સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ઘરઘરમાં પારાયણ કરવા જેવું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આફ્રિકા ખંડના પચાસેક મુલકો પૈકી દક્ષિણ આફ્રિકા નામના દેશ સાથે ભારતનો લાંબા કાળનો સંબંધ રહ્યો છે. આજે સ્વાધીન એવા દક્ષિણ આફ્રિકા ઉપર સદીઓ સુધી અંગ્રેજોનું સામ્રાજ્ય હતું. ફળદ્રુપ જમીન અને પુષ્કળ વરસાદને કારણે ત્યાંની ખેતીમાં મબલક કમાણી ગોરાઓ કરી શકે તેમ હતા. પણ ખેતી માટે મજૂરો જોઈએ, તે ત્યાં મળતા ન હતા. એટલે ત્યાંની અંગ્રેજ સરકારે ભારત પર તે વખતે રાજ કરતી અંગ્રેજ સરકાર પાસે મજૂરોની માગણી કરી. તેના જવાબમાં હિંદી મજૂરોથી ભરેલી પહેલી સ્ટીમર દક્ષિણ આફ્રિકા પહોંચી ૧૮૬૦ની આખરમાં. એ મજૂરો સાથે ‘એગ્રીમેંટ’ (કરાર) કરવામાં આવતું કે પૂરાં પાંચ વરસ દક્ષિણ આફ્રિકામાં મજૂરી કર્યા પછી જ તે હિંદુસ્તાન પાછા આવી શકશે, અથવા તો એ દેશમાં રહીને નોકરી ધંધો કરી શકશે. ‘એગ્રીમેંટ’નું લોકભાષામાં થયું ‘ગિરમીટ’ અને એવા કરાર મુજબ દક્ષિણ આફ્રિકામાં મજૂરી કરવા ગયેલા હિંદી મજૂરો ‘ગિરમીટિયા’ તરીકે ઓળખાયા. મજૂરોની પાછળ પાછળ હિંદી વેપારીઓ પણ આફ્રિકા પહોંચ્યા. તેમાંના મોટા ભાગના પોરબંદર વિસ્તારના મેમણો હતા. દાદા અબ્દુલ્લા નામની એવી એક મોટી પેઢીએ દક્ષિણ આફ્રિકામાં સારો એવો વેપાર જમાવ્યો. તેમની અને તેમના એક હરીફ વેપારી વચ્ચે એક મોટી રકમનો કેસ અદાલતમાં ચાલતો હતો. આ વેપારીઓ અંગ્રેજી ઝાઝું જાણે નહીં, એટલે તેમના ગોરા વકીલોને પોતાની વાત સમજાવવામાં મુશ્કેલી પડે. એમાં મદદરૂપ થાય તેવા કોઈ કાઠિયાવાડી વકીલની એમને જરૂર હતી. ઓગણીસમી સદીના છેલ્લા દાયકાની આ વાત. તે અરસામાં લંડન જઈ તાજા બૅરિસ્ટર થઈ આવેલા રાજકોટના મોહનદાસ કરમચંદ ગાંધી તરફ દાદા અબ્દુલ્લાની પેઢીનું ધ્યાન ગયું અને એમણે એક વરસની બંધણીથી મોહનદાસને ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા બોલાવ્યા. આ બૅરિસ્ટરે આફ્રિકા પહોંચતાંની સાથે જ જોયું કે ત્યાં હિંદીઓ સામે ગોરાઓ ડગલે ને પગલે રંગભેદ કરતા હતા. ખેતરો પર મહેનત કરવા માટે હિંદી મજૂરો એમને જોઈતા હતા, પણ ત્યાંના ધીકતી કમાણીવાળા એમના વેપારમાં ભાગ પડાવનારા હિંદી વેપારીઓ એ ગોરાઓને આંખના કણાની જેમ ખૂંચતા હતા. એટલે એ ધરતી પરથી એમનો પગ ઊખડી જાય એવા જાતજાતના હિંદી-વિરોધી કાયદાઓ ગોરાઓની સરકારે કરવા માંડેલા. આવા કાયદાઓના અન્યાય વિશે ત્યાંના હિંદીઓને જાગૃત કરવાનું, અને પછી પોતાના હક માટે લડવા તેમને તૈયાર કરવાનું બિલકુલ અણધારેલું કામ બૅરિસ્ટર મોહનદાસ પર આવી પડ્યું. એટલે, એક જ વરસ માટે ત્યાં ગયેલા તેને બદલે એકંદર એકવીસ વરસ સુધી દક્ષિણ આફ્રિકામાં તેમનો વસવાટ લંબાયો. દક્ષિણ આફ્રિકાનાં આ એકવીસ વરસ ભારત અને આખા જગતના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. કારણ કે એ વરસો દરમિયાન અન્યાય સામે શાંતિપૂર્વક લડવાનું, જાતે દુઃખ વેઠીને અન્યાય કરનારાઓમાં રહેલી માનવતાને જગાડવાનું, ‘સત્યાગ્રહ’ નામનું અદ્ભુત અને અપૂર્વ શસ્ત્ર મોહનદાસ ગાંધીએ માનવજાતને આપ્યું. એમની દોરવણી હેઠળ દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ અહિંસક યુદ્ધની સફળતાનો પહેલવહેલો નમૂનો વિશ્વને પૂરો પાડ્યો.

છેવટે ૧૯૧૪માં આફ્રિકા કાયમ માટે છોડીને મોહનદાસ પોતાની માતૃભૂમિ ભણી રવાના થયા. હિંદમાં પણ અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત ચલાવવાનું એમના ભાગ્યમાં આવ્યું. એવી એક લડત દરમિયાન ગાંધીજી ૧૯૨૪માં યરવડા જેલમાં હતા ત્યારે, દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડતની કથા એમણે લખવા માંડી. તેનાં કેટલાંક પ્રકરણ તેમના અઠવાડિક ‘નવજીવન’માં છપાયાં. જેલમાંથી છૂટયા પછી બીજે વરસે એમણે બાકીનાં પ્રકરણો પૂરાં કર્યાં. એ બધાં ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ નામે પુસ્તક રૂપે પ્રગટ થયાં. ત્યારબાદ ‘સત્યના પ્રયોગો’ નામે પોતાની આત્મકથા ગાંધીજીએ લખી, તેમાં પણ દક્ષિણ આફ્રિકાના તેમના અનુભવો સ્વાભાવિક રીતે આવ્યા જ. પરંતુ એ બે પુસ્તકો લખાયાં તે પહેલાં ઘણાં વરસે, ગાંધીજીના સાબરમતી આશ્રમની રાષ્ટ્રીય શાળાના એક કિશોર વિદ્યાર્થીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહકાળનાં પોતાનાં સંસ્મરણો શાળાના હસ્તલિખિત ‘મધપૂડો’ના અંકોમાં આલેખવા માંડયાં હતાં. તેણે તરત જોયું કે ગાંધીજી વિશેની નાનીમોટી વાતો સાંભળવામાં સૌને મજા પડતી. એ કિશોરનું નામ પ્રભુદાસ. એના દાદા ખુશાલચંદ ગાંધી તે ગાંધીજીના પિતરાઈ મોટા ભાઈ. (ઉત્તમચંદ ગાંધીના એક દીકરા કરમચંદના પુત્ર મોહનદાસ, બીજા દીકરા જીવનલાલના પુત્ર ખુશાલચંદ.) પ્રભુદાસના કાકા મગનલાલ અને પિતા છગનલાલ, એ બેઉ મોહનદાસકાકાના નિમંત્રણથી અનુક્રમે ૧૯૦૨ અને ૧૯૦૩માં દક્ષિણ આફ્રિકા ગયેલા. ૧૯૦૫માં ત્યાં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી ત્યારે બેય ભાઈઓ તેમાં જોડાઈ ગયા. પછી બંનેનાં કુટુંબો પણ હિંદથી ફિનિક્સ રહેવા ગયાં. તેમાં ચારેક વરસનો બાળક પ્રભુદાસ હતો, તે પણ ફિનિક્સવાસી થઈ ગયો. ફિનિક્સ આશ્રમમાં ગાંધીજી શું કરતા, કેવી મજૂરી કરતા, આશ્રમવાસી કુટુંબોનાં બાળકોને કેમ ભણાવતા, તોફાની વિદ્યાર્થીઓને કેમ વશ કરતા, નાનીમોટી મુસાફરીઓમાં સહુને કેવો આનંદ કરાવતા અને સત્યાગ્રહ કરી જેલ જવાને આશ્રમવાસી ભાઈબહેનોને કેવી રીતે તૈયાર કરતા — એ બધી વાતો યાદ કરીને પ્રભુદાસે ‘મધપુડો’માં લખવા માંડેલી. પછીથી એ લેખમાળા ‘જીવનનું પરોઢ’ નામે ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રકાશિત થવા લાગી. એનું ૬૦૦થી વધુ પાનાંનું પુસ્તક ૧૯૪૮માં બહાર પડેલું, પણ તેના તરફ વાચકોનું ધ્યાન દુર્ભાગ્યે દોરાયું નહીં. તે પછી પ્રભુદાસ ગાંધીએ તૈયાર કરેલી ૩૦૦ પાનાંની તેની સંક્ષિપ્ત આવૃત્તિ ૧૯૬૯ના ગાંધી શતાબ્દી વરસમાં પ્રગટ થયેલી. વળી એનાથીયે નાનો લઘુ સંક્ષેપ પ્રભુદાસભાઈએ તૈયાર કરી આપ્યો, તેની ૧૨,૦૦૦ નકલો ૧૯૭૩માં છપાયેલી. મૂળ પુસ્તક અને તેના ઉપલા બે સંક્ષેપો ઘણા વરસથી અપ્રાપ્ય હતા ત્યારે એનો હજી નાનો, અને અંતિમ સંક્ષેપ, લગભગ ૮૦ પાનાંનો, ગાંધીજીની સવાસોમી જયંતીએ ૧૯૯૫માં પ્રગટ થયેલો. એ અરસામાં જ પ્રભુદાસ ગાંધીનું ૯૪ વરસની વયે અવસાન થયું. પછી ૨૦૦૦ની સાલની આખરમાં પ્રભુદાસભાઈનું જન્મશતાબ્દી વરસ શરૂ થાય તે પહેલાં જ ‘જીવનનું પરોઢ’ના મૂળ મહાગ્રંથનું પુનર્મુદ્રણ નવજીવન ટ્રસ્ટ તરફથી ફક્ત રૂ. ૧૫૦ જેટલી ઓછી કિંમતે સુલભ બન્યું છે. નવી પેઢીના કિશોરોના હાથમાં ગાંધીજી વિશે પહેલવહેલું કોઈ પુસ્તક મૂકવું હોય તો હું ‘જીવનનું પરોઢ’ સૂચવું. ‘આત્મકથા’ની પણ પહેલાં એ વાંચવા જેવું છે. તેના ત્રાણ સંક્ષેપો પૈકી એક પણ જેમણે વાંચેલો હશે તેમનામાં મૂળ આખું પુસ્તક વાંચવાની ઉત્કંઠા અવશ્ય જાગી હશે, તે હવે પૂરી થઈ શકશે. ગાંધીજીના ચરિતામૃત સાથે ઘૂંટાયેલી પ્રભુદાસભાઈના બાળપણની આ સ્મરણયાત્રાનું, ‘રામાયણ’ની માફક, અનેક કુટુંબોમાં જ્યારે પારાયણ થતું હશે, એવો દિવસ જરૂર આવશે. [‘નયા માર્ગ’ પખવાડિક]