સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/ગોળ અને ખોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          શરદચંદ્ર તો સાહિત્યસ્વામી છે. આપણે જેમને સામાન્ય લોકો કહેતા હોઈએ તેવા લોકો તરફ એમની સહાનુભૂતિ, અનુકંપા અને શ્રદ્ધાનો કોઈ પાર નથી. એટલે એમની વાર્તાના નાયકો અને નાયિકાઓ ઘણી વાર સમાજના ઓરમાયા વર્ગનાં હોય છે. ‘અંધારે આલોક’ અને એમની વિખ્યાત નવલ ‘શ્રીકાંત’ એના દાખલા છે. આ બધું વાંચ્યું છે, રસપૂર્વક વાંચ્યું છે. પણ તે વખતે મનમાં એમ થતું કે, આ બધું અદ્ભુત રીતે લખાયું છે એની ના નહિ; પરંતુ આ નવલકથામાં આવે છે એવી સ્ત્રીઓ અને એવાં અસામાન્ય સામાન્યજનો ખરેખર હશે ખરાં? કે પછી મહાપુરુષોને હાથે પથ્થરની પ્રતિષ્ઠા થાય તોપણ પૂજાય, એવું તો આ નહિ હોય ને? એમની અનુકંપાએ એમનાં પાત્રોને વધારે પડતો રંગ તો નહિ ચડાવ્યો હોય? પરંતુ હમણાં ફરતાં ફરતાં શરદચંદ્રની શ્રદ્ધાને સાચી ઠરાવતા એકાદ બે કિસ્સા પ્રત્યક્ષ જોવા મળ્યા. … ગામ ગયો હતો. — પટેલ અનુભવી ને આબરૂવાળા. શેરડી ખાતાં ખાતાં વાતો ચાલતી હતી. મેં કહ્યું : “મારે તમને એક વાત કહેવી છે. બાજુના ગામમાં ગયો હતો, ત્યાં … પટેલને તો તમે ઓળખો છો. એણે એની વહુને હમણાં કાઢી મૂકી છે. કહે છે કે છોકરાં ઊઝરતાં નથી, એટલે બીજી કરવાનો વિચાર છે. એ તો ઠીક, પણ બાઈ એના પિયરથી હજાર-બે હજારનું ઘરેણું લઈને આવેલી; હવે એ ઘરેણું પણ નથી આપતો ને જિવાઈ પણ નથી આપતો. તમારી નાતે આવા કિસ્સામાં વચ્ચે પડવું જોઈએ.” “એ તો બહુ કહેવાય, હળાહળ કળજુગ જ આવ્યો છે ને! ઘરનું માણસ, કેટલા તડકા-છાંયડા હારે કાઢ્યા હોય, તોય આમ કેમ થતું હશે? સાળું, માણસ પોતાના જૂના ઢાંઢાને ય આમ કાઢી નથી મૂકતો!” મેં કહ્યું : “હવે કાઢી મૂકવાનું ક્યાં લેવા જાવું પડે એમ છે? એ બાબતમાં કાળજાં કઠણ થઈ ગયાં છે.” “સાચી વાત છે. જમાનો એવો આવ્યો છે કે આબરૂસોતા એના (પરમાત્માના) ધામમાં પહોંચી જઈએ તો ઘણું કહેવાય…. અમારા ઘરમાં જ હજુ કાલ બોલાચાલી થતાં રહી ગઈ.” “શું?” મારાથી બોલી જવાયું. “અમારી ભાણેજવહુ છે, એના સારુ કંઈક લૂગડું આવેલું, તે બૈરાંનો જીવ…” કહી થોડી વાર એ થંભી ગયા. શેરડીનો કટકો હાથમાં રહી ગયો. પછી કહે : “મારે એક બહેન હતી. પરણાવી, પણ આદમી કાંઈક સ્થિતિએ દૂબળો એટલે જમીન પણ અમે પડખેના ગામમાં લઈ દીધેલી. પરણાવ્યા પછી ચારેક વર્ષે બહેન દુઃખાણી. દોઢ વરસનો ભાણો, એટલે અમે ઘેર લઈ આવ્યા. ત્યાંની ખેડ અહીંથી જ અધવારું કરીને સંભાળી. થોડાં વરસે બહેન પણ પાછી થઈ. ભાણો અમારી ભેગો રહ્યો, ખેડ શીખ્યો. ભાણો પણ જોઈને કાળજું ઠરે એવો. સત્તર-અઢાર વરસનો થયો એટલે પરણાવ્યો. બાઈ આણું આવી, એટલે એમને ગામ મોકલીને ત્યાં વસાવ્યાં ને ખેડ શરૂ કરાવી. ભાણાને ઘેર દીકરો આવ્યો… પણ ભગવાનને કરવું છે ને? વાત જોડી કાઢેલી લાગે, પણ ત્રીજે જ વરસે ભાણોય પાછો થયો. પછી એની વહુને આંહીં તેડી આવ્યા, કેમ કે એના પિયરમાં સમાય એમ નહોતું. પહેલાં બહેન ને ભાણો આવ્યાં’તાં, એમ આ ભાણેજવહુ ને એનો દીકરો આવ્યાં. ખેતીનું પેટ મોટું, તે સૌ મહેનત કરે તો ગદરી ખાય. ખેતી ઉપર એટલી ઈશ્વરની દયા છે. બહેનને હું અહીં તેડી લાવેલો તે દિવસથી મેં એક નીમ લીધેલું કે ઘરમાં બાઈયું માટે, છોકરાં માટે, કાંઈક લૂગડું-ચીંથરું, ચીજ-વસ્તુ લાવવાની હોય તો એક નંગ વધારે જ લાવવું. વીસ-પચીસ વરસ થઈ ગયાં, પણ મારી સાંભરણમાં કોઈ દી હું એમને ભૂલ્યો નથી કે વહેરોવંચો થાવા દીધો નથી. પણ કાલ સાંભળ્યું કે ભાણેજવહુને માટે ઘરમાં કંઈક લૂગડું આવ્યું હશે ત્યારે નાના દીકરાની વહુએ એમ કહી નાખ્યું હશે કે, ‘આવાં ને આવાં ખરચ — ગોળ ને ખોળ સૌ સરખાં!’ ભાણાની વહુના સાંભળતાં આમ બોલ્યાં તે એણે બે આંસુ પાડયાં હશે. ભગવાન! ભગવાન! એને એટલીયે ખબર ન પડી કે ગોળ તો મીઠો મધ જેવો લાગે, ને વેણ તો કડવી નઈ જેવાં કાઢ્યાં!… પણ તોય અમારા ઘરમાં ભારે સંપ.” હું પાછળથી પૂરું ધ્યાનપૂર્વક સાંભળતો નહોતો. વિચારે ચડી ગયેલો કે આ માણસે જે પુણ્યકાર્ય કર્યું છે, તેને કયા પ્રકારનો યજ્ઞ કહેવો? રાજસૂય, સર્વમેધ, વિશ્વજિત કે કયો યજ્ઞ આની તોલે આવે? પહેલાં બહેન અને ભાણેજને સમાવ્યાં. ખાવાનું જ આપ્યું એમ નહિ — એ તો અનાથાશ્રમો પણ આપે છે — પણ પ્રેમ આપ્યો, ગૌરવ આપ્યું, જીવનનો મહિમા આપ્યો. ને એ કામ પૂરું થયું, “હવે આપણે છૂટાં” એમ માન્યું, ત્યાં વળી “પુનશ્ચ હરિ ઓમ્” જેવું થયું. હજુ એ બાળક ચાર વરસનું છે; તેને અઢાર વરસનું કરવું પડશે. લાંબાં ચૌદ વરસ! ભલભલાની છાતી બેસી જાય, પણ આને તો વિચાર જ નથી. એણે કહ્યું કે ખેતીનું પેટ મોટું, એટલે સૌ સમાઈ જાય. એ વાત સાચી છે. મધ્યમ વર્ગમાં આવું બન્યું હોય તો નભાવવું મુશ્કેલ હોય છે. કેમ કે એમાં એક જણ કમાનાર ને બાકીનાં સૌ ખાનાર હોય છે. પણ તેમ છતાંય ખેતી કરનારનું દિલ પણ મોટું હોવું જોઈએ. સગા ભાઈને અરધો ચાસ જમીન વધારે ન આપવા માટે, એટલી જમીનની કિંમત કરતાં વીસ-વીસ ગણાં નાણાં કોરટ-કચેરીમાં ખર્ચીને પાયમાલ થનાર ખેડૂતો પણ પડ્યા જ છે ને?