સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/જૂનું માનસ અકબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં કહ્યું છે કે, “અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે.” ભારે માર્મિક અને કડવું લાગે તેવું, છતાં અંદરથી સાચું વાક્ય છે. તે દિવસે સાચું, તેટલું જ આજે પણ સાચું. અંગ્રેજો થોડા હતા, ને આપણે તો અસંખ્ય હતા. આ થોડાએ અસંખ્યને કેમ હરાવ્યા? આ થોડા અંગ્રેજોને લશ્કરના સિપાહીઓ ને વહીવટદારો કોણે પૂરા પાડયા? આપણે જ એમના સિપાહી થયા, એમના વહીવટદાર થયા. તેનો અર્થ એ કે આપણે જ એમને આપણો દેશ સોંપી દીધો. જમાનો બદલાતો ગયો, પણ આપણે ન બદલાયા. ન્યાતજાતનાં તે જ કૂંડાળાં, તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક-પરાયણતા, આ લોક વિશે તે જ બેદરકારી. આ બધાં અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ ને નવી રાજપદ્ધતિ લાવ્યા, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગરાસદાર ગરાસદાર માટે, ભણેલા — ખરી રીતે ભૂલેલા — ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ. બધું જૂનું માનસ અકબંધ રહ્યું. અંગ્રેજો ગયા, ગોરા સાહેબોને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. તે આપણા મુનીમ છે, રાજ્ય આપણું છે તે આપણા લાભમાં ચાલે, એ જાતની જાગૃતિ નથી, જ્ઞાન કે અભ્યાસ નથી. રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા પ્રજાકીય પ્રૌઢશિક્ષણની જરૂર છે. તે માટે આપણે જૂના વિચારો, જૂના આચારો, જૂની વર્ણવ્યવસ્થા, એવું કાંઈ કાંઈ બદલવું પડશે. નહીંતર એ જ મતદાનથી નબળાં તત્ત્વો સત્તા પર આવશે. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ઘઉંવર્ણા સાહેબોને, ન્યાતજાતને આપણે સોંપી દીધો છે. લોકશાહી તો એવું ઝાડ છે જેનો રસ પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ, મૂળિયાંમાં, થડમાં બધે ઊતરેલો હોય. પરંતુ આપણી લોકશાહી કેવળ રાજકીય લોકશાહી છે. સામાજિક લોકશાહી હજી જન્મી નથી. શું શેઠ અને ગુમાસ્તા વચ્ચે લોકશાહી છે? અરે, પતિ-પત્ની વચ્ચે પણ ક્યાં લોકશાહી છે? ખાઈ-પીને પતિદેવ આરામથી ખાટ પર બેસે, અને પત્ની ઠામ ઊટકવા બેસે! આ રીતે માત્ર રાજકીય લોકશાહી હોય તે કેમ ટકી શકે?