સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળશંકર પ્રા. ભટ્ટ/પંડિતા રમાબાઈ
દક્ષિણ કર્ણાટકના એક ગામડામાં ૧૮૫૮માં જન્મેલી રમા નાની હતી ત્યારે પિતા અનંતશાસ્ત્રી અને માતાની સાથે તીર્થયાત્રામાં જોડાવાનું તેના ભાગ્યમાં આવ્યું. જોડે એક ભાઈ ને બીજી બહેન. જે ગામે આવે ત્યાં પિતા વિદ્વાનો સાથે વાદવિવાદ કરે ને પછી આગળ જાય. પંદરેક વર્ષ ચાલેલી આ યાત્રા દરમિયાન રમા બધી ચર્ચાઓ ધ્યાન દઈને સાંભળતી રહી. મોટા ભાઈને પિતા સંધ્યા શીખવતા, તેના બધા મંત્રો રમા પણ સાથે સાથે બોલતી જતી. ૧૮૭૬-૭૭માં દક્ષિણમાં ભારે દુકાળ પડયો ત્યારે પિતાએ તેમની બધી મિલકત દાનમાં આપી દીધી. ભીખ માગવી પડે એવો વખત આવ્યો. બધાં જંગલમાં ગયાં ત્યાં પિતાએ સંન્યાસ લીધો. બાકીનાંને જળસમાધિ લેવાનો વિચાર આવ્યો, પણ તે છોડીને આગળ ચાલ્યાં. વાટમાં પહેલાં પિતાનો, પછી માતાનો ને છેવટે બીજી બહેનનો પણ દેહ પડયો. બાકી રહેલ ભાઈ અને રમા કાશ્મીરથી બંગાળ સુધી ખૂબ રખડયાં. જેમતેમ જીવન ટકાવ્યું. તીર્થક્ષેત્રોમાં સંન્યાસીઓથી માંડીને લૂંટારા સુધીના ભાતભાતના લોકોના સંપર્કમાં આવ્યાં. અંતે કલકત્તા પહોંચ્યાં ત્યાં જાણે કે માનવસમાજમાં પાછાં ફર્યાં. માત્ર શરીર પરનાં વસ્ત્રો સાથે આવેલી આ વીસ વરસની તેજસ્વી તરુણીએ કલકત્તાના એક મંદિરમાં સંસ્કૃત ભાષાના પોતાના જ્ઞાનની ઝાંખી કરાવી. ભાઈ— બહેન ભૂખમરાથી કૃશ થયેલાં હતાં, પણ જ્ઞાન અને સંસ્કારિતાનું તેજ તેમનાં મુખ પર દેખાતું હતું. કલકત્તામાં વાત ફેલાઈ કે બાઈ તો સરસ્વતીના અવતાર જેવી છે. ઠેકઠેકાણે સભાઓમાં પ્રવચન આપવાનાં નિમંત્રાણ મળવા લાગ્યાં. દરમિયાન ભાઈનું પણ અવસાન થયું. હવે રમાબાઈ એકલાં રહ્યાં. બિપિનબિહારી દાસ નામના યુવાને માગણી મૂકી અને બંને લગ્નગ્રંથિથી જોડાયાં. પણ પતિ હરિજન હોવાથી લોકોમાં રમાબાઈની નિંદા ચાલી. બાળપણથી ધર્મપાલન કરતી આવેલી આ સ્ત્રી હવે હિંદુ ધર્મ વિશે સાશંક બનતી જતી હતી. પુત્રી મનોરમાના જન્મ પછી પતિ કોગળિયામાં મૃત્યુ પામ્યા. દેશમુખ અને રાનડે જેવા અગ્રણીઓએ રમાબાઈને મહારાષ્ટ્રમાં આવીને કામ કરવા આગ્રહ કર્યો. ૧૮૮૨માં પુણે આવીને એમણે સ્ત્રીજાગૃતિનું કાર્ય ઉપાડ્યું. ‘આર્ય મહિલા સમાજ’ નામની સંસ્થા ઊભી કરી. પછીને વરસે રમાબાઈએ લોર્ડ હંટર સમક્ષ મરાઠીમાં વિવાદ ચલાવ્યો. એમની દલીલોથી પ્રભાવિત થયેલા હંટર ઇંગ્લંડ પાછા ફર્યા ત્યારે વિવાદનું અંગ્રેજી ભાષાંતર રાણી વિક્ટોરિયાને વાંચી સંભળાવ્યું. રાણી રીઝ્યાં. માતા-પુત્રી ઇંગ્લંડ ગયાં. ત્યાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. ત્યાંની કૉલેજમાં નોકરી કરતાં અંગ્રેજી શીખી ગયાં. અમેરિકાથી આમંત્રાણ મળતાં ત્યાં ગયાં. ખૂબ માન મળ્યું. અંતે ભારત પાછાં ફરી મુંબઈમાં વિધવાઓને સહાય કરવા ‘શારદા સદન’ની સ્થાપના કરી. લોકોના વિરોધ વચ્ચે પણ, જીવ્યાં ત્યાં લગી સંગીન કામ કરતાં રહ્યાં. [‘વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ-કોશ’ પુસ્તક]