લાલ માટીનો કેસરિયો ફાગણ,
તમે જોઈ છે એને? બોલો, કૃપાળુ!
અરે, આ હું ભાળું —
સુદર્શન સરોવરની પાળે હજી તો અમે માંડ બેઠાં
અને મેઘ ખાંગા થયા, સોનરેખા છલી, પાળ તૂટી
થયા પથ્થરે પથ્થરો ક્યાંય હેઠા,
અમે હાથ ઝાલી ઘણી દોટ મૂકી, ઘણી ગાંઠ વાળી,
ઘણી ભેટ તાણી,
છતાં અમને આંબી ગયાં હાય, ભમ્મરિયાં પાણી.
રતન મારું રોળાયું ને તોય હૈયું કહે તો
કહો ભાઈ, હૈયાનો શો વાંક છે?
કે તું જો તો ખરો, એ હજી ક્યાંક છે, ક્યાંક છે, ક્યાંક છે.
નથી હૈયું ખોટું હો! ખોટો હશે માનવી પણ,
મને સોમનાથી લહરનાં મળ્યાં એ જ નીલેરાં આંજણ,
અને મારી ગિરનારી કાળી ઘટાનાં મળ્યાં
કેશગૂંથેલાં કામણ.
અને મારી ધખધખતી માટીમાં
લીલી ક્ષણોની મળી હૈયાધારણ
કહું? હા, હતો ત્યારે
સમૃદ્ધ વલભીની સોના બજારે
હું તો ચાલતો ને નજર ઊંચી નાખું તો,
હે શંભુ! પુણ્યો ફળ્યાં શું?
નયન એ ઝરૂખેથી ઝૂકી કહે કે :
લો, આવી મળ્યા શું?
અને સાંજના ઝલઝલા અંજવાસે
પગથિયાં ઊતરતી એ આવે જ્યાં પાસે ને પાસે,
થયો શોર હો હલ્લા, ભાગો રે ભાગો અચાનક
જુઓ, આરબોનું કટક આવી પહોંચ્યું ભયાનક,
હું કમરેથી સમશેર ખેંચી રહું ને
મુલાયમ એ કરને હું કરમાં ગ્રહું ને
કહું : ભય નથી; ત્યાં મશાલોનાં મોજાં હડૂડે
અને તેજ ભાલાનાં અંધાંધ પૂરે બધી વાટ બૂડે
અને લાલબંબોળ લોહીના જોયા મેં ધસમસતા રેલા,
સુણ્યાં ના સુણ્યાં ઘોર ઘમસાણે બે વેણ ઘેલાં,
ખબર છે પછી કોઈ તીરે વીંધાતી એ છાતી
અને કાનમાં રહી ગઈ ચીસ આ સંભળાતી :
નથી ભૂલી, ના, ના નથી, પ્રાણ, ભૂલી —
અધૂરાં એ વેણે,
એ અંધારે ઘેરાતાં ઘનનીલ નેણે,
સફર મારી આજે યે ચાલી રહી છે અટૂલી.
વિસામો લીધા વિણ ફરું છું બધે આમ, ભાઈ,
હું જોઈ વળું છું ને જોતાં વધે
મારી આશા ને આશાથી પીડા સવાઈ.
હજી કાય આ ઢંક પાટણની ધૂળે ભરી છે,
અને ઘૂમલી વાવ કેરા જળે નીતરી છે,
અને ઢાળ કનકાવતીનો ચડી-ઊતરી છે,
નજર જ્યાં મળી ના મળી ત્યાં ફરીથી ગુમાવી
મને ભાળ આપી શકો છો?
ને આપી શકો ના તો લેજો નિભાવી.
સુણી વ્યર્થ વાણી
કે કથની પુરાણી,
મને માફ કરજો કદી જાવ ત્રાસી,
હું છું મોરબીનો નિવાસી.

[મોરબીમાં બંધ તૂટ્યો ને ગામ તણાયું ત્યારે]