સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ મ. પટેલ/માનવરૂપે મધમાખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          માનવરૂપે મધમાખી ખાદીના ઝભ્ભા-લેંઘાના પોશાકમાં સજ્જ દાઢીધારી અનિલ ગુપ્તાને જોતાં કોઈને કલ્પના પણ ન આવે કે આ માણસ વિશ્વભરમાં જાણીતી અમદાવાદ-સ્થિત ભારતીય પ્રબંધ સંસ્થાન (આઈ.આઈ.એમ.)ના કૃષિ મૅનેજમેન્ટના અધ્યાપક હશે! દુનિયાભરમાં તેઓ પોતાના આ ગ્રામીણ પોશાકમાં જ ઘૂમે છે! આપણે ત્યાં તરેહતરેહની યાત્રા રાજકીય કે ધાર્મિક હેતુસર યોજાય છે, પણ આ માણસે ૨,૦૦૦ કિલોમીટરની ૧૨ શોધયાત્રાઓ પગપાળા કરીને ગુજરાતનો ગ્રામવિસ્તાર ખૂંદ્યો છે. દર વર્ષે ‘સૃષ્ટિ’ સંસ્થાના ઉપક્રમે ૨૦૦ જેટલા પ્રયોગશીલ ખેડૂતોને લઈને પ્રો. ગુપ્તા ૧૦ દિવસ શોધયાત્રાએ નીકળે છે. ૧૨માંથી ૮ શોધયાત્રા ગુજરાતમાં કરી છે. બાકીની ચાર તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાંચલમાં યોજી છે. આ શોધયાત્રામાં પરંપરાગત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને શોધીને તેના ઘરઆંગણે જઈને તેનું સન્માન કરાય છે. અત્યાર સુધી શોધયાત્રામાં આવી ૬૦૦ જેટલી વ્યક્તિઓનું સન્માન કરાયું છે. ૪૯ વર્ષીય પ્રો. ગુપ્તા ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામના કેળવણીક્ષેત્રના પિતાનું સંતાન છે. જિંદગીની કારકિર્દીનો આરંભ બૅન્કની નોકરીથી કર્યો. બૅન્કની નોકરી છોડીને આઈ.આઈ.એમ.માં જોડાયા. આ સંસ્થામાં તેમના વિચારને મૂર્તિમંત કરવા વિશાળ તકો મળી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સંશોધનકાર્ય શરૂ કર્યું. દુકાળમાં પણ ખેડૂત, પશુ કેવી રીતે જીવે છે તેની જાણકારી પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં ૧૯૮૮માં એક ‘હનીબી નેટવર્ક’ શરૂ કર્યું. હનીબી એટલે મધમાખી. મધમાખી જેમ એક પુષ્પ પરથી પરાગ બીજા પુષ્પ પર લઈ જાય તેમ એક ગ્રામીણ ખેડૂત કે પશુપાલકનું પરંપરાગત જ્ઞાન બીજા ખેડૂતને મળે, એક ભાષાનું આવું પરંપરાગત જ્ઞાન બીજી ભાષાવાળાને મળે તે માટે આ નેટવર્ક દ્વારા પ્રયાસો શરૂ કર્યા. ગુજરાતમાં લોકભારતી અને ગ્રામભારતી જેવી ૨૨ જેટલી ગ્રામવિદ્યાપીઠોમાં જાતે ફરીને પ્રો. ગુપ્તાએ વિદ્યાર્થીઓ પાસેથી ગામડાંની આવી માહિતી એકત્ર કરવાનું કામ ‘જતન’ સંસ્થાના કપિલ શાહના સહયોગથી શરૂ કર્યું. અત્યાર સુધી આવા પરંપરાગત જ્ઞાનની ૮,૦૦૦ જેટલી જાણકારી તેઓ એકત્ર કરી શક્યા છે. આ કામને આગળ ધપાવવા ૧૯૯૩માં ‘સૃષ્ટિ’ નામની સંસ્થાની તેમણે રચના કરી. ગુજરાતની ગ્રામીણ સૃષ્ટિમાંથી જે પરંપરાગત જ્ઞાન તેમને મળ્યું તેને લોકો સુધી પહોંચાડવા ગ્રામીણ પત્રકારત્વને વરેલા રમેશ પટેલ જેવા સાથીના સહયોગથી ‘લોકસરવાણી’ નામનું સામયિક શરૂ કરીને પરંપરાગત જ્ઞાનની સરવાણીને વહેતી કરી. ત્યારબાદ અંગ્રેજીમાં ‘હનીબી’ અને હિંદીમાં ‘સૂઝબૂઝ’ નામનાં સામયિકો પણ આ જ હેતુસર શરૂ કર્યાં. આવું પરંપરાગત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓની એક પરિષદ ૧૯૯૭માં યોજાઈ. આ સંશોધકોને તેમના જ્ઞાનનું વળતર મળે અને તે જ્ઞાનનું ટેક્નિકલ હસ્તાંતરણ કરીને બીજાના ઉપયોગમાં લાવી શકાય તે માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું ફંડ આપ્યું અને પ્રો. ગુપ્તાના નેતૃત્વ નીચે આ માટે ‘જ્ઞાન’ નામની સંસ્થા રચાઈ. પ્રો. ગુપ્તાના કાર્યથી પ્રભાવિત ભારત સરકારે ૨૦૦૦ના વર્ષમાં રૂ. ૨૦ કરોડના ફંડથી રાષ્ટ્રીય નવીનીકરણ પ્રતિષ્ઠાન નામની સંસ્થા તેમના જ નેતૃત્વ નીચે સ્થાપી છે, જેના દ્વારા આવી ગ્રામીણ કોઠાસૂઝને દેશનાં વિવિધ રાજ્યોમાંથી શોધવાની અને બીજે પહોંચાડવાની કામગીરી શરૂ થઈ છે. ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલી મહિલાઓ શોધીને તેમના પરંપરાગત જ્ઞાનને બહાર લાવવાનું કાર્ય ‘સૃષ્ટિ’એ હાથ ધર્યું છે. આવી ૧૦૦થી વધુ શતાયુષી ગ્રામીણ મહિલાઓ ગુજરાતમાંથી તેમણે શોધી છે. વિશ્વભરની પરિષદોમાં તેમણે ૧૦૦થી વધુ શોધપત્રો રજૂ કર્યા છે. આઈ.આઈ.એમ.માં પણ શોધયાત્રાનો અભ્યાસક્રમ તેમણે શરૂ કરાવ્યો અને વિદ્યાર્થીઓને લદ્દાખ ને ભૂતાનના ગ્રામીણ વિસ્તારોમાં લઈ ગયા છે. આમ પ્રો. ગુપ્તા માટે આઈ.આઈ.એમ., લોકભારતી (સણોસરા), ગ્રામભારતી (અમરાપુર) અને હાર્વર્ડ (અમેરિકા) સમાન સ્તરે છે. તેમણે ખેતી, પશુપાલન, આરોગ્ય તથા ગ્રામકારીગરોનાં સંશોધનો તથા પરંપરાગત જ્ઞાનને વિશ્વસ્તર સુધી પહોંચાડયાં છે. ૧ લિટર પાણીથી વૃક્ષ ઉગાડવાની વાત હોય કે બુલેટ દ્વારા ચાલતા હળની વાત હોય કે કંપોસ્ટ ખાતરની વાત હોય, આજે વિશ્વભરમાં અનિલ ગુપ્તાનું નામ આદરથી લેવાય છે. સાથે સાથે દુનિયાભરના આર્થિક લૂટારાઓના પડકાર સામે પણ એ લડે છે. ૨૦૦૧ના વર્ષમાં ન્યૂયોર્કના ‘બિઝનેસ વીક’ સામયિકે જેને એશિયાની પચાસ પર્સનાલિટીમાં સ્થાન આપ્યું હતું તે ઉત્તર પ્રદેશથી આવેલા આ પ્રો. ગુપ્તાએ એક સવાઈ ગુજરાતી બનીને ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૪]