સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/“કૂદી પડશું!”
યતીન અને વિક્રમ, બે ભાઈબંધ. દિલ્હીની હેપી મોડેલ સ્કૂલમાં નવમા ધોરણ સુધી બેય સાથે ભણેલા. પણ વિક્રમ નાપાસ થયો અને યતીન કોલેજમાં ગયો. છતાં બેયની દોસ્તી ચાલુ રહી. તા. ૨ ઓગસ્ટે યતીન અને તેના પિતા કોઈને મળવા ગયેલા ત્યાંથી બપોરના એક વાગ્યા પછી પાછા ફરતા હતા. એમની મોટરગાડી યતીનની જૂની નિશાળ પાસેથી નીકળી ત્યારે એણે જોયું કે શાળાના દરવાજા બહાર જ છોકરાઓનું એક ટોળું મારામારી કરતું હતું. “આ તો મારો ભાઈબંધ વિક્રમ છે!” એટલું કહીને યતીને ગાડી ઊભી રખાવી અને ટોળા ભણી દોટ મૂકી. પિતા એને ના પાડતા રહ્યા, પણ એ તો પહોંચી ગયો. ટોળા વચ્ચે યતીન આવ્યો, એટલે મારામારી ઘડીભર થંભી ગઈ, એ પિતાએ ગાડીમાંથી જોયું. પણ ત્યાં તો એક છોકરો યતીન સામે છરી ઉગામતો દેખાયો. દીકરાની વહારે તેના પિતાને દોડી આવતા જોઈને બે સિવાયના બધા છોકરાઓ નાસી છૂટ્યા. પેલા બેમાંથી એકે યતીન સામે આંગળી ચીંધી, અને બીજાએ યતીનના સાથળમાં છરી હુલાવી દીધી. પિતાએ એ છરીવાળાને પકડી લીધો અને બેય જણ ભોંય પર પડ્યા. યતીનના ઘામાંથી લોહી ખૂબ વહેતું હતું, તે છતાં તેણે પણ પેલાનો પગ પકડી લીધો. પણ ત્યાં તો પેલાએ ઓચિંતી ગુલાંટ મારી અને યતીનને જમણા પડખામાં ફરી છરી હુલાવી દીધી. યતીનની ચીસ સાંભળીને પિતાએ પેલાને પડતો મૂકી દીકરાને હોસ્પિટલ પર પહોંચાડવા ગાડી મારી મૂકી. ત્યાં પહોંચતાં જ યતીનના પ્રાણ ઊડી ગયા. પેલી મારામારી પાછળનું કારણ એ હતું કે નિશાળમાં કોઈ છોકરાએ વિક્રમની બહેનની સતામણી કરેલી, એટલે અઠવાડિયા પહેલાં જ વિક્રમને તેની સાથે મારામારી થયેલી. પછી બનાવવાળા દિવસે વિક્રમ પોતે વર્ગમાંથી ગેરહાજર રહેલો, પણ સાંજના નિશાળ છૂટે ત્યારે બહેનને સલામત રીતે ઘેર લાવવા નિશાળ ઉપર ગયેલો. સાથે એક ભાઈબંધ હતો. નિશાળને દરવાજે જ પેલો સતામણી કરનાર અને તેનો મિત્ર ભેટી ગયા, બે વચ્ચે બોલાચાલી થઈ, અને વાત પહોંચી મારામારી પર. તે વખતે યતીનની ગાડી ત્યાંથી નીકળેલી. પોતાની બહેનની સતામણી કરનાર વિશે વિક્રમે કદાચ ભાઈબંધ યતીનને વાત કરી હશે. વિદ્યાર્થીઓના ટોળામાં વિક્રમને જોઈને કદાચ તે યતીનને યાદ આવી હશે, એટલે મિત્રની વહારે એ કૂદી પડેલો. એને એમ ન થયું કે વિક્રમ એનું ફોડી લેશે. એને એમ ન લાગ્યું કે, મારે શી પંચાત—ક્યાં મારી બહેનની સતામણી થઈ છે! પણ એવું વિચારીને તે દિવસે યતીન જો ત્યાંથી પસાર થઈ ગયો હોત તો—સંભવ છે કે કદાચ કોઈક દિવસ કોઈ મવાલી યતીનની જ બહેનની સતામણી કરતો હોત, તો તેનો સામનો કરવાની મરદાનગી એ ન બતાવી શક્યો હોત. કોઈની પણ બહેનની ઇજ્જત પર આક્રમણ થાય ત્યારે એ પોતાની જ મા—જણી બહેન પર થયું છે એવી વેદના અનુભવીને, એને બચાવવા કૂદી પડનારા ભાઈઓ સામે મીટ માંડીને આજે તો ઊભી છે—આપણી નિશાળો-કોલેજોની ગભરુડી વિદ્યાર્થિનીઓ. બળેવને દિવસે એમના હાથની રાખડી બંધાવનારા નવજુવાનો વણબોલ્યા શપથ લે કે, ટાણું આવશે ત્યારે અમે પણ યતીનની જેમ કૂદી પડશું!