સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/લોકનાયક લિંકન
૧૮૦૯ની સાલમાં અમેરિકાના પશ્ચિમ પ્રદેશના એક પરગણાના નોલીન ક્રીક નામના સ્થળે, ૧૪ ફૂટ લાંબી-પહોળી ઝૂંપડીમાં એબ્રહેમ લિંકનનો જન્મ થયો હતો. તે વખતે આ પ્રદેશ પૂર્વના કરતાં ઓછો વિકસ્યો હતો. ત્યાં હજી બધે ગીચ જંગલ હતું. વધારે આબાદ થયેલા પૂર્વ પ્રદેશમાં જે લોકો જીવનસંગ્રામમાં નાસીપાસ થાય અથવા ગુલામો ખરીદીને રાખી ન શકે, તેવા લોકો જંગલના આ પશ્ચિમ પ્રદેશમાં આવીને વસતા. તેઓ ઝાડઝાંખરાં કાપી નાખી, જંગલ સાફ કરી, ઝૂંપડાં બાંધીને વસતા અને સાફ કરેલી જમીનમાં મકાઈ તથા બટાટા પકવી કે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા. આમ નવી બનતી વસાહતમાં હજી વ્યવસ્થિત સમાજ સ્થપાયો નહોતો. સૌ લોકો સખત મહેનત કરી જીવન જીવતા હતા. ભૂમિતલ તેમની શય્યા હતી. ઓઢવા— પહેરવા માટે શિકાર કરેલાં પશુનાં ચામડાં, રાંધવા-ખાવા માટે થોડાં માટીનાં વાસણો, અને થોડાં ખેતીનાં ઓજારો, એ તેમની ઘરવખરી હતી. વળી તેઓનું જીવન સ્થાયી પણ ન હતું. એક જગ્યાએ ન ફાવે, તો બીજી અનુકૂળ જગ્યાએ તેઓ સ્થાનાંતર કર્યા કરતા. પાંચ-છ ઝૂંપડાંથી વધારે વસ્તી કોઈ સ્થળે ભાગ્યે જ જોવા મળતી. આવા નવા વસતા જતા અરણ્ય-પ્રદેશમાં એબ્રહેમ લિંકને પોતાની જિંદગીનાં પહેલાં સત્તર વર્ષ વિતાવ્યાં. એબ્રહેમ લિંકનના પિતાનું નામ ટોમસ અને માતાનું નામ નાન્સી હતું. ટોમસ નિરક્ષર, તરંગી અને ભોળા સ્વભાવનો હતો. નાન્સી ભણેલીગણેલી અને મૃદુ તથા પ્રેમાળ સ્વભાવની હતી. ટોમસ પહેલાં સુતારીનો ધંધો કરતો હતો અને પછીથી તેણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું. એબ્રહેમ લિંકનને બધાં એબ કહીને બોલાવતાં. એબને સારાહ નામે મોટી બહેન હતી. એબ્રહેમ લિંકનના જીવન-ઘડતરમાં તેની માતાએ સારો ફાળો આપ્યો છે. માતા બાળકોને ‘બાઇબલ’ વાંચી સંભળાવતી. એબને માતાએ જ કક્કો શીખવ્યો હતો. એબ પણ પોતાની જેમ વાંચતો-લખતો થાય, એવી તેને હોંશ હતી. તે સમયમાં ભણવા માટે શાળાની કશી વ્યવસ્થા ન હતી. પરંતુ એબને કેળવણી મળે તે માટે તેની મા બધા પ્રયત્ન કરતી. બાજુના ગામમાં કોઈ શિક્ષક શાળા શરૂ કરે, તો એબને એ ત્યાં ભણવા મોકલતી. એબ પણ ખૂબ ચીવટ રાખીને વિદ્યાભ્યાસ કરતો. ટોમસ એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ ફેરવ્યા કરતો હતો, તેથી એબને તૂટક તૂટક કેળવણી મળી હતી. સત્તર વર્ષની ઉંમર સુધીમાં એબને ત્રણ જ વખત નિશાળનો લાભ મળેલો.
ઉંમર વધતી ગઈ તેમ એબની જિજ્ઞાસા તથા વાચનનો શોખ ઉત્તરોત્તર વધતાં જ ગયાં. જે કોઈ ચોપડી તેના હાથમાં આવે તેને તે વાંચી નાખતો. નાનપણમાં જ ‘બાઇબલ’, ‘રોબિન્સન ક્રૂઝો’, ‘પ્રિલગ્રિમ્સ પ્રોગ્રેસ’, ‘ઈસપની વાતો’ વગેરે અનેક પુસ્તકો તેણે વાંચી નાખ્યાં હતાં. એક દિવસ તેને ખબર પડી કે, દૂરની વસાહતમાં એક માણસ પાસે સ્વાતંત્રયવીર જોર્જ વોશિંગ્ટનનું ચરિત્ર છે. લાગલો તે તેની પાસે પહોંચ્યો અને પુસ્તક માગી લાવ્યો. એક રાતે તાપણીના પ્રકાશમાં વાંચીને પુસ્તક છાપરાની ફાટમાં ભરાવી તે સૂઈ ગયો. રાતે વરસાદ પડ્યો અને તે પુસ્તક પલળી ગયું. તરત જ એ પુસ્તક લઈને તે એના માલિક પાસે પહોંચ્યો અને ચોપડીને થયેલા નુકસાનની વાત કરી. માલિકે ત્રણ દિવસની મજૂરીની માગણી કરી. એબને નુકસાનીનું આ વળતર વધારે લાગ્યું. તેણે પૂછ્યું : “ત્રણ દિવસની મજૂરી માત્ર નુકસાની પેટે કે આખા પુસ્તક પેટે?” માલિકે જણાવ્યું કે, “ત્રણ દિવસની મજૂરી કરો, એટલે એ પુસ્તક તમારું.” તેને ત્યાં ત્રણ દિવસની મજૂરી કરી એબે એ પુસ્તક પોતાનું કર્યું.
નાનપણમાં એબ તેના પિતા સાથે લાકડાં કાપવાનું પણ કામ કરતો. સાત વરસના એબને તેના પિતાએ કુહાડીની દીક્ષા આપી હતી તે દિવસથી માંડીને તેવીસમા વરસ સુધી તેણે કુહાડીનો ઉપયોગ કર્યો હતો. ખેતરમાં કામ ન હોય અથવા પિતા શિકારે જાય ત્યારે બળતણ આણવું, નજીકના ઝરામાંથી પાણી ભરી લાવવું, ગાયને ઘાસ નીરવું વગેરે ઘરકામમાં એબ માતાને મદદ કરતો. એબ દશ વર્ષનો પણ ન થયો ત્યાં તો મરકી ફાટી નીકળી, તેમાં તેની માતા નાન્સી ઝડપાઈ ને નાનાં બાળકોને માવિહોણાં મૂકી ચાલી ગઈ. આમ માતા જવાથી એબનું જીવન હંમેશ માટે એકલવાયું અને વિષાદમય બની ગયું. એની અસર લિંકનના ચહેરા પર કાયમની થઈ. મુખ પર કરુણાભર્યો વિષાદ અને આંખોમાં દયામય ખેદ લિંકનના મુખનાં ખાસ લક્ષણો ગણાય છે. જીવનભર અનેક વિરોધીઓના વિરોધ તથા વેરીઓનાં વેર તે લક્ષણોએ શમાવ્યાં અને અસંખ્ય દુઃખ મિટાવ્યાં. લિંકનના જીવન પર તેની માતાની ચિરસ્થાયી અસર પડી હતી. પોતાની માતા વિષે તે હંમેશાં કહેતા : “હું જે કંઈ છું અને હજી પણ થવાની આકાંક્ષા રાખું છું, તે બધું મારી માતાને જ આભારી છે.” માવિહોણાં બાળકોને એકલાં અટૂલાં જોઈને ટોમસે બીજી વાર લગ્ન કરવાનો વિચાર કર્યો. તે સેલી નામની બાઈ સાથે પરણ્યો. સેલીએ નાન્સીનાં નમાયાં બાળકોને પ્રેમથી પોતાનાં કરી લીધાં અને પેટનાં છોકરાંની જેમ ઉછેર્યાં. એબને તેના પ્રત્યે ભારે મમતા બંધાઈ અને તે તેના જીવન પર્યંત ટકી. એબને ભણતરનો શોખ હતો એ સેલી જોઈ ગઈ અને તેના એ શોખને તેણે ઉત્તેજન આપ્યું. સત્તર વરસની ઉંમરે એબ છ ફૂટ ચાર ઈંચ ઊંચો જુવાન થયો હતો. તેના પિતા હવે તેને મજૂરીએ મોકલવા લાગ્યા. લાકડાં ચીરવામાં તે એવો કુશળ હતો કે, એ કામ માટે ઠેર ઠેરથી એની માંગણી આવતી. કામ કરતાં કરતાં તે પોતાના સાથીઓને તરેહ તરેહની બોધક વાર્તાઓ, દૃષ્ટાંતો અને રમૂજી ટુચકાઓ કહેતો. કામકાજમાં તેની પ્રમાણિકતા અને નિર્મળ ચારિત્રય આસપાસ બધે કહેવતરૂપ થઈ ગયાં હતાં.
એક દિવસ, પાસેની અદાલતમાં ખૂનના કોઈ આરોપીનો બચાવ કરવાને અમેરિકાના એક નામાંકિત વકીલ આવેલા છે એવું જાણીને તે કેસ સાંભળવા એબ ગયો. વકીલનું ભાષણ સાંભળીને તે છક થઈ ગયો. તેને પણ બોલવાની કળા ખીલવવાનું મન થયું. એટલે તે વારંવાર જંગલમાં જઈ વૃક્ષો સમક્ષ વ્યાખ્યાન આપી વક્તૃત્વના પાઠો લેવા લાગ્યો. તેણે યુનાઇટેડ સ્ટેટ્સનું રાજ્યબંધારણ તથા સ્વતંત્રતાના જાહેરનામાનો પરિચય કર્યો. પરંતુ હજી તેની દુનિયા પોતાના પરગણાની નાની વસાહતને ઓળંગીને આગળ ગઈ નહોતી. એવામાં વિશાળ દુનિયાનો અનુભવ મેળવવાની તેને એક અણધારી તક સાંપડી. એક વેપારીએ એબ્રહેમને પોતાનો માલ હોડીમાં ભરીને દક્ષિણમાં આવેલા ન્યૂ ઓર્લીઅન્સ ગામ લઈ જવા નોતર્યો. આ તેના જીવનની યાદગાર મુસાફરી બની ગઈ. આ મુસાફરી વેળાએ પહેલી વાર તેને હબસી ગુલામીનાં દર્શન થયાં. સ્ટીમરોમાં લોઢાની સાંકળથી જકડાયેલા ગુલામો રૂપી સજીવ માલ તેણે જોયો. વિશાળ ખેતરોમાં કામ કરતાં હજારો ગુલામોનાં ઝુંડ તેના જોવામાં આવ્યાં. અને ન્યૂ ઓર્લીઅન્સના ગુલામોના બજારે તો તેના મર્મ ઉપર કારી ઘા કર્યો. ગુલામ સ્ત્રી-પુરુષોને બળજબરીથી હંમેશ માટે તેમના કુટુંબથી વિખૂટાં પાડી દૂર દૂરના પ્રદેશમાં વેચી દેવાતાં જોઈ તે સમસમી ગયો. આ અનુભવે તેના મનમાં ગુલામીની પ્રથા માટે તિરસ્કાર પેદા કર્યો.
આ ગુલામીની પ્રથા અમેરિકામાં શી રીતે શરૂ થઈ, એ જાણવા જેવી હકીકત છે. સ્વમાન, સ્વતંત્રતા અને સ્વધર્મ ખાતર માતૃભૂમિ સહિત સર્વસ્વનો ત્યાગ કરી, અનેક જોખમો અને સંકટોનો સામનો કરી, યુરોપના ધર્મવીરોએ અમેરિકાના વિરાટ ભૂખંડનો આશરો લીધો. યુરોપના આ ધર્મનિષ્ઠ વસાહતીઓએ અમેરિકાની ભૂમિ ઉપર પગ મૂક્યો ત્યારે તેમની એક બાજુએ મહાસાગર અને બીજી બાજુએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરેલું અરણ્ય હતું. અરણ્ય હિંસક પશુઓથી ભરપૂર હતું. આ જંગલોને કાપી કાપીને ત્યાં વસાહતીઓએ ખેતી કરવા માંડી. નવી ભૂમિએ ધાન્યની રેલમછેલ કરી મૂકી. પરંતુ લોભને કંઈ થોભ છે? અમેરિકાવાસીઓને ધનનો લોભ વળગ્યો. આવી ફળદ્રુપ જમીનમાં કપાસ અને તમાકુ જેવા કમાઉ પાકો વિશાળ પાયા ઉપર કરવા તેઓ વિચારવા લાગ્યા. પરંતુ જમીનના વિસ્તારના પ્રમાણમાં તેમની વસ્તી બહુ ઓછી હતી. તેઓએ પ્રથમ ‘રેડ ઇન્ડિયનો’ને (અમેરિકન આદિવાસીઓને) પકડીને તેમની પાસેથી મજૂરીનું કામ લેવા ધાર્યું. પરંતુ એમાં તેઓ ફાવ્યા નહિ. એટલે તેઓએ ઇંગ્લેંડના કેદીઓને અને યુરોપભરમાંથી મજૂરીનો કરાર કરી ગિરમીટિયા મજૂરો લાવીને કામ લેવાનો પ્રયોગ કર્યો. એમાં પણ તેઓ સફળ થયા નહિ. આ પછી તેઓની એઠી નજર આફ્રિકાના ગરીબ હબસીઓ પર પડી. આ કાર્યમાં ઇંગ્લેંડના ધનલોલુપ વેપારીઓએ તેમને મદદ કરી. એ વેપારીઓ આ અબોધ હબસીઓને ભોળવી, ફોસલાવી, અનેક પ્રકારની લાલચો આપી, વહાણમાં ખડકીને અમેરિકા રવાના કરવા લાગ્યા. પછી તો જોરજુલમ અને બળજબરીથી પણ તેમને પકડવા લાગ્યા. આ રીતે, પોતાની સ્વતંત્રતા ખાતર તથા ધર્મના રક્ષણ ખાતર અમેરિકા આવી વસનારા ધર્મનિષ્ઠ લોકોએ, પોતાની અર્થેષણાને વશ થઈ આફ્રિકાની એક ગરીબ, અજ્ઞાન અને રાંકડી પ્રજાનો શિકાર કરવા માંડ્યો અને લોહીનો વેપાર શરૂ કર્યો.
એબ્રહેમ લિંકન જ્યારે ફરીને ન્યૂ ઑર્લીઅન્સ ગયો ત્યારે ત્યાં તે એકાદ માસ રોકાયો. આ વસવાટ દરમિયાન તેને ગુલામીની પ્રથાનો વધારે ઊંડો અને ભીષણ અનુભવ થયો. ગુલામોના હાટ આગળ સંખ્યાબંધ અર્ધનગ્ન સ્ત્રી અને પુરુષ ગુલામોનું કરુણ દૃશ્ય તેણે જોયું. બેહાલ ગુલામ યુવાન સ્ત્રીઓ પ્રત્યે લંપટ વેપારીઓને ગેરવર્તન કરતા જોઈને એબ્રહેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તે ત્યાંથી ખિન્ન બની પાછો ફર્યો. પરંતુ પાછા ફરતાં લિંકને આ પ્રથાનો સદંતર નાશ કરવાનો સંકલ્પ કર્યો. જીવનમાં કેટલીય તડકીછાંયડીમાંથી પસાર થતાં થતાં એબ્રહેમ લિંકન ૧૮૪૬માં ઇલનોય રાજ્યની ધારાસભામાં ચૂંટાયા. તે વખતે ઉત્તર અને દક્ષિણનાં સંસ્થાનો વચ્ચે ગુલામીની પ્રથા અંગે કટોકટીનો મામલો રચાયો હતો. અમેરિકાનું સંયુક્ત રાજ્ય સ્થપાયું ત્યારે વૉશિંગ્ટન અને જેફરસન જેવા રાષ્ટ્રનાયકોએ ગુલામીની અમાનુષી પ્રથાને દૂર કરવા અથાગ પ્રયત્ન કર્યો હતો. પરંતુ દક્ષિણનાં છ સંસ્થાનોએ જરાયે મચક આપી ન હતી. આગળ જતાં ઉત્તરનાં સંસ્થાનો ગુલામી પ્રથા નાબૂદ કરવાની તરફેણમાં મક્કમ થવા લાગ્યાં, અને તેમ તેમ દક્ષિણનાં સંસ્થાનો ગુલામી પ્રથા જારી રાખવા વધારે કટિબદ્ધ થવા લાગ્યાં. આમ ચાલતાં ચાલતાં, લિંકનના સમય સુધીમાં દેશભરમાં ગુલામી વિરુદ્ધ ચળવળ જોરશોરથી ચાલુ થઈ હતી. તેની અસર ઇલનોયની ધારાસભા ઉપર પણ પડી. ઇલનોય દક્ષિણનાં સંસ્થાનોની સરહદ પર આવેલું હોવાથી ત્યાંની ધારાસભાએ ગુલામીની પ્રથાનું સમર્થન કરતો ઠરાવ મોટી બહુમતીથી પસાર કર્યો. લિંકન જાણતા હતા કે તેની તરફેણમાં ખાસ કોઈ નથી, છતાં એ ઠરાવનો એણે સખત વિરોધ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે આગામી ચૂંટણી વખતે તેણે ધારાસભામાંની પોતાની બેઠક ગુમાવી. પરંતુ દેશભરમાં ગુલામી પ્રથા બંધ કરવાનું આંદોલન ઉગ્ર સ્વરૂપ પકડતું ગયું, એ દરમિયાન એવા અવનવા બનાવો બન્યા કે જેથી એક છેડેથી બીજા છેડા સુધી આખો દેશ ખળભળી ઊઠ્યો ને સંયુક્ત રાજ્યની એકતા જોખમમાં આવી પડી. રાષ્ટ્રના બે ભાગલા પડી જવાની દહેશત જાગી. આ કટોકટીની ઘડીએ લિંકનને તેના જીવનકાર્યની દિશા જડી ગઈ અને પોતાના દેશને વિનાશના માર્ગે જતો રોકવા તેણે અથાગ પરિશ્રમ શરૂ કર્યો. છેવટે સેવાભાવી સત્યવક્તા વીર લિંકનના ગુણોથી આકર્ષાઈ મતદારોએ ૧૮૬૦માં મોટી બહુમતીથી તેને રાષ્ટ્રના પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. આવા વિષમ કાળમાં પ્રમુખ થવું એ શિરનું સાટું કરવા બરાબર હતું. દક્ષિણનાં સંસ્થાનો ખૂબ ઉશ્કેરાયેલાં હતાં. તેઓ સાથે સમાધાન કરવા અને આંતરવિગ્રહ અટકાવવા લિંકને તનતોડ પ્રયત્નો આદર્યા. પરંતુ તેણે લંબાવેલો મૈત્રીનો હાથ દક્ષિણના લોકોએ તિરસ્કારથી તરછોડયો. લિંકનની ચૂંટણી પછી થોડા જ વખતમાં દક્ષિણનાં છ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં. લિંકનની મુસીબતો વધતી જ ગઈ છતાં તેણે ખૂબ ધીરજ અને સ્વસ્થતા જાળવીને કામ લેવા માંડયું. પરંતુ સુલેહના તેના ભગીરથ પ્રયત્નો આખરે નિષ્ફળ નીવડયા અને લાંબા કાળ સુધી ઘુમાયા પછી ગુલામીના સવાલમાંથી જ આંતરવિગ્રહનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. એની જ્વાળાએ આખા સંયુક્ત રાજ્યને આવરી લીધું અને લાખો અમેરિકનોનો ભોગ લીધો.
લિંકન જેવા માનવ-પ્રેમી અને પ્રજાતંત્રવાદીને માટે આંતરવિગ્રહનો આ ગૃહક્લેશ આકરામાં આકરી કસોટી સમાન હતો. એ કારમી કસોટીમાંથી રાષ્ટ્રને હેમખેમ ઉગારી લેવાને માટે તેણે આકાશપાતાળ એક કર્યાં. એ યુદ્ધ દરમિયાન તેણે પોતાની સહિષ્ણુતા, ક્ષમાશીલતા, બંધુતા, ધૈર્ય અને પ્રેમળતાનો પારાવાર પરિચય કરાવ્યો. આરંભમાં જ ઉપરાઉપરી મળતા પરાભવથી કેટલી યે વાર પ્રજાની ધીરજ ખૂટી જતી; આખી પ્રજા હતાશ થઈ જતી અને સર્વત્ર વિનાશ ને સૂનકાર દૃષ્ટિગોચર થતાં હતાં; ત્યારે પણ લિંકન વિરલ ઉત્સાહ અને સમતા દાખવી અડગ રહેતા અને પ્રજામાં ધીરજ, હિંમત અને વિશ્વાસનો સંચાર કરતા. છેવટે આખી પ્રજા તેના નેતૃત્વ નીચે વિજય પામી. પરંતુ એ કાળની સતત ચિંતા અને અસહ્ય જવાબદારીએ એનું ખડતલ શરીર પણ ઘસી નાખ્યું. યુદ્ધનાં ચાર વરસમાં તે વૃદ્ધ જેવા થઈ ગયા. એની નિર્મળ અને કરુણાપૂર્ણ આંખો ઊંડી ઊતરી ગઈ; એના ચહેરા ઉપરની વિષાદની રેખાઓ ઘેરી બની; અને એનું બાલોચિત મુક્ત હાસ્ય મંદ પડ્યું. આંતરયુદ્ધના છેવટના તબક્કામાં હવે તેના વિચારો ગુલામોની મુક્તિ તરફ વળ્યા. ગુલામી ભારે પાપ હોવા ઉપરાંત સાચા પ્રજાતંત્રાની પણ વિઘાતક છે, એવી લિંકનની દૃઢ માન્યતા હતી. એ વિષે તે કહે છે : “હું ગુલામ ન થાઉં, તે જ રીતે હું માલિક પણ ન બનું : એ સૂત્ર પ્રજાતંત્રની મારી કલ્પના વ્યક્ત કરે છે. જે તંત્ર એનાથી જુદું પડે છે, તે તેટલા પૂરતું પ્રજાતંત્ર નથી.” આ મુજબ, યુદ્ધ પૂરું થતાં પહેલાં જ એક જાહેરનામું બહાર પાડી તેમણે સંયુક્ત રાજ્યના ગુલામોને મુક્ત કર્યા. છેવટે ૧૮૬૫ના જુલાઈમાં આ ભીષણ આંતરવિગ્રહનો અંત આવ્યો. આથી દેશભરમાં ભારે આનંદ પ્રવર્તી રહ્યો. એ ખૂનામરકી અટકવાથી લિંકનના હૃદયનો ભાર હળવો થયો અને તે ભાવિના સુખી દિવસોનાં સ્વપ્નાં સેવવા લાગ્યા. એ વિષે તેણે પોતાની પત્નીને કહ્યું હતું : “પાટનગર વોશિંગ્ટન આવ્યાં ત્યારથી આપણા દિવસો બહુ કપરા ગયા છે. પણ હવે યુદ્ધ પૂરું થયું છે, અને ઈશ્વરેચ્છાથી બાકીનાં વરસ સુખ ને શાંતિથી ગાળવાની આશા આપણે રાખીએ.” પરંતુ લિંકનનું એ સ્વપ્ન પૂર્ણ ન થયું. વિજયના હર્ષમાં વોશિંગ્ટનમાં રંગરાગ ચાલી રહ્યા હતા. તેમાં ભાગ લેવાને એક દિવસ પ્રમુખ માટે પણ નાટક જોવાનો કાર્યક્રમ યોજાયો. લિંકન અને તેનાં પત્ની ૧૪ જુલાઈની રાત્રે થિયેટરમાં તેમને માટે ખાસ મુકરર કરેલી જગ્યાએ બેસીને નાટક જોઈ રહ્યાં હતાં. એવામાં દશ વાગ્યાને સુમારે પાછળથી પિસ્તોલનો ભડાકો થયો. બૂથ નામના દક્ષિણના એક ઝનૂની માણસે લિંકનનો ઘાત કરવા એ ગોળી તેના ઉપર છોડી હતી. ગોળી મગજમાં પેસી ગઈ હતી. સારવાર માટે અનેક નિષ્ણાત દાક્તરો દોડી આવ્યા. પણ તેમના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડયા અને જુલાઈની ૧૫મી તારીખે સવારે લિંકને દેહ છોડયો. આ કરુણ અને દુઃખદ પ્રસંગના સમાચારથી, કાળાગોરા કે ઉત્તર-દક્ષિણના કશાયે ભેદભાવ વિના, આખું અમેરિકા શોકસાગરમાં ડૂબી ગયું. એબ્રહેમ લિંકનના મરણથી અમેરિકાએ પોતાનો પનોતો પુત્ર ખોયો, હબસીઓએ પોતાનો તારણહાર ખોયો અને જગતે એક સત્યકામ, સત્યસંકલ્પ અને સત્યનિષ્ઠ મહાપુરુષ ખોયો.