સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ચંદ રોજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          [‘મિલાપ’ના આખરી અંક (ડિસેમ્બર ૧૯૭૮)નું નિવેદન] હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ! દેખ લો ઈસકા તમાશા ચંદ રોજ. ફિર તુમ કહાં ઔ મૈં કહાં, ઐ દોસ્ત! સાથ હૈ મેરા-તુમ્હારા ચંદ રોજ. પ્રિય વાચક, ‘મિલાપ’નો પહેલો અંક ૧૯૫૦ના જાન્યુઆરીમાં બહાર પડેલો. ૧૯૭૮ના ડિસેમ્બરમાં તેને ૨૯ વરસ પૂરાં થાય છે. એ માસનો અંક ૩૩૯મો હશે. વચમાં ‘કટોકટી’ દરમિયાન નવ મહિના તેનું પ્રકાશન બંધ રાખવું ન પડ્યું હોત, તો કુલ ૩૪૮ અંક થયા હોત. પણ હવે તેનું પ્રકાશન સ્વેચ્છાએ સંકેલી લેવાનો સમય આવ્યો છે. આ માટે કોઈ એક ખાસ કારણ નથી. દરેક વસ્તુનો એક આરંભ હોય છે, તેમ એક અંત પણ હોય છે. એવો એક સહજ અંત ‘મિલાપ’નો પણ આવે, તે સ્વાભાવિક ગણાય. અમેરિકામાં પત્રાકારિત્વનો વરસેકનો અભ્યાસ કરીને ૧૯૪૯માં હું પાછો ફરેલો. ત્યાંના જગમશહૂર ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પદ્ધતિએ ગુજરાતમાં એક માસિક શરૂ કરવાનું સ્વપ્ન અંતરમાં ભરેલું હતું. પોતાના જોવામાં જે કાંઈ આવે તેમાંથી સુંદરતમ વસ્તુઓનો આનંદ માણવામાં અન્યને સહભાગી બનાવવા — અને એ રીતે પોતાનો આનંદ અનેકગણો વધારવો — એવી એક તાલાવેલી હતી. ૧૯૫૦ના જાન્યુઆરીની તા. ૨૬મીએ, સ્વતંત્રા ભારતે એક પ્રજાસત્તાકનું સ્વરૂપ ધારણ કર્યું તે મંગલ દિને, ‘મિલાપ’નો પહેલો અંક બહાર પડયો. તેને ઊઘડતે પાને ‘નાની શી મિલનબારી’ નામના લેખમાં ‘મિલાપ’નું આ પ્રયોજન વ્યક્ત કરેલું : ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના રસિક વાચકને રુચે, સરળ લાગે ને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું. તે પછીનાં આ વરસો દરમિયાન સામયિકો-વર્તમાનપત્રો-પુસ્તકોના વિશાળ ઉપવનમાંથી રૂડાં પુષ્પો વીણી વીણીને તેની છાબ ગુજરાત પાસે દર મહિને ધરવામાં એક ધન્યતા ‘મિલાપ’ અનુભવતું આવ્યું છે. ગુજરાતની ફૂલવાડીમાં ‘મિલાપ’ પણ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહીં તો બે-પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે. ‘મિલાપ’ની ગ્રાહક-સંખ્યા સાવ મામૂલી રહી છે, છતાં વાચકોની થોડીક ચાહના મેળવવાનું સદ્ભાગ્ય તેને સાંપડ્યું છે. લગભગ ત્રાણ દાયકાની આ મજલ દરમિયાન તેનો ફેલાવો દોઢથી બે હજાર નકલો જેટલો રહ્યો છે. તેના લવાજમમાંથી ‘મિલાપ’ના છાપકામ જેટલો ખર્ચ નીકળતો રહ્યો છે. શરૂઆત થોડા મિત્રો પાસેથી મૂડી ઉછીની લઈને કરેલી, અને સ્નેહીજનોએ જાહેરખબરના રૂપમાં આપેલી સહાય વડે આરંભનાં થોડાં વરસો સુધી સંપાદન તથા વ્યવસ્થામાં ટેકો મળેલો. પછીથી તો પુસ્તક-વેચાણ અને પુસ્તક-પ્રકાશનમાંથી એની જોગવાઈ થતી આવી છે. પુસ્તક— વેચાણનું ક્ષેત્રા વિસ્તરતાં વિસ્તરતાં વિદેશો સુધી પહોંચ્યું અને આપણી પ્રજાના કાંઈક વિશાળ વર્ગ સુધી ઉત્તમ પુસ્તકો પહોંચાડવાના કાર્યક્રમો પણ તેમાંથી વિકસ્યા. ‘મિલાપ’ પાછળ, પુસ્તકવેચાણના ને પ્રકાશનોના કામ પાછળ રાતદિવસ જોયા વિના મહેનત કરી છે. કોઈએ કહ્યું નહોતું, પણ પોતાને ગરજ હતી એટલે. શ્રી ઉમાશંકર જોશી જેવા કોઈ સંપાદક માટે તો ‘મિલાપ’ ચલાવવું એ ડાબા હાથનો ખેલ હોય. પણ હું સામાન્ય શક્તિનો માણસ. મારી પાસે એણે સારો એવો શ્રમ કરાવ્યો. સાથીઓની, ભાઈઓની અને સંતાનોની સહાય વડે તે પરિશ્રમ કરવામાં પારાવાર આનંદ માણ્યો છે, જીવનની કંઈક સાર્થકતા અનુભવી છે. જયંતભાઈ પરમાર, જયંતિભાઈ શુક્લ, ગુણવંતભાઈ વડોદરિયા, યશવંત ત્રાવેદી, ચંદ્રકાન્ત શાહ, ભાઈ નાનક, ભાઈ જયંત, ગોપાલ અને મંજરી તથા વીસેક વરસથી સતત સાથે રહેલા અરવિંદભાઈ — એ બધાની નિષ્ઠાભરી જહેમતનો ટેકો મળ્યો તેથી જ ‘મિલાપ’ ચાલી શક્યું છે. ‘મિલાપ’નો પ્રકાર જ એવો છે કે બીજા કોઈ પણ સામયિકના કરતાં વધુ લેખકોની કૃતિઓ તેમાં રજૂ થાય. એ લેખકોનો આંકડો હજાર જેટલે પહોંચી ગયો હશે. આટલાં વરસોમાં આઠેક હજાર નાનાંમોટાં લખાણો ‘મિલાપ’માં પુનર્પ્રગટ થયાં હશે. તેમાંથી ગદ્યનાં લગભગ તમામનો થોડોઝાઝો સંક્ષેપ કરેલો; ક્વચિત કાવ્યો સાથે પણ એવી ધૃષ્ટતા આચરેલી છે. એવી છૂટ લેવા દેવા બદલ તેના સર્જકોનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. રોકડ પુરસ્કારને બદલે ‘મિલાપ’ના અંકો કે લોકમિલાપનાં પ્રકાશનો સ્વીકારવાની ઉદારતા તેમાંથી લગભગ બધાએ બતાવી છે, તેનું ઋણ તો કદી નહીં ચૂકવાય. મારું સ્વપ્ન તો એવું હતું કે ‘મિલાપ’માં પ્રગટ થતા નાના મુક્તકને પણ ઓછામાં ઓછા રૂ. ૧૦૦ પુરસ્કાર-પાંખડીરૂપે આપી શકાય... સ્વપ્ન તો એવું પણ હતું કે ‘મિલાપ’ની પચાસેક હજાર નકલો વંચાતી હશે... સ્વપ્ન હજીયે એવું છે કે ‘આપણો સાહિત્ય-વારસો’ની ઢબનાં પ્રકાશનો માટે લાખ લાખ આગોતરા ગ્રાહકો નોંધાતા હોય... સ્વપ્ન એવું છે કે ‘મિલાપ’ના એકલા ‘લોકગંગા’ વિભાગનું જ સ્વતંત્ર અઠવાડિક ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થતું હોય... સ્વપ્ન એવું છે કે આજનાં આપણાં દૈનિકોના એક જ પાના જેટલી પણ નક્કર સામગ્રીવાળું દૈનિક બહાર પાડી, અમારા બોટાદના બાળભેરુ થોભણભાઈને ખેતરે લઈ જઈને હું કહી શકું કે ઘડીભર સાંતી છોડીને આટલા મિતાક્ષરી સમાચાર દેશ અને દુનિયા વિશેના તમારે વાંચી જ લેવા જોઈએ... સ્વપ્ન એવું છે કે ભારત વિશેના અત્યંત જરૂરી સમાચારોનો ૬૫ લાખ વિદેશવાસી હિંદીઓ માટે સાર રજૂ કરતું સાપ્તાહિક એમને હવાઈ ટપાલથી પહોંચાડવું.....સ્વપ્ન એવું છે કે પાંચેય ખંડમાં ઉત્તમ ભારતીય સાહિત્ય-કલા-સંગીતને સુલભ બનાવતાં મથકો ઊભાં કરવાં... સ્વપ્ન એવું છે કે ૧૯૭૯ના આવી રહેલા આંતરરાષ્ટ્રીય શિશુ-વરસમાં એક માલવાહક જંબો વિમાન ‘ચાર્ટર’ કરીને તેમાં ભારતીય બાલસાહિત્યની ૧૦૦ ચૂંટેલી ચોપડીઓની લાખો નકલો ભરીને વરસભર દેશદેશાવર ઘૂમતાં રહેવું અને રોજ નવા નવા શહેરમાં હજારો બાળકોમાં તેનું પ્રદર્શન-વિતરણ કરતાં રહેવું... સ્વપ્ન એવું છે કે જગતભરનાં બાળકો માટે સુંદર ચિત્રકથાઓની એકાદ કરોડ ચોપડીઓ ‘શિશુ વરસ’ દરમિયાન બહાર પાડવી.... આવાં હરકોઈ સોણલાંને સાચાં પાડવા માટે પોતાની મામૂલી ગુંજાશ મુજબ મચી પડવું, એમાં જ જીવનની સાર્થકતા છે. પણ એક મામૂલી જિંદગીનું ગજું કેટલું? સ્વપ્નસિદ્ધિની મજલે મુશ્કેલીઓ વધતી જાય તેવો કાળ આવ્યો છે, અને દેહની શક્તિ હવે વધતી નથી. પ્રાણ પાંખો વીંઝે છે, પણ શરીરને હવે એની પાછળ ઘસડાવું પડે છે. એંશીની અડોઅડ પહોંચેલા શ્રી બચુભાઈ રાવત જેવા હજી પણ જે તપ કરી રહ્યા છે, તે જોતાં મારા જેવા પંચાવને જ પહોંચેલાને માટે થાકનો આવો અનુભવ અજુગતો ગણાય. પણ હવે ‘મિલાપ’ ચાલુ રાખવાની હામ નથી રહી. થીગડથાગડ કરીને એને અંત લગી વળગી રહેવાની આસક્તિ નથી. પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ : એ ‘ફોર્મ્યુલા’ વડે મારા જેવો સામાન્ય માણસ પણ એને ચલાવી શક્યો, તો વળી કોઈ સમર્થને હાથે ‘મિલાપ’ના સ્વરૂપનું અન્ય સામયિક ગુજરાતી પ્રજાને જરૂર મળી રહેશે. ‘મિલાપ’ વાટે જે થોડાંક હજાર સહૃદય ભાઈ-બહેનો સાથે સ્નેહનો તાંતણો બંધાયો, તે આ રંક જીવનની કમાઈ છે. એમનાથી સદંતર વિખૂટા તો જીવતાં લગી પડી શકાય તેમ નથી. પુસ્તક-પ્રકાશન અને વિતરણનું કામ લોકમિલાપ વાટે ચાલુ રહેશે, તેનો વ્યાપ હવે કદાચ વધારી શકાશે. તે અંગેની જાણકારી આપતી પત્રાકા બહાર પાડીને સહુ વાચકો સાથેનો સંપર્ક થોડોક પણ જીવતો રાખવો છે. ઉમેદ છે કે સામે પક્ષેથી પણ એ સંબંધ ચાલુ રહી શકશે અને સારાં સારાં પુસ્તકો વસાવવા માટે એ બધાં કુટુંબો-સંસ્થાઓ લોકમિલાપની સેવાનો ઉપયોગ કરતાં રહેશે. ‘મિલાપ’ માસિક વાટે અને પુસ્તક-પ્રકાશન-વિતરણની યોજનાઓ મારફત લોકમિલાપનો એક નાનકડો પરિવાર બંધાયો છે ને વિદેશો સુધી એના તાંતણા લંબાતા રહ્યા છે. એ સહુનું, એમની જરીક જેટલી સેવા કરવાની તક અમને આપવા બદલ, પ્રેમપૂર્વક, કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. [તા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૮ : સવારના ૧થી ૪]