સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/આ લોકો .... પેલા લોકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આ લોકોને ત્રાણ ટંક ભોજન મળે છે... પેલા લોકોને પેટપૂર રોટલોયે નથી મળતો. આ લોકોને દૂધ-ઘીની કોઈ કમીના નથી... પેલા લોકોને છાશના પણ સાંસા રહે છે. આ લોકોને પાણી-વીજળીની છાકમછોળ છે... પેલા લોકો એની સતત તાણ નીચે જીવે છે. આ લોકો બાંધ્યા પગાર ને ભથ્થાં મેળવે છે... પેલા લોકોને રોજની મજૂરી મળવાનીયે ખાતરી નથી. આ લોકોને ચાલુ પગારે કેટકેટલી રજાઓ મળે છે... પેલા લોકોને માટે તો રજા એટલે પેટને તાળાં. અને છતાં આ લોકો — હાલતાં ને ચાલતાં હડતાલો પાડયા કરે છે, ત્રાસવાદીઓની જેમ આખા સમાજને બાન પકડે છે : પોતે બંધ પાળે છે, જોરજુલમથી બીજા પાસે પળાવે છે. આ લોકો મણમણના મોટા પગાર મેળવે છે, પણ કામ રતિભાર કરે છે અને ઉપર જતાં બળજબરીથી બીજાંને રોજી રળતાં અટકાવે છે. આ લોકો માતેલા સાંઢની જેમ આથડે છે. આ લોકો લાજતા નથી, પણ ગાજતા રહે છે, હીજડાની માફક “હાય! હાય!” કરે છે, નપુંસક તોડફાડ ને બાળઝાળ કરે છે. પછી ગુંડાગીરીમાં શેરને માથે સવાશેર એમને ભેટે છે, ત્યારે બાયલા બનીને બધાં અપમાનો સહન કરે છે, પોતાની બહેનોની બેઇજ્જતી પણ સાંખી લે છે... પરંતુ પેલા લોકો — ટાઢ-તડકામાં ને વરસતા વરસાદમાં કાળી મજૂરી કરીને માટીમાંથી સોનું પકવે છે, ઢોર સાથે ઢોર બનીને દૂધની નદી વહાવે છે, આંખ ફોડીને કાંતે છે, બાવડાં તોડીને કાપડ વણે છે. ઉકરડા ને ગટરો ઉલેચતા રહે છે, તીકમ ને તગારાં લઈને મચી પડે છે, ઊંચી ઇમારતો ને લાંબી સડકો બાંધે છે. દિલચોરી કે કામચોરી કરતા નથી, રામ કે રહીમને માથે રાખીને પરસેવો પાડે છે. નથી ભીખ માગતા, નથી રુશવત માગતા — માગે છે ફક્ત મજૂરી કરીને રોટી રળવાની તક. આ બધાં પછી પણ તેઓ હડધૂત થતા રહે છે, અને તેમ છતાં ન્યાય તોળવાનું તેઓ ઉપરવાળા પર જ છોડે છે. આ જગત હજી ચાલે છે, તે પેલા લોકોના પુણ્યપ્રતાપે, અને પૃથ્વીનો જો પ્રલય થશે તો આ લોકોના પાપે. તો કયામતને દિવસે આપણે કઈ જમાતમાં ઊભાં રહ્યાં હશું? — આ લોકોની.... કે પેલા લોકોની?