સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/ચરિત્રકીર્તન
દેશપરદેશના જે અનેક ‘સરસ માણસો’ના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં ઉમાશંકર જોશી આવેલા, તેમનાં શબ્દાંકનો તેમણે ‘હૃદયમાં પડેલી છબીઓ’ (ભાગ ૧-૨) તથા ‘ઇસામુ શિદા અને અન્ય’ જેવાં પુસ્તકોમાં આપેલાં છે. ‘સર્જકપ્રતિભા’ (૧-૨) નામના એમના મરણોત્તર પ્રકાશનમાં તથા બીજાં પુસ્તકોમાંથી પણ એ જાતની સામગ્રી મળે છે. ‘મિલાપ’ માસિક (૧૯૫૦-૧૯૭૮)ના અંકોમાં એવા ‘સરસ માણસો’ વિશેના ચરિત્રલેખો, રેખાચિત્રો, જીવનપ્રસંગો રજૂ કરવાની તક મને મળેલી. વિવિધ લેખકોને હાથે આલેખાયેલાં એવાં શબ્દાંકનો અનેક સામયિકો કે પુસ્તકોમાંથી વીણીવીણીને ટૂંકાવેલા કે અનુવાદિત સ્વરૂપે ‘મિલાપ’માં પ્રગટ થતાં રહેતાં. “ઉત્તમ પૂજ્યોને જ વીરપૂજાના અર્ઘ્ય આપવામાં આવે,” એવા ઉમાશંકરભાઈના શબ્દો ધ્યાનમાં રાખવા યથામતિ પ્રયત્ન કર્યો હતો. ‘મિલાપ’નું પ્રકાશન બંધ થયું પછી, તેમાં રજૂ થતાં તેવાં કેટલાંક લખાણો ચાલુ સામયિકો-પુસ્તકોમાંથી ચૂંટીને રસિકો સમક્ષ વાંચી સંભળાવવાની હોંશ મને થઈ. કુટુંબો ને સંસ્થાઓમાં જઈ, નાનામોટા સમૂહો સામે વિવિધ રસનાં લખાણોનું પઠન કરવાની વાચનયાત્રા થોડાં વરસોથી ચાલે છે, તેમાં મને વધુ પ્રિય રહ્યા છે ચરિત્રકીર્તન પ્રકારનાં. ઉપર કહી તેવી ત્રિવિધ સામગ્રી નવેસર તપાસી, તેને શક્ય તેટલી વધુ સંક્ષિપ્ત કરીને એકવીસમી સદીના નવા વાચકો માટે ગ્રંથસ્થ કરવાની ઉમેદ રહ્યા કરી છે.