સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ગાંધીજીએ ઘડેલ ઉત્તમોત્તમ વ્યક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          “જેને મારા સર્વસ્વના વારસ તરીકે મેં ચૂંટી કાઢ્યો હતો, તે ચાલ્યો ગયો. મારામાં જો ઈશ્વર ઉપર જીવતી શ્રદ્ધા ન હોત તો પોતાના પુત્ર કરતાંયે વધારે વહાલો, જેણે મને કોઈ કાળે દગો દીધો નહોતો, જે ઉદ્યોગની મૂતિર્ હતો, વિશ્વાસુ કૂતરાની પેઠે જેણે આશ્રમની આથિર્ક અને આધ્યાત્મિક ચોકીદારી કરી, તેને ખોઈને હું તો ગાંડો થઈને બરાડા પાડતો હોત.” મહાત્મા ગાંધીએ આ શબ્દો ૧૯૨૮માં જેમના અવસાન પછી લખેલા તે મગનલાલ ગાંધી વિશેની સોએક પાનાંની ચોપડી ‘આશ્રમનો પ્રાણ’માં મગનલાલભાઈનો પરિચય કરાવતાં લખાણો ગાંધીજી ઉપરાંત વિનોબા ભાવે, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર વગેરેનાં પણ છે. ‘મારો સર્વોત્તમ સાથી’ નામના ઉપર ટાંકેલા લેખમાં ગાંધીજી વિશેષમાં કહે છે : “આશ્રમમાં મારા હાથ, પગ, આંખો બધું મગનલાલ જ હતા. દુનિયાને ક્યાં ખબર છે કે મારું કહેવાતું મહાત્માપણું પવિત્ર, બાહોશ અને એકનિષ્ઠ એવા સાથીઓના મૂક વૈતરાને જ આભારી છે. અને આવા સાથીઓમાં મારે મન સૌથી શ્રેષ્ઠ, પવિત્ર અને ઉત્કૃષ્ઠ તે મગનલાલ હતા.” પુસ્તકના પ્રવેશક સમા ‘આશ્રમનો પ્રાણ’ નામે બીજા લેખમાં ગાંધીજીએ લખ્યું છે : “જો કોઈની ને મારી વચ્ચે અભેદ હતો, તો તે મગનલાલ અને મારી વચ્ચે. જો મારામાં કોઈના ગુરુ થવાની લાયકાત હોત, તો હું તેને મારા પ્રથમ શિષ્ય તરીકે ઓળખાવત. “કોઈ પણ સરદારને મગનલાલ કરતાં વધારે સારો સેવક ન મળે. મારાં સદ્ભાગ્ય એવાં છે કે મને હંમેશાં શ્રદ્ધાવાન, નીતિવાન, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ સખા મળ્યા છે. પણ આ બધામાં મગનલાલ સર્વોપરી હતા. “મગનલાલમાં જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી વહેતી હતી. તેમનું જીવન સંન્યાસની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. નિસ્વાર્થ, નિષ્કામ કર્મ એ જ ખરો સંન્યાસ છે, એમ તેમણે ચોવીસ વર્ષ લગી અખંડિત રીતે બતાવી આપ્યું હતું. વિચાર ને આચારની સમાનતા સાધવામાં મગનલાલે ચોવીસે કલાક જાગૃતિ રાખી હતી. “દેશસેવા, જગતસેવા, આત્મજ્ઞાન, ઈશ્વરદર્શન-એ નોખી વસ્તુઓ નથી, પણ એક જ વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ છે. આનું દર્શન મગનલાલે કરાવ્યું. જે દેશમાં ધર્મ આમ મૂતિર્મંત થઈ શકે, તે દેશનો જય જ છે.”

‘પૂજ્ય મગનલાલભાઈ’ નામના લેખમાં વિનોબા જેવા ગાંધીજીના બીજા વારસદારે જે અંજલિ આપી છે તે જોઈએ : “મગનલાલભાઈના જીવનની મારા હૃદય પર થયેલી અસર અક્ષય છે. તેમનો મને હંમેશાં એક જાતનો પાવક ધાક લાગ્યા કરતો. એમના મારા પર અનંત ઉપકારો થયા છે, અને તે કદી ફેડી શકાય એવા નથી. “મગનલાલભાઈનો સ્વભાવ નાળિયેરના જેવો હતો-ઉપરથી જોતાં કઠોર, પણ અંતર બહુ પ્રેમાળ. આવા બન્યા વિના સાધકના ભુક્કેભુક્કા થઈ જાય. નાળિયેર જો ઉપરથી કઠણ ન હોય, તો જલદી કોહી જાય. બહારના વાતાવરણની પ્રતિકૂળ અસર ન થાય એ સારુ વૈરાગ્યના કઠોર કવચની અત્યંત જરૂર રહે છે, અને એ અંતરમાં પ્રેમ ભરપૂર ભર્યો હોવો જોઈએ. પ્રેમાળ માણસો વૈરાગ્ય વિનાના હોવાથી સંસારમાં તણાઈ ગયા જાણ્યા છે. મંગલ કાર્યોમાં નાળિયેરની પૂજા કરવાનો હિન્દુઓમાં રિવાજ છે. કઠોર વ્રતના કવચથી પ્રેમાળપણું રક્ષાયેલું હોય તો જ મંગલ કાર્યો પાર પડે છે, એ એનું રહસ્ય છે. મગનલાલભાઈનું જીવન મંગલ નીવડ્યાનું કારણ એમનો નાળિયેર જેવો સ્વભાવ. “પણ આવા મૃદુ-કઠોર સ્વભાવને કારણે ઘણા લોકો સાધકોને વિશે ગેરસમજ કરી લે છે. અને તેથી સાધકોને સહેવું પણ ખૂબ પડે છે. પણ એમાં સાધકોને કશું નુકસાન નથી. ગેરવર્તણૂક સિવાય બીજા કોઈ કારણે થયેલી ગેરસમજ સાધનાના રોપાને ખાતર જેવી પોષક થઈ પડે છે. મગનલાલભાઈને વિશે અનેક લોકોની ગેરસમજૂતી થયેલી. અને તેને પરિણામે તેમણે આત્મપરીક્ષા વધારે ઊંડી કરી. “સ્વકર્મરૂપ પુષ્પોથી ઈશ્વરની પૂજા કરવાનો ‘ગીતા’નો ઉપદેશ મગનલાલભાઈએ આચારમાં ઉતાર્યો હતો. ‘ગીતા’ના તેઓ ભક્ત હતા. ‘રામાયણ’માં ભરત અને હનુમાન તેમને ખૂબ ગમતા. ‘રામાયણ’માં હનુમાનનું જે સ્થાન છે, તે ગાંધીજીના જીવનમાં મગનલાલભાઈનું હતું. તુકારામ મહારાજના અભંગો તેમને બહુ મધુર લાગતા. ‘જેથે જાતો તેથેં તૂં માઝા સાંગાતી’-એ અભંગ ગાતા ગાતા તેઓ તલ્લીન થઈ જતા. “હિંદુસ્તાન એ સંતોની ભૂમિ છે. એ ભૂમિમાં અનાદિકાળથી સંતો પાકતા આવ્યા છે. આજના આપણા પતિત કાળમાં પણ માતાએ હજી પોતાનું બિરુદ છોડ્યું નથી. હજી પણ ‘જગાચા કલ્યાણા સંતાંચા વિભૂતિ’ તે નિર્માણ કર્યે જાય છે. આવી ‘સંતાંચા વિભૂતિ’માં મગનલાલભાઈને ગણવામાં મને જરાયે સંકોચ થતો નથી.”

‘તપસ્વી જીવન’ નામના લેખમાં કાકા કાલેલકરે લખ્યું છે : “આશ્રમમાં જે કંઈ સારું છે તે ગાંધીજીને નહીં, પણ મગનલાલભાઈને આભારી છે; મગનલાલભાઈના સદ્ગુણો ભલે ગાંધીજીને આભારી હોય. શરૂઆતથી આખર સુધી એવા એવા વિચિત્ર લોકોને ગાંધીજીએ આશ્રમમાં ભેગા કર્યા અને એ લોકોએ એવો તો કડવો અનુભવ મગનલાલભાઈને ચખાડ્યો, કે બીજો કોઈ હોત તો ભાગી જ જાત. “મગનલાલભાઈનો ક્રોધ ઘણા જોતા. પણ એ ક્રોધ પાછળ ચારિત્ર્યની સાત્ત્વિકતા, આશ્રમ પ્રત્યેની નિષ્ઠા અને ઉજ્જ્વળ દેશભક્તિ હતી. ન્યાયાધીશને જેમ અખંડ કડવાં કામો જ કરવાં પડે છે, તેમ આ ચારિત્ર્યશિથિલ અને પ્રમાદી સમાજમાં દેશસેવકને હરક્ષણે કોઈ ને કોઈ માણસને દુભવ્યા વગર છૂટકો નથી થતો. મગનલાલભાઈને હંમેશાં પોતાના જમાના સામે લડવું જ પડ્યું. આધ્યાત્મિક અને દેશસેવાની સંસ્થા ચલાવવી એ કંઈ રમત વાત નથી. ખાંડાની ધારની ઉપમા સાચે જ આવે ઠેકાણે લાગુ પડે છે.” અન્યત્ર કાકાસાહેબે કહ્યું છે કે : “આશ્રમ ચલાવવાની જવાબદારી મગનલાલભાઈને માથે હતી. તેઓ પરિશ્રમી હતા, કર્મનિષ્ઠ પણ હતા. હું કેટલેક અંશે અવ્યવસ્થિત હતો. અમે બંને પોતપોતાના દષ્ટિકોણના અતિઆગ્રહી. તેથી વચમાં વચમાં અમારી વચ્ચે મતભેદ ફૂટી નીકળતો. પણ એમને માટે મારા મનમાં કેટલો પ્રેમ છે, એની કલ્પના મને પણ ન હતી. બિહારમાં એમના મૃત્યુ થયાના ખબર આવ્યા ત્યારે હું ગાંધીજી પાસે ગયો અને એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. તે સોમવાર હતો. પણ તે દિવસે હું એટલો રડ્યો કે પોતાનું મૌન તોડીને બાપુજીને મારું સાંત્વન કરવું પડ્યું.” ‘અધ્યાપક મગનલાલભાઈ’ નામના બીજા લેખમાં કાકાસાહેબ પોતાની પાસે કોક કોક વાર સ્વાર્થની વાતો કરતા મગનલાલભાઈની વાત કહે છે : “[પુત્ર] કેશુ આદર્શ બ્રહ્મચારી, દેશસેવક બને અને [પુત્રી] રાધાબહેન પણ તેજસ્વી બ્રહ્મચારિણી બની હિન્દુસ્તાનની સ્ત્રીઓના ઉદ્ધારમાં પોતાનું જીવન અર્પણ કરે, એ જ એમની જંદિગીનો એક સ્વાર્થ હતો. આના કરતાં વધારે ઉજ્જ્વળ સ્વાર્થ મનુષ્યજાતિમાં કયા પિતાએ બતાવ્યો છે? કોઈ પણ બાળકે પિતા માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવી હોય તો તેણે એમ જ કહેવું જોઈએ કે, મગનલાલભાઈ જેવા પિતા અમને મળજો.” મગનલાલભાઈને આદર્શ વિદ્યાર્થીના રૂપમાં ઓળખાવતાં કાકાસાહેબ ઉમેરે છે : “જિજ્ઞાસા, ઉત્સાહ અને સંયમ આ ત્રણેય વસ્તુ વિદ્યાર્થીમાં આવશ્યક છે. દરેક વસ્તુનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા એમનામાં પૂરેપૂરી હતી. મનુષ્યપ્રયત્નને કશું અશક્ય નથી, એ જ એમનો જીવનમંત્ર હતો. આ બંને ગુણો સાથે સંયમ ન હોય, તો વિદ્યાર્થીઓમાં ઊંડાણ ન આવી શકે. જે વસ્તુ જાણવાની પોતાને જરૂર નથી, તેને પણ જરા ચાખી જોવાની વૃત્તિ વિદ્યાર્થીઓમાં હોય છે. મગનલાલભાઈ રસ માટે નહીં, પણ કાર્યને માટે જીવતા. જે વસ્તુની આપણને જરૂર નથી, તેમાં વખત બગાડવો એ એમને ગુના જેવું લાગતું. મગનલાલભાઈએ જાણે અપ્રમાદવ્રત જ લીધું હતું. “બુદ્ધ ભગવાન કહે છે : ‘અપ્રમાદી લોકો જ અમર છે. પ્રમાદી લોક તો મૂઆ જેવા છે.’ મરણ લગી અપ્રમાદ કેળવી મગનલાલભાઈએ અમૃતપદ મેળવ્યું.”

સરદાર વલ્લભભાઈ અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં આવતા થયા ત્યારથી જ એમની વિચક્ષણ આંખ મગનલાલભાઈ ઉપર ઠરી હતી. અને મગનલાલભાઈના દેહાંતના ખબર મળતાં એમણે ગાંધીજીને તાર કરેલો કે, “આશ્રમનો પ્રાણ ચાલ્યો ગયો.” પછી ગાંધીજીને એ લખે છે : “આશ્રમ તો એમણે જ ઊભું કરેલું છે. આપનો બધો જ બોજો એ પોતે ઉઠાવી અથાગ મહેનત કરતા હતા. આપનું તો સૌ માન પણ રાખે, કોઈ વાત ગમે કે ન ગમે તોપણ બધા કબૂલ રાખે, પરંતુ આપની ગેરહાજરીમાં આશ્રમનો બોજો ઉઠાવનારને કાંટાની પથારીમાં સૂવાનું હતું. અને એ તો મગનલાલ જેવા ઉગ્ર તપશ્ચર્યા કરનારનું જ કામ, બીજાનું ગજું નહીં. આશ્રમમાં એમના જેટલું તપ કોઈએ કર્યું નથી, અને આપના સિદ્ધાંતોનો સર્વાંશે અમલ કરવાનો સતત પ્રયત્ન તો એમણે જ કરેલો છે. “મને લાગે છે કે આપના સાથીઓ બધા અપૂર્ણ છે, અને તેથી હિન્દુસ્તાનમાં આજે આપના સિદ્ધાંતોનો અમલ થતો નથી. એટલે ઈશ્વરની ઇચ્છા જ એવી હશે કે બધા અપૂર્ણ સાથીઓ સાથે, આપે ફરીથી જન્મ લેવો અને દેશનો ઉદ્ધાર કરવો; અને તેની ભૂમિકા તૈયાર કરવાને મગનલાલભાઈને આગળ મોકલ્યા હોય તો કોને ખબર છે?”

૧૯૧૬ની સાલમાં મહાદેવભાઈ ગાંધીજીની સેવામાં જોડાયા અને પછી એમના પડછાયા સમા બનીને જીવ્યા, તે કહે છે : “ગાંધીજીની ઉત્તમોત્તમ કૃતિ આશ્રમ એમ ગાંધીજી અનેક વાર કહે છે; તો ગાંધીજીએ ઘડેલ ઉત્તમોત્તમ વ્યક્તિ મગનલાલભાઈ એમ હું કહું. ‘ગાંધીજીએ ઘડેલ’ એમ કહેવામાં હું મગનલાલભાઈની તપશ્ચર્યાની જરાય ઓછી કિંમત નથી કરતો. સૌ જોઈ શકતા હતા કે મગનલાલભાઈનું જીવન કેટલા પુરુષાર્થ ઉપર ઘડાયેલું હતું. તીવ્ર આત્મપરીક્ષા અને ઉગ્ર પુરુષાર્થ, એ તેમના જીવનના વાણા અને તાણા હતા. ગાંધીજીના સિદ્ધાંતોની સમજ અને પાલનના પ્રયાસમાં ગાંધીજીની બરોબરી કરનાર કોઈને કલ્પી શકીએ તો તે મગનલાલભાઈ હતા. આશ્રમમાં ગાંધીજી પછી કોઈ વ્યક્તિ પોતાનાં બધાં વર્ષોના ચોવીસે કલાકનો હિસાબ આપી શકે તો તેઓ હતા. “એમની અસાધારણ જાગૃતિ અને આશ્રમનિષ્ઠાની જ્યોત અખંડ રાખનારી એમની ધામિર્કતા હતી. એમનું ધામિર્ક સાહિત્યનું વાચન તો અલ્પ હશે, પણ એમનો સત્ય વિશેનો પ્રેમ અને એમની ભક્તિ-એક શબ્દમાં એમની ધામિર્કતા-મોટા જ્ઞાનીઓને લજવે તેવી હતી. નિત્ય નવા પ્રયોગ કરનાર ગાંધીજીના પ્રતિક્ષણના ભાવોને ઝીલવાની તેમની તત્પરતા, તેમના સિદ્ધાંતોનો અમલ કરવામાં તેમણે વેઠેલાં કષ્ટો, બળાપા અને ત્યાગો-આ બધી સાધના કરી તેઓ ગાંધીજીના અપ્રતિમ ભક્ત બન્યા હતા; પણ તેમની ભક્તિમાં વેવલાપણું નહોતું. ગાંધીજી આશ્રમમાં હોય તોપણ દહાડાના દહાડા સુધી તેમને મળવાની મગનલાલભાઈને ફુરસદ જ ન મળી હોય, એવું બન્યું છે. તેમને ગાંધીજીની પાસે રહી તેમના શરીરની સેવા કરવી નહોતી, તેમને તો તેમના સિદ્ધાંતની, તેમના કાર્યની ઉપાસના કરવી હતી. ‘વણાટશાસ્ત્ર’ના તેમના પુસ્તકના સમાપ્તિના બે બોલ હંમેશને સારુ સ્મરણમાં અંકિત રાખવા જેવા છે : ‘રેંટિયાની સ્થાપનામાં રહેલી ધામિર્કતા વિશે કંઈ કહેવું, એ આ પુસ્તકનો વિષય નથી. પણ એક લેખકની કવિતાની બે લીટીઓ વિના પ્રયત્ને હજી યાદ રહી ગઈ છે, તે અહીં મૂક્યા વિના રહી શકાતું નથી. તે લેખકનું નામઠામ યાદ નથી, પણ તેની લીટીઓ ભુલાય તેમ નથી : મારો વીરો પસલીએ ચીર પૂરતો રે લોલ, તારો રેંટિયો બારે માસ જો. એ લીટીઓ યાદ રહી ગઈ છે તેનું કારણ રેંટિયાને કવિએ અદ્વિતીય સ્થાન આપ્યું છે તે છે. બહેનને ભાઈથી વહાલું શું હોય? એવા ભાઈ કરતાં પણ રેંટિયાની અનન્ય વિશેષતા ઉપલી લીટીમાં એ અપ્રખ્યાત કવિએ બતાવી છે. કેવો કોમળ ભાવ એમાં તરી રહે છે! બહેનના ભાઈઓ આપણે સહુ છીએ, અને જો વફાદાર ભાઈ હોવાનો દાવો કરીએ તો રેંટિયાના કાંતેલા સૂતરના વસ્ત્ર સિવાય એકેય વસ્ત્ર આપણને ખપી શકે ખરું? હિંદુસ્તાનની અસંખ્ય બહેનો ભાઈ વિના ટળવળતી સાંભળીએ છીએ. રેંટિયાનું સૂતર પહેરીને આપણે તેમના પરોક્ષ રીતે ભાઈ બની શકીએ છીએ. દ્રૌપદીને જેવા કૃષ્ણ, તેવો હિંદની ગરીબ બહેનોને રેંટિયો.’ “આ ઉદ્ગારો ગાંધીજીના ઘેલા ભક્તના નથી, પણ ગાંધીજીની સેવકાઈ દ્વારા ભારતની સેવા કરનારના છે. એ સેવકાઈની સાધનામય મગનલાલભાઈની જંદિગી હતી. એ સાધનામાં તેમની તોલે આવનાર સેવક કોઈ જાણ્યા નથી.”

બિહારના પ્રવાસ દરમિયાન મગનલાલભાઈ માંદા પડ્યા અને ત્યાં જ તેમણે દેહ છોડ્યાના સમાચાર આશ્રમમાં આપ્યા, ત્યારે ગાંધીજી તુરત મગનલાલભાઈને ઘેર જઈ બાળકોને સોડમાં લઈ બેઠા, તે પ્રસંગનું વર્ણન પણ મહાદેવભાઈએ આપેલું છે : “આશ્રમ આખું હાંફળુંફાંફળું વીંટળાઈ વળ્યું. ‘બધાંને ભેગાં થવાની જરૂર નથી, જે કામ ચાલે છે તે બંધ પાડવાની જરૂર નથી’-એ આજ્ઞા થઈ. ભડ કર્મવીરના અવસાનનો શોક કર્મ કરીને જ મનાવાય ના! ગાંધીજીએ પ્રાર્થના પછી આશ્વાસન આપ્યું. ચોવીસ ચોવીસ વર્ષના સંબંધ ક્રૂર કાળે તોડ્યા, જંદિગીમાં કદી ન લાગેલો એવો કારી ઘા લાગ્યો, છતાં છાતી કઠણ કરી વિયોગવેદના હળવી કરવાની ખાતર જ જાણે ઉદ્ગારો કાઢ્યા : ‘હું મીરાંબાઈની જેમ ઝેરના પ્યાલા પી શકું એમ છું, સરપ કોઈ ગળે વીંટાળે તો તે સહન કરી શકું એમ છું, પણ આ વિયોગ એ કરતાં વધારે આકરો છે.’ “આ ઉદ્ગારો જાણે ચિરકાલ સુધી સ્મૃતિમાં જાગતા જ રહેશે.”

૧૯૦૨ની આખરમાં દક્ષિણ આફ્રિકાની ત્રીજી સફરે ગાંધીજી ઊપડ્યા ત્યારે પોતાની સાથે ચાર-પાંચ જુવાનોને લઈ ગયેલા. કુટુંબમાં જેટલા સદાચરણી જુવાનિયા હોય, તેને ચોરી લેવાની ઇચ્છા એમને રહ્યા કરતી. તેમના આદર્શોને વાળવાનો પ્રયત્ન એ કરવાના હતા, અને તેમાં મગનલાલભાઈને દોરવામાં પોતે બહુ સફળતા પામ્યાનું એમણે ‘આત્મકથા’માં નોંધેલું છે. ૧૯૧૪માં ગાંધીજીએ કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું, ત્યારે એમને ઇંગ્લંડ થઈને હિંદ જવાનું હતું. પણ ફિનિક્સના આશ્રમવાસીઓની એક ટુકડી મગનલાલભાઈની આગેવાની હેઠળ સીધી હિંદ ગયેલી. લગભગ એક દાયકા સુધી મગનલાલભાઈએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રહીને જે કામ કર્યું તેનો થોડોક ખ્યાલ એમના ભત્રીજા પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ’ પુસ્તકમાં આપેલો છે. તેનો એક અંશ આ સાથે જ જોઈ લઈએ : “મારા પિતા અને કાકાના જીવનના કર્ણધાર શરૂથી આખર સુધી એમના મોહનદાસ કાકા રહ્યા અને મારી કેળવણીના પાયા મારા મગનલાલકાકાને હાથે નખાયા. “બાળવયથી જ મગનકાકા તીખા સ્વભાવના તેમજ હાલતાંચાલતાં કંઈ ને કંઈ નવું તોફાન જગાવનારા તથા કોઈના હાથમાં ઝાલ્યા ન રહે એવા હતા. નિશાળમાંથી આવ્યા પછી મગનકાકા હુતુતુતુ, આંબલીપીપળી વગેરે રમતો રમતા અને પછી રબારીવાડે જઈ શેડકઢું દૂધ પીતા. એમનું શરીર કસાયેલું જોદ્ધા જેવું હતું. “૧૯૦૧ની આખરમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવીને હિંદમાં વકીલાત જમાવવાનો પ્રયાસ કર્યો. ૧૯૦૨ના અંતમાં તેઓ મુંબઈ હતા ત્યારે, અમદાવાદમાં મૅટ્રિકની પરીક્ષા આપીને મગનકાકા એમને મળવા પૂરતા મુંબઈ ગયેલા. બરાબર એ જ વખતે ગાંધીજીને આફ્રિકા પાછા બોલાવતો તાર મળ્યો. અને એમણે મગનકાકાને અણધાર્યું કહ્યું, “ચાલો, મારી સાથે આવતા હો તો લઈ જાઉં.” મગનકાકા તૈયાર થયા, એટલે ગાંધીજીએ રાજકોટ તાર કરીને મારા ખુશાલચંદ દાદાની રજા મેળવી લીધી. એટલે માતાપિતાને મળ્યા વગર જ મગનકાકા ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ઊપડી ગયા. ત્યાં એક કસબામાં એ દુકાનદારી કરતા થયા. થોડા વખત પછી મારા પિતાશ્રી પણ આફ્રિકા ગાંધીજી પાસે પહોંચી ગયા. “રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચીને ૧૯૦૪માં ગાંધીજીએ ખેડૂતનું શ્રમજીવન ધારણ કરવાનો નિશ્ચય કર્યો, અને ડરબન નજીક ફીનિક્સમાં ૨૫૦ હેક્ટર જેટલી જમીન ખરીદી ત્યાં વસાહત શરૂ કરી. એમનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ છાપું તથા તેનું છાપખાનું ડરબનથી ત્યાં ફેરવી નાખવામાં આવ્યાં. તેમાં કામ કરવા મગનકાકા અને મારા પિતાશ્રી પણ ફીનિક્સવાસી બન્યા. મગનકાકા છાપખાનાના કારીગરનું કામ કરવા માંડ્યા. તેમણે બહુ ઝડપથી બીબાં ગોઠવવાનું અને યંત્ર ચલાવવાનું હસ્તગત કર્યું. છાપખાનામાંથી છૂટીને સુથારો સાથે નવી વસાહતના મકાનો બાંધવાના કામમાં મગનકાકા પરોવાઈ જતા. એમ કરતાં ત્રણેક વરસ પછી મારાં કાકીને, મારાં બાને અને મને આફ્રિકા તેડી જવા મગનકાકા રાજકોટ આવ્યા. “અમે ફીનિક્સ પહોંચ્યાં ત્યારે હું પાંચ વરસનો ‘ઢાંઢો’ થયો હતો, છતાં મને ભણતાં નહોતું આવડતું! આથી આખા ઘરનો હું ગુનેગાર થઈ પડ્યો. ભણાવે ત્યારે મારી બા તો મને કડવી લાગતી જ; પણ પછી મગનકાકાએ મને હાથમાં લીધો ત્યારે તેઓ દુશ્મન સમા લાગવા માંડ્યા. એમના મારની બીકે મને રાતદહાડો ગભરાટ રહ્યા કરતો. “પવન ઉગ્ર રૂપ ધારણ કરે ત્યારે તે મોટાં મોટાં વૃક્ષોયે સમૂળાં ઉખેડી નાખે છે, પણ એ જોશ શમ્યા પછી એ જ પવન જીવમાત્રને પ્રાણદાતા બને છે. એવી જ જાતનો સ્વભાવ મગનકાકાનો હતો. ગુસ્સામાં તેઓ જેટલા વિકરાળ હતા, તેટલા જ પ્રસન્ન હોય ત્યારે પ્રેમાળ હતા. મને ઘણું ઘણું શીખવી ખૂબ સારો બનાવવાના તેમને કોડ હતા. તેઓ મને કાંધે ચડાવીને માઈલો સુધી કુદરતનું દર્શન કરવા લઈ જતા. ઘેર પણ ઝીણી ઝીણી વાતની તાલીમ કાળજીથી આપતા. “મગનકાકાએ પોતાના ક્રોધને અંકુશમાં આણ્યો હતો. પણ મારી જૂઠું બોલવાની ટેવને તેઓ શાંતિથી સહી શકે એમ ન હતા. હડહડતું જૂઠું બોલીને મેં તેમને એક વાર બહુ જ ઉશ્કેરી મૂક્યા હતા. મગનકાકાએ મને ખોટું બોલવાની ખો ભુલાવવાના ઉપાય આદર્યા. મને મારી મારીને પાયખાનામાં પૂર્યો. તેમાંથી કાઢી ફરી માર્યો. ફરી પૂર્યો. જ્યારે મારા પરનું આક્રમણ અત્યંત ત્રાસદાયક થઈ પડ્યું ત્યારે મારી બાથી ન રહેવાયું. ગુસ્સાભીની આંખે અને કઠોર અવાજે તેમણે કાકાને વાર્યા : ‘તમારે છોકરાને જીવતો રહેવા દેવો છે કે નહીં?’ મારી બાનાં ગળગળાં વચનો સામે મગનકાકાએ માથું ઝુકાવી દીધું. પોતાની ભાભીને આટલું દુખ થયેલું જોઈને એ ખૂબ શરમાયા. “હું ધારું છું કે ત્યાર પછી મારા પર હાથ ન ઉગામવાનો મગનકાકાએ મનોમન નિશ્ચય કર્યો. આ કિસ્સા પછી તેમના હાથનો એકેય તમાચો ખાવો પડ્યો હોય એવું સાંભરતું નથી. મગનકાકાની એ જ મહત્તા હતી. લાવા સમાન ઊકળતા ગુસ્સાવાળા છતાં તેઓ પોતાના ઉપર આકરો અંકુશ રાખી શકતા અને લીધેલી પ્રતિજ્ઞા પાળી શકતા. એમના એ ગુણે એમને બાપુજીના સર્વપ્રથમ સેવકનું પદ અપાવ્યું. “ઉત્તર વયમાં મગનકાકાને પોતાનો એ ક્રોધ યાદ આવતો ત્યારે તેઓ અત્યંત દુખી થઈ જતા. તેમનું રૂંવેરૂંવું ઊંડા પસ્તાવાથી રડી ઊઠતું. હું એમનો ભત્રીજો છતાં તેઓ પોતાની ભૂતકાળની એ ભૂલોની માફી માગતાં માગતાં ગદ્ગદ થઈ જતા. “દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની છેલ્લી લડાઈમાં જલદી સફળતા મળી એના મૂળમાં તપનો પ્રચંડ પ્રવાહ વહ્યો એ હકીકત હતી. જાલિમનું હૈયું પિગળાવવા માટે તપનો અતૂટ ધોધ વહેવો જોઈએ. તે વખતે મગનકાકાએ આકરું તપ આદર્યું હતું. નિસાસો નાખવામાંયે મોઢાની વરાળ વેડફી મારવા કરતાં, પોતાના અંતરની બધી વરાળ સેવાના કામમાં જ ખરચી દેવામાં તેઓ જીવ્યું ધન્ય સમજતા. “ગાંધીજીને બાર મહિનાની જેલ મળી હતી ત્યારે હિંદી સત્યાગ્રહીઓનાં અપમાન અને ઉત્પીડનની ઉશ્કેરણીમાંયે મનને ટાઢુંબોળ રાખી, દર બુધવારે ‘ઇન્ડિયન ઓપીનિયન’ પ્રગટ કરી દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રજાને માર્ગદર્શન આપવાનું કપરું કામ મગનકાકા ફીનિક્સથી કરી રહ્યા હતા. “એ વેળાની મગનકાકાની દિનચર્યા તપસ્વીને હરાવે એવી હતી. મળસકે બે-અઢી વાગ્યે ઊઠી છાપા માટેનું લખાણ લખવા તેઓ બેસતા. ‘ઇન્ડિયન ઓપીનિયન’નાં બધાં ગુજરાતી કોલમો એમને એકલે હાથે ભરવાનાં હતાં. પો ફાટ્યે અમે ઊઠીએ ત્યારે મગનકાકાની પથારી એમના લખેલાં અનેક કાગળિયાંથી ભરાઈ ગઈ હોય અને પોતાના સુંદર મરોડદાર અક્ષરે વધુ ને વધુ પાનાં તેઓ ભરતા જતા હોય. આઠ-સાડા આઠે લખાણો પૂરાં કરી તેઓ છાપખાને પહોંચી જતા. આખો વખત કામમાં જ તેઓ ડૂબેલા રહેતા. કેટલીક વાર બપોરે બે-ત્રણ વાગ્યે પોતાના મેજ પરથી ઊઠીને છાપખાનાથી થોડે દૂર લીલા ઘાસની અંદર તેઓ આળોટી આવતા. કહેતા, ‘લખતાં લખતાં ઝોલાં આવવા લાગ્યાં, એટલે ધરતી પર આળોટી લીધું. માટી શરીરનો થાક બહુ જલદી ચૂસી લે છે. દસ મિનિટમાં જ ત્રણ કલાકની ઊંઘ જેટલા તાજા થઈ જવાય છે.’ “સત્યાગ્રહની લડતના ભાગરૂપે કોલસાની ખાણના હિંદી ગિરમીટિયા મજૂરો શાંતિમય હડતાલ પર ઊતરેલા હતા. ખાણના માલિકોનાં આપેલાં ઘરોમાંથી હિજરત કરીને નીકળેલાં ગિરમીટિયા ભાઈબહેનોનો પ્રવાહ ફીનિક્સ ભણી વહેતો હતો. શેરડીનાં ખેતરોના હજારો ગિરમીટિયાઓ પણ હડતાલ પાડી, પોતાનાં રહેઠાણ ખાલી કરી, ઘરવખરી તથા બાળબચ્ચાં સહિત બહાર નીકળી પડ્યા હતા. એમાંનાં સેંકડો અને હજારો આવ્યા અને ગિરમીટિયાંઓનો પ્રવાહ ફીનિક્સને ખૂણેખૂણે ફરી વળ્યો, ત્યારે મગનકાકાના પરિશ્રમની પરાકાષ્ઠા થઈ. એક એક રાતમાં છસો-આઠસો માણસો આવે. દરેક ટોળું આશ્વાસન માગે, સૂવાની જગ્યા માગે, અને ખોરાક-પાણી માગે. એકને શાતા આપી અરધો કલાક ઊંઘ ન લીધી હોય, ત્યાં બીજું ટોળું આવીને મગનકાકાને જગાડે. દિવસ આખાની મહેનત પછી રાતનું આ કામ મૂંઝવી મારનારું હતું. પણ મગનકાકા ચોવીસેય કલાક એકસરખા શાંત, ગંભીર અને સામા માણસને સંતોષ આપવાને પ્રયત્નશીલ દેખાતા. “ગાંધીજીએ જે ઉચ્ચવૃત્તિથી અહિંસાની લડત ઉપાડી હતી, એટલી જ ઊંચી ભૂમિકા ઉપર પહોંચી મગનકાકાએ તે અપનાવી હતી. પણ મગનકાકા ભારે કુશળ અને બહાદુર યોદ્ધા છતાં ઇતિહાસકારની કલમથી વેગળા રહેવામાં ફાવ્યા હતા. મૂંગું તપ એ એમના જીવન્ાનું બિરુદ હતું.”