સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુકર લ. પટેલ/“ડોક્ટરેટ કોને મળી છે!”
નડિયાદના પ્રા. રામચંદ્ર પંડ્યાને મહાકવિ કાલિદાસ ઉપરના તેમના મહાનિબંધ માટે ડોક્ટરેટની ઉપાધિ મળી હતી. શ્રી પંડ્યાનું બહુમાન કરવા સંસ્કારસભા તરફથી સંતરામ મંદિરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અન્ય વક્તાઓનાં પ્રવચન પછી પ્રમુખસ્થાનેથી બાબુભાઈએ ‘મેઘદૂત’થી શરૂ કરી કાલિદાસની અન્ય કૃતિઓનું જે રસપ્રદ વર્ણન કર્યું તે સાંભળી શ્રી રામચંદ્ર પંડ્યાએ જણાવ્યું કે, કાલિદાસ અને સંસ્કૃત સાહિત્ય વિશે બાબુભાઈને આજે સાંભળીને, મને ડોક્ટરેટ મળી છે કે શ્રી બાબુભાઈને તે અંગે મને શંકા થાય છે! એક પ્રસંગે ડાકોરમાં એક સભામાં દેશના ઘણા મંડલેશ્વરો અને વિદ્વદ્જનોની ઉપસ્થિતિમાં ‘ભગવદ્ ગીતા’ ઉપર બાબુભાઈએ ૪૫ મિનિટ સુધી અસ્ખલિત સંસ્કૃતમાં મનનીય પ્રવચન આપ્યું હતું! એ સાંભળી સૌ વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાબુભાઈને તેમનું જીવનચરિત્ર લખવા વિનંતી કરતા પત્રો મેં લખ્યા હતા. જવાબમાં તેમણે મને લખ્યું: “મારા જીવનમાં એવું કાંઈ નથી કે હું મારું જીવનચરિત્ર લખું. મારી એવી કોઈ જ સિદ્ધિ નથી. મારું તો, અન્યની જેમ સામાન્ય જીવન રહ્યું છે, તેથી જીવનચરિત્ર લખવાનો કોઈ પ્રશ્ન નથી.”