સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ગાંધી-હૃદયમાં પડેલી છબીઓ
ઉમાશંકર જોશીનું સ્મરણ કરતાં જ એમનું કવિ-સ્વરૂપ ચિત્ત સમક્ષ આવે. કવિતા એમને કદાચ સહજ હતી. પણ ગદ્યને એમણે આહ્વાનરૂપ વસ્તુ ગણી હતી. દેશપરદેશની, પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવેલી, વિશિષ્ટ વ્યક્તિઓ વિશેનાં કેટલાંક અવિસ્મરણીય શબ્દાંકનો એમની પાસેથી આપણને મળેલાં છે. તે આલેખતી વખતે એમને સતત અનુભવ થયા કરેલો કે શબ્દોથી ચિત્રની રેખાઓ ઉપસાવવી, એ કેટલું વસમું અને આહ્લાદજનક છે. કવિએ કરેલાં આવાં શબ્દાંકનો પુસ્તકરૂપે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ભાગ રૂપે પ્રગટ થયેલા છે. ચરિત્રસંકીર્તનના ત્રીજા ભાગનું નામ છે ‘ઈસામુ શિદા અને અન્ય.’ ત્રણેયમાં મળીને નાનાંમોટાં ૧૮૮ શબ્દાંકનો છે. ગાંધીજી જેવા કઠોર વ્રતધારીએ લખ્યું છે કે, “એકલાં વ્રતો પાળ્યે પાર નથી ઊતરી શકાતું. સતત કીર્તન ચાલે ત્યારે વ્રતો ફળે. સારાં સારાં જીવનચરિત્રો આપણે વાંચતા રહીએ તો બળ મળે.” ૧૮૬૯માં ગાંધીજી આ જગતમાં આવ્યા અને લગભગ પળેપળના કર્મયોગથી ભરેલા ૨૮,૦૦૦ જેટલા દિવસ અહીં ગાળી, પોતાના તપોમય જીવન અને અમીભરી વાણીથી ખંડેખંડમાં કરોડો માનવીઓનાં જીવન પર અનેરો પ્રભાવ પાડી, ૧૯૪૮માં સ્વર્ગે સિધાવ્યા. આવા એ મહાપુરુષના પોતાના હૃદયમાં કેવાં કેવાં નર-નારીઓની છબીઓ પડેલી હશે તેની તારવણી ‘અક્ષરદેહ’ના એંશી જેટલા ખંડોમાંથી કોઈ કરે, તો ઘણા મોટા વાચક-સમુદાયને તેમાં રસ પડે અને બળ મળે. પણ અત્યારે ગાંધીજીની ‘આત્મકથા’માં છૂટીછવાઈ પડેલી એવી કેટલીક છબીઓ પર આપણે નજર નાખીએ.
બાળકને જગતમાં પ્રથમ પરિચય માતાનો થાય. એવાં માતા પૂતળીબાઈનું ચિત્ર ગાંધીજીએ બે વાક્યમાં આપ્યું છે : “માતા સાધ્વી સ્ત્રી હતી. તે બહુ ભાવિક હતી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે.” કરમચંદ ગાંધી વિશે એ કહે છે : “પિતા કુટુંબપ્રેમી. સત્યપ્રિય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ હશે. પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્નોના ઉકેલ કરવામાં કે હજારો માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી.” બાળક મોહન ઉપર પ્રભાવ પાડનારી કદાચ ત્રીજી જ વ્યક્તિ રંભાબાઈ નામનાં એનાં દાઈ જોવા મળે છે. મોહન ભૂતપ્રેતથી ડરતો. તેનું ઔષધ રામનામ છે, એમ રંભાએ સમજાવ્યું. મોહનને તો રામનામ કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ જીવનભર ગાંધીજી સારું અમોઘ શક્તિ બની રહ્યું, તેનું કારણ રંભાબાઈએ રોપેલું એ બીજ હતું. તેર વર્ષના મોહનનાં કસ્તૂરબાઈ સાથે લગ્ન થયાં. ૧૯૪૩માં કસ્તૂરબાનું કારાવાસમાં અવસાન થયું ત્યાં સુધીમાં સાઠ વરસના બા-બાપુના ઘરસંસાર વિશે એક સ્વતંત્ર લેખ તૈયાર થાય તેમ છે. લગ્ન થયાં ત્યારે હાઈસ્કૂલમાં ભણતા મોહનને અંગત મિત્રો થોડા જ હતા. એવા એક મિત્રનું નામ આપ્યા વિના તેની સાથેના ઘણાં વર્ષોના સંગના પ્રસંગો ગાંધીજીએ ‘આત્મકથા’માં વિસ્તારથી આપેલા છે. માંસાહાર અને વ્યભિચારને આરે એમને પહોંચાડનાર એ મિત્રના કેટલાક દોષો ત્યારે પણ એ જોઈ શકતા હતા. પણ પોતાનો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે, એમ માનતા હતા. એમની એ ગણતરી બરાબર નહોતી, એમ તે પાછળથી જોઈ શક્યા. એમને ત્યારે સમજાયું કે સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઈએ. અંતે ગાંધીજી એવા અભિપ્રાય પર આવ્યા કે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમકે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. જેને આત્માની, ઈશ્વરની મિત્રતા જોઈએ છે તેણે એકાકી રહેવું ઘટે છે.
બેરિસ્ટર બનવા ઇંગ્લંડ ગયેલા ગાંધીજી ત્યાં હતા તે અરસામાં નારાયણ હેમચંદ્ર પણ ત્યાં આવેલા. લેખક તરીકે તેમનું નામ ગાંધીજીએ સાંભળેલું. એક અંગ્રેજ મહિલાને ત્યાં એમની ઓળખાણ થઈ. નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોષાક વિચિત્ર હતો. બધા ફૂલફટાક લોકો વચ્ચે એ નોખા પડી જતા. એમને અંગ્રેજી શીખવું હતું, તેમાં ગાંધીજીએ મદદ કરી. બેઉની વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ. નારાયણ હેમચંદ્રને વ્યાકરણ ન આવડે તેની શરમ પણ નહોતી. “મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ. મહષિર્ દેવેન્દ્રનાથ ટાગોરનાં પુસ્તકોનો તરજુમો તો ગુજરાતી પ્રજાને મેં જ આપ્યો છે ના? મારે તો ઘણી ભાષાઓમાંથી ગુજરાતી તરજુમા આપવા છે. ભાવાર્થ આપું એટલે મને સંતોષ થાય. મારી પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિંદી જાણું ને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઈએ. મારે ફ્રાંસ જવું છે ને ફ્રેંચ પણ શીખી લેવું છે. બનશે તો જર્મની જઈશ ને જર્મન પણ શીખી લઈશ.” ભાષાઓ જાણવા ને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો. પણ નારાયણ હેમચંદ્રની સાદાઈ તો તેમની પોતાની જ હતી. તેમની નિખાલસતા પણ તેટલી જ. અભિમાનનું નામ નહોતું.
ઇંગ્લંડમાં બેરિસ્ટર બન્યા ને ત્રીજે જ દિવસે ગાંધીજી સ્વદેશ તરફ પાછા વળ્યા. મુંબઈ ઊતર્યા ત્યાં કવિ રાયચંદ અથવા રાજચંદ્રની ઓળખાણ થઈ. તેમની ઉંમર તે વેળા પચીશ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા, એ તો ગાંધીજી પહેલી જ મુલાકાતે જોઈ શક્યા. તે શતાવધાની ગણાતા હતા. એ શક્તિની ગાંધીજીને અદેખાઈ થઈ, પણ જેના ઉપર એ મુગ્ધ થયા તે વસ્તુનો પરિચય એમને પાછળથી થયો. એ હતું એમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને આત્મદર્શન કરવાની તેમની ભારે ધગશ. પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો પુરુષાર્થ તો આત્મઓળખ-હરિદર્શન હતો. તેમના અતિ નિકટના સંબંધમાં ગાંધીજી રહ્યા. જ્યારે એ તેમની દુકાને પહોંચે ત્યારે ગાંધીજી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાત જ ન કરે. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં ત્યાર પછી ગાંધીજી આવ્યા. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન એમણે કર્યો, પણ જે છાપ એમની ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ ન પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો એમને સોંસરાં ઊતરી જતાં. પોતાની આધ્યાત્મિક ભીડમાં ગાંધીજી તેમનો આશ્રય લેતા. રાયચંદભાઈને વિશે એમનો આટલો આદર છતાં તેમને ગાંધીજી પોતાના ધર્મગુરુ તરીકે હૃદયમાં સ્થાન ન આપી શક્યા. એમની એ શોધ કદાચ છેવટ લગી ચાલુ રહી. હિંદુ ધર્મે ગુરુપદને જે મહત્ત્વ આપ્યું છે તેને ગાંધીજી માનનારા હતા. ગુરુ વિના જ્ઞાન ન હોય, એ વાક્યને તેઓ ઘણે અંશે સાચું માનતા. પણ કહેતા કે ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. એટલે, જોકે રાયચંદભાઈને ગાંધીજી પોતાના હૃદયના સ્વામી ન બનાવી શક્યા, તોપણ પોતાના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર ત્રણ આધુનિક મનુષ્યોમાં તેમની ગણના એમણે કરી છે. રાયચંદભાઈએ એમના જીવંત સંસર્ગથી, ટોલ્સટોયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી ને રસ્કિને ‘અન ટુ ધિસ લાસ્ટ’ નામના પુસ્તકથી એમને ચકિત કર્યા હતા.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે વકીલાત સાથે જાહેર કામ કરતા. જોહાનિસબર્ગમાં એમની ઓફિસમાં એક શોર્ટહેન્ડ લખનાર અને ટાઇપ કરનારની જરૂર હતી. મિસ સ્લેશિન નામની સત્તર વર્ષની બહેન તેમની પાસે આવી. તે કંઈ નોકરી કરવા નહોતી આવી. તેને તો અનુભવો મેળવવા હતા. તેના હાડમાં ક્યાંય રંગદ્વેશ નહોતો જ, નહીંતર દક્ષિણ આફ્રિકામાં ‘કાળા’ માણસને ત્યાં ગોરાં તે નોકરી કરે? આ બહેનનું અંગ્રેજી જ્ઞાન ગાંધીજી જેવાએ પણ પોતાના કરતાં ઊંચા પ્રકારનું માન્યું હતું તેથી, ને તેની વફાદારી ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી, તેણે ટાઇપ કરેલા ઘણા કાગળોમાં ગાંધીજી ફરી તપાસ્યા વિના સહી કરતા. મિસ સ્લેશિનની ત્યાગવૃત્તિનો પાર નહોતો. તેણે ગાંધીજી પાસેથી ઘણા કાળ લગી તો દર માસે છ જ પાઉન્ડ લીધા. (અગાઉનાં એક બહેન સાડા સત્તર લેતાં.) ને છેવટ લગી દસ પાઉન્ડ કરતાં વધારે લેવાની તેણે ચોખ્ખી ના જ પાડી. ગાંધીજી જો વધારે લેવાનું કહેતા તો તેમને ધમકાવતી : “હું કંઈ પગાર લેવા નથી રહી. મને તો તમારી સાથે કામ કરવું ગમે છે ને તમારા આદર્શો ગમે છે તેથી રહી છું.” તેની ત્યાગવૃત્તિ જેવી તીવ્ર હતી તેવી જ તેની હિંમત હતી. સ્ફટિકમણિ જેટલી પવિત્રતાવાળી અને ક્ષત્રીને અંજાવે એવી વીરતાવાળી જે બહેનોને મળવાનું સદ્ભાગ્ય ગાંધીજીને પ્રાપ્ત થયું હતું, તેમાંની એક એ બાળા હતી. તેનો અનુભવ એમને સારુ હંમેશાં પુણ્યસ્મરણ બની રહ્યો. તેણે કામ કરવાનો રાતનો કે દિવસનો ભેદ નહોતો જાણ્યો. તે અધરાત મધરાત એકલી ગમે ત્યાં જવાનું હોય તોયે ચાલી જાય, ને ગાંધીજી જો કોઈને તેની સાથે મોકલવા ધારે તો તેમની સામે રાતી આંખ કરે. દાઢીવાળા હજારો હિંદીઓ પણ તેને માનની નજરથી જોતા ને તેનું વચન ઝીલતા. ગાંધીજી અને બધા સાથીઓ જેલમાં ગયા, જવાબદાર પુરુષ ભાગ્યે કોઈ બહાર હતો, ત્યારે તે એકલી આખી લડતને સંભાળી રહી હતી. લાખોના હિસાબ તેના હાથમાં, બધો પત્રવ્યવહાર તેના હાથમાં, ને ‘ઇન્ડિયન ઓપીનિયન’ પણ તેના હાથમાં, એવી સ્થિતિ હતી. પણ તેને થાક નહોતો લાગ્યો. આ બધું જણાવ્યા પછી ગાંધીજી કહે છે કે : “મિસ સ્લેશિનને વિશે લખતાં હું થાકું તેમ નથી.” પણ અંતે ગોખલેનું પ્રમાણપત્ર ટાંકીને તેઓ અટકે છે. ગોપાલ કૃષ્ણ ગોખલે આફ્રિકા આવ્યા ત્યારે ગાંધીજીના બધા સાથીઓનો પરિચય કર્યો હતો. તેમને બધાંના ચારિત્રના આંક મૂકવાનો શોખ હતો. બધાં હિંદી ને યુરોપિયન સાથીઓમાં મિસ સ્લેશિનને તેમણે પ્રધાનપદ આપ્યું હતું. “આટલો ત્યાગ, આટલી પવિત્રતા, આટલી નિર્ભયતા અને આટલી કુશલતા મેં થોડામાં જોઈ છે. મારી નજરે તો મિસ સ્લેશિન તારા સાથીમાં પ્રથમપદ ભોગવે છે.”
દક્ષિણ આફ્રિકામાં ત્રણ વરસ રહ્યા પછી ૧૮૯૬માં ગાંધીજી દેશની મુલાકાતે આવેલા. દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડત અંગે મુખ્ય શહેરોમાં ફરીને લોકમત કેળવવાનો ઇરાદો હતો. તેને અંગે મુંબઈમાં ફીરોજશા મહેતાને એ મળ્યા. ‘મુંબઈના સિંહ’, ‘મુંબઈના બાદશાહ’થી અંજાવાને તો ગાંધીજી તૈયાર હતા જ. પણ ‘બાદશાહે’ એમને ડરાવ્યા નહીં. વડીલ જે પ્રેમથી પોતાના દીકરાને મળે તેમ તે મળ્યા. મુંબઈથી ગાંધીજી પુણે ગયા, ત્યાં લોકમાન્ય ટિળકને મળ્યા. પ્રથમ દર્શને જ લોકમાન્યની લોકપ્રિયતાનું કારણ એ તરત સમજી શક્યા. ત્યાંથી એ ગોખલે પાસે ગયા, તે ફરગ્યુસન કોલેજમાં હતા. ખૂબ પ્રેમથી ગાંધીજીને ભેટ્યા ને પોતાના કરી લીધા. ફીરોજશા મહેતા ગાંધીજીને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં પોતે નાહી શકે. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે, ગંગાની ગોદમાં રમાય. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં જે સ્થાન ગોખલેએ જીવતાં ગાંધીજીના હૃદયમાં ભોગવ્યું ને દેહાંત થયા પછી પણ ભોગવતા રહ્યા, તે કોઈ ભોગવી શક્યું નથી. દક્ષિણ આફ્રિકાના કામને અંગે ગાંધીજી કલકત્તામાં એક મહિનો રહેલા. ત્યારે ગોખલેએ ગાંધીજીને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. પહેલે જ દહાડેથી ગોખલેએ ગાંધીજીને એ મહેમાન છે એવું ન ગણવા દીધું. પોતાના સગા નાના ભાઈ હોય એમ રાખ્યા. એમની હાજતો જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી. સારે નસીબે ગાંધીજીની હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ એમણે કેળવેલી હતી. તેમની આ ટેવની, તેમની તે કાળની પોષાક વગેરેની સુઘડતાની, તેમના ઉદ્યમની, ને તેમની નિયમિતતાની ગોખલે ઉપર ઊંડી છાપ પડી, ને તેની ગાંધીજી અકળાય એટલી સ્તુતિ કરવા લાગ્યા. ગોખલેની કામ કરવાની પદ્ધતિથી ગાંધીજીને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં ગાંધીજીએ ક્યાંય મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી. અનેક માણસો તેમને અનેક બાબતોમાં રસ લેવડાવવા આવે. તેમને ગોખલે એક જ જવાબ દેતા : “તમે એ કામ કરો. મને મારું કરવા દો. મારે તો દેશની સ્વાધીનતા મેળવવી છે. તે મળ્યા પછી મને બીજું સૂઝશે. અત્યારે તો એ વ્યવસાયમાંથી મારી પાસે એક ક્ષણ પણ રહેતી નથી.”
આવાં શબ્દાંકનો તે તે વિશિષ્ટ વ્યક્તિની ને સમગ્ર જમાનાની તસવીર ઓળખવામાં કાંઈક અંશે ઉપકારક નીવડશે એવી આશા રાખતાં ઉમાશંકર જોશીએ કહેલું કે : “પ્રજાની વીરપૂજાની ભાવનાને જાગ્રત કરી, તેની કાર્યશીલતાને એક વધુ વળ આપવાનું પૂર્વજોના નામસંકીર્તનથી વધારે સુકર બને છે. પણ પ્રજામાં વીરપૂજાની ભાવના કેળવવી જ હોય તો ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉત્તમોત્તમ પૂજ્યોને જ વીરપૂજાના અર્ઘ્ય અર્પવામાં આવે. જે પ્રજા સાચા પૂજાર્હોને ઓળખી શકતી નથી, તે ક્રમેક્રમે પૂજ્ય પુરુષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકી, ઊતરતી કક્ષાના ઠિંગુજીઓને જે પ્રજા પૂજે તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.” [‘પરબ’ માસિક : ૧૯૯૦]