સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ગમતાંનો કરીએ ગુલાલ
Jump to navigation
Jump to search
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ…
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.