સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/વેવિશાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સૌરાષ્ટ્રમાં લીંબુડા નામે નાનું ગામ છે. બ્રહ્મનિષ્ઠ નથુરામ શર્મા એ ગામે થોડો કાળ શિક્ષક તરીકે રહેલા, તેથી તે કંઈક જાણીતું થયું છે. એ ગામમાં ૧૮૦૦ની આસપાસમાં અહિચ્છત્રા જ્ઞાતિનું એક જ ખોરડું હતું. ઘરમાં બે માણસો : એક સાઠબાસઠ વર્ષની ડોશી ને બીજો તે ડોશીના દીકરાનો દીકરો, જેની ઉંમર પાંચસાત વર્ષની હશે. ડોશીનાં વહુદીકરો બે વર્ષ પહેલાં ગુજરી ગયેલાં. સીમમાં ચાર ખેતરમાં લાગો હતો, તે આજીવિકાનું સાધન હતું. એ વખતે, ફાગણ-ચૈત્રાની એક સાંજે, ડોશીના સાત-આઠ જ્ઞાતિભાઈઓ ચારધામની યાત્રા કરીને પાછાં ફરતાં, જૂનાગઢથી પોરબંદર જતાં, રસ્તામાં લીંબુડે રાત રહેવા માટે આવ્યા. ઘેર આવી યાત્રાળુઓએ પૂછ્યું, “છોકરા, તારી ડોશી ક્યાં?” “બહાર ગયાં છે, સાંજે આવશે.” છોકરાએ જવાબ દીધો. યાત્રાળુઓએ પોતાની પાસેથી પ્રસાદ કાઢી ઘરમાંથી થાળી મંગાવીને તેમાં આપ્યો ને કહ્યું, “છોકરા, કે’જે તારી ડોશીને કે આ ચારધામની જાત્રાનો પ્રસાદ છે.” આમ કહી યાત્રાળુઓ પાછા ફર્યા. દિવસ હજી હતો, એટલે એકાદ આગળને ગામે રહેવાનો તેમનો વિચાર હતો. પાદરે નદી ઓળંગી એ લોકો જ્યાં આગળ ચાલ્યા, ત્યાં ઘઉં ભરેલા ગાડા પર બેસી ડોશી સીમમાંથી આવતાં સામાં મળ્યાં. ડોશીએ યાત્રાળુઓને ઓળખ્યા, કહ્યું : “જાત્રા કરીને આવો છો, તેથી એમ ને એમ પાદર વળોટીને નહીં જાવા દઉં; હાલો પાછા.” યાત્રાળુઓએ કહ્યું, “પ્રસાદ ઘેર દીધો છે, કંઠી પણ છે. સારું થયું તમે મળી ગયાં. હવે જઈએ કે જેથી કાલ વે’લા પોરબંદર ભેળા થઈએ.” “હવે જવાય છે…” ડોશીએ કહ્યું, “તમે જાત્રા કરીને આવ્યા, ને મારે આંગણેથી એમ ને એમ જાવા દઉં તો મને પાપ લાગે. હાલો પાછા. જમી, રાત વિસામો લઈ, સવારે જાજો.” યાત્રાળુઓ માટે ડોશીને લાડુ કરવા હતા. પૂરતો લોટ હતો નહીં, તેથી દળવા બેઠાં. યાત્રાળુઓએ કહ્યું, “ખીચડી કરી નાખો — ખાધે હળવી.” ડોશીએ કહ્યું, “આજ આ ઘેર ખીચડી ન ખવાય.” “પણ તમે માંદા રહો છો; કાંઈક થાય તો કાળી ટીલી અમને લાગે.” “કાંઈ ન લાગે,” ડોશીએ કહ્યું. “ઊલટું મારાં એવાં પુન્ય ક્યાંથી કે તમે જાત્રા કરીને આવો છો ત્યાં તમારે ખભે ચડીને જાઉં?” ઘંટીનો અવાજ સાંભળી પાડોશણ આવી; કહ્યું : “મા, મારે ઘેરથી લોટ લાવી છું. અત્યારે થાક્યાંપાક્યાં દળવું રહેવા દો.” ડોશીએ કહ્યું, “મારે ઘેર ચારધામના જાત્રાળુ ક્યાંથી? ને હું હવે કેટલા દી? મારા મોરાર માટે મને આજ તો પુન્ય રળવા દો.” “લાવો, હું દળું,” પાડોશણે કહ્યું. “તું દળે તો મને શાનું પુન્ય મળે?” ત્યારે પાડોશણે કહ્યું, “મને તમે પછી દળીને લોટ આપજો; પણ અત્યારે તો આ મારો લોટ રાખો.” ડોશીએ ના કહી; કહ્યું, “નવા ઘઉંના લાડુ ખવરાવું, તો મારા જીવને શાતા રહે.” ને ડોશીએ સામટા ઘઉં દળ્યા. બાટી કરી. જાતે ખાંડી લાડુ વાળ્યા ને તાણ કરી કરી ખવરાવ્યા. યાત્રાળુઓ પાસે બેસી ડોશીએ ચારધામની યાત્રાની વાતો સાંભળી. સહુને પગે લાગ્યાં. રાતે સહુ સૂતાં ને અચાનક ડોશીને છાતીમાં દુખવા આવ્યું. બધા જાગીને ઉપચાર કરે તે પહેલાં તો ડોશી ગુજરી ગયાં. યાત્રાળુઓએ ડોશીની અંતિમક્રિયા કરી. સ્મશાનેથી સહુ પાછા આવ્યા ને જોયું તો ઓસરીની થાંભલીને બથ ભરીને છોકરો મોરાર છાતીફાટ રોતો હતો. પાડોશણ બાઈ તેને છાનો રાખવા મહેનત કરતી હતી, તેમ તેમ છોકરાનું રુદન બેવડાતું હતું. આ જોઈ યાત્રાળુઓમાંથી એકે કહ્યું, “આપણે તો જશું, પણ આ છોકરાનું શું? એનું કોણ?” પ્રશ્ન સાંભળીને હાટીના માળિયાવાળા શાસ્ત્રી ધનેશ્વર ડેલીની બહાર નીકળ્યા. સ્મશાનેથી આવી હજી ધોતિયું બદલ્યું ન હતું. શાસ્ત્રીએ પાડોશીને ઘરે જઈ કહ્યું, “કોઈ બહેન કંકાવટી લઈને આવો ને!” પાડોશીને નવાઈ લાગી. પણ તેણે છોકરીને કંકાવટી લઈને મોકલી. ધનેશ્વરે ઓરડામાંથી બાજોઠ મગાવી, ઓસરીમાં ઢાળી, પાંચ-સાત વર્ષના મોરારને પાણી પાઈ બાજોઠે બેસાડયો. બીજાઓ પૂછવા લાગ્યા કે, આ શું થાય છે? ત્યાં ધનેશ્વરે પાડોશણ બાઈને હાથે મોરારના કપાળે ચાંદલો કરાવ્યો ને કહ્યું : “મારી નંદા નામની એકની એક છોકરી આ છોકરાને …..છોકરા, તારું નામ શું?” “મોરાર.” પાડોશણે કહ્યું ને છોકરાએ તે ફરી ઉચ્ચાર્યું. ધનેશ્વરે કહ્યું, “મારી છોકરી નંદા આ છોકરા મોરારજીને આપી, ને જેશંકર વ્યાસને ખોળે બેસાડી.” એ જ વખતે ગોળધાણા મંગાવી વહેંચાવ્યા. બાળક મોરારને ધનેશ્વર પોતાની સાથે લઈ ગયા. શાસ્ત્રી ધનેશ્વરે છોકરાને પોતાને ત્યાં રાખ્યો, ભણાવ્યો ને પરણાવી પાછો લીંબુડે સ્થિર કર્યો ત્યાં સુધી લીંબુડાના ઘરખેતરનીયે સંભાળ લીધી.