સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિભાઈ ભ. દેસાઈ/વિદાય
પ્રમુખનો હોદ્દો સંભાળી લેવાને વોશિંગ્ટન જવા ઊપડવાનો દિવસ નજીક આવી પહોંચ્યો. ત્યાં જવા પહેલાં સૌ પ્રથમ તેની અપર માતા સેલીને મળવા લિંકન ગયો. એક બાજુ પોતાના પેટના દીકરાના કરતાં પણ વધારે પ્રેમ વરસાવનાર અપર માતા, અને બીજી બાજુ તેના પર સગી માતા કરતાં પણ વધારે માયામમતા રાખનાર સાવકો પુત્ર : એવાં એ માતા-પુત્રને એકબીજાંની વિદાય લેવાનું વસમું થઈ પડ્યું. છૂટા પડતી વખતે વૃદ્ધ સેલી લિંકનને વળગી પડી અને ડૂસકાં ખાતી ખાતી બોલી, “એબ, પ્રમુખપદ માટે તું ઉમેદવારી કરે એ મારે જોઈતું નહોતું, અને તું પ્રમુખ ચૂંટાય એ પણ હું માગતી નહોતી. મારું હૃદય કહે છે કે તને કંઈક થવાનું છે અને આપણે સ્વર્ગમાં મળીએ ત્યાં સુધી હું તને કદી મળી શકવાની નથી.” માતાની વિદાય લીધા પછી, પોતાની જુવાનીના આરંભના દિવસો જ્યાં તેણે ગાળ્યા હતા એ સ્થળોની મુલાકાતે પણ લિંકન ગયો, જૂના સાથીઓને મળ્યો, તેમની સાથે અગાઉની વાતો યાદ કરી અને તેમની પ્રેમભરી વિદાય લીધી. દરમ્યાન, સંઘરાજ્યમાંથી છૂટાં પડી ગયેલાં દક્ષિણનાં રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાના અલગ રાજ્યની સ્થાપના કરી. ‘કોન્ફેડરેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ એવું નામ તેને આપવામાં આવ્યું. આમ, ગુલામ-માલિકો લાંબા સમયથી જેની ધમકી આપતા આવ્યા હતા એ તેમણે કર્યું અને યુનાઈટેડ સ્ટેટ્સના સંઘ રાજ્ય પર જીવલેણ ફટકો માર્યો. વોશિંગ્ટન જવાને ૧૧મી ફેબ્રુઆરીએ સ્પ્રીંગફીલ્ડથી નીકળવાનું હતું. આગલે દિવસે, વોશિંગ્ટન રવાના કરવાનો સામાન ચૂંટાયેલા પ્રમુખે જાતે જ પેક કર્યો, પારસલો જાતે દોરડાંથી મજબૂત બાંધ્યાં અને તેના પર લેબલો ચોડી જાતે સરનામાં કર્યાં. જાતે ઘરનું આંગણું વાળનાર, જાતે ગાય તથા ઘોડાને ઘાસ નીરનાર તથા તેમની કોઢ સાફ કરનાર, પોતાની અને ક્યારેક પડોશીની પણ ગાય જાતે દોહી લાવનાર અને ઘર માટે જરૂરી લાકડાં પણ જાતે જ ફાડનાર પુરુષમાં રાષ્ટ્રનો વડો ચૂંટાયાથી કશો જ ફરક પડ્યો નહીં. બીજે દિવસે વહેલી સવારે લિંકનને વોશિંગ્ટન લઈ જવા માટે સ્પેશિયલ ગાડી તૈયાર ઊભી હતી. મેરી તથા છોકરાંઓ પાછળથી તેની સાથે થવાનાં હતાં. ચૌદ માણસોના રસાલા સાથે તે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું અને ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. લિંકનના મિત્રો અને પ્રશંસકો તેને વળાવવાને સ્ટેશન પર જમા થયા હતા. એ દરેક સાથે લિંકને પ્રેમપૂર્વક હાથ મિલાવ્યા. વિદાય વખતે તે કશું બોલવા માગતો નહોતો. ગાડી ઊપડવાનો સમય થયો. સિસોટી વાગી અને પોતાના ડબ્બામાં તે દાખલ થયો. વિદાય આપવા આવેલા સમુદાય પર તેણે છેલ્લી વાર નજર કરી ત્યારે એ સુપરિચિત અને સ્નેહાળ ચહેરાઓ જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું. ચિંતાથી નખાઈ ગયેલા તેના ચહેરા પર આંસુ ટપક્યાં, અને જેમની સાથે તેનું જીવન પા સદી સુધી ઓતપ્રોત થયું હતું તેમના પ્રત્યે આભારની ઊંડી લાગણી પ્રગટ કર્યા વિના તેનાથી રહેવાયું નહીં. અંતરના ઊંડાણમાંથી શબ્દો આપોઆપ સરી પડ્યા : “મિત્રો, આ છૂટા પડતી વખતની મારી શોકની લાગણી, મારી સ્થિતિમાં ન મુકાયો હોય એવો કોઈ પણ માણસ સમજી શકે એમ નથી. આ સ્થળનો તથા અહીંના લોકોની ભલાઈ અને માયામમતાનો હું દરેક રીતે ઋણી છું. પા સદી સુધી હું અહીં રહ્યો છું, અને અહીં જ યુવાન મટી વૃદ્ધ થયો છું. અહીં જ મારાં બાળકો જન્મ્યાં અને એક તો અહીંની જ ભૂમિની ગોદમાં સૂતું છે. (પ્રમુખ) વોશિંગ્ટનને માથે હતું એના કરતાં પણ ભગીરથ કાર્ય માથે લઈને હું અહીંથી જાઉં છું. હું અહીં ક્યારે પાછો આવીશ, અથવા ક્યારે પણ પાછો આવીશ કે કેમ, એ તો ભગવાન જાણે. જે દૈવી શક્તિનો તેને (વોશિંગ્ટનને) સહારો હતો તેની મદદ વિના હું સફળ થઈ શકું એમ નથી. તેની મદદ હશે તો હું કદી નિષ્ફળ નીવડનાર નથી. સૌના કલ્યાણને અર્થે જે સર્વત્ર વ્યાપી રહ્યો છે તે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આપણે આશા રાખીએ કે હજી સૌ રૂડાં વાનાં થશે. તેને આશરે હું તમને સોંપું છું અને ઇચ્છું છું કે તમારી પ્રાર્થનામાં તમે પણ મને તેને આશરે સોંપજો.” લિંકનના આ લાગણીભર્યા ઉદ્ગાર સાંભળીને તેને વળાવવા આવેલા સૌની આંખો પણ ભીની થયા વિના ન રહી. ગાડી ઊપડ્યા પછી, વિદાય આપવા આવેલા લોકો દેખાય ત્યાં સુધી આંખો ખેંચીખેંચીને લિંકને તેમના તરફ જોયા કર્યું. પછી તેણે ડબ્બામાં પોતાની બેઠક લીધી. એ ગાડી પાટનગર વોશિંગ્ટન તરફ, આંતરવિગ્રહ તરફ, શહીદી તરફ તેને લઈ જઈ રહી હતી. વળાવવા આવેલાઓ પણ, ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી, એકીટસે તેની તરફ જોઈ રહ્યા. પોતાના એ ઉમદા નગરબંધુને તેઓ ફરીથી જીવતો જોવાના નહોતા.
[‘અબ્રાહમ લિંકન’ પુસ્તક]