સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળશંકર પ્રા. ભટ્ટ/સંસ્કારઘડવૈયો અંગ્રેજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


થિયોડોર હોપનું નામ જેની સાથે સંકળાયેલું છે તે ‘હોપ વાચનમાળા’એ ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી છે. સરકારે ભારતના લોકોને શિક્ષણ અંગ્રેજીમાં આપવું કે માતૃભાષામાં એ સવાલ ૧૯મી સદીમાં ચર્ચાતો હતો, ત્યારે મુંબઈના ગવર્નર સર માલ્કમે શિક્ષણ માતૃભાષામાં જ આપવાની વાત મક્કમતાપૂર્વક રજૂ કરી હતી. પરિણામે માતૃભાષામાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનું કામ ઉપાડવામાં આવ્યું. ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાનું કામ પણ મરાઠી શાસ્ત્રીઓને સોંપવામાં આવ્યું, તેથી તેની ભાષા મરાઠી વ્યાકરણ મુજબની રહી. ત્યારે મહીપતરામ રૂપરામે તેને વિશે જબરો અસંતોષ વ્યક્ત કરેલો. ત્યારબાદ સરકારના કેળવણી નિરીક્ષક થિયોડોર હોપને ગુજરાતી પાઠયપુસ્તકો નવેસર તૈયાર કરવાનું કામ સોંપાયું. તેમણે મરાઠી પરથી અનુવાદ કરવાને બદલે ગુજરાતીમાં જ સ્વતંત્રા વાચનમાળા તૈયાર કરાવી. પાઠોમાં તેમણે ગુજરાતી વાતાવરણ ઊભું કર્યું, જેથી બાળકોને પોતાના સમાજના રીતરિવાજ, આચાર, વ્યવહાર વગેરેનું જ્ઞાન મળી રહે. એ વાચનમાળાનો કવિતા વિભાગ કવિ દલપતરામની ખાસ મદદ માગીને તૈયાર કરાવવામાં આવ્યો. ૧૮૬૦માં પ્રથમ પ્રગટ થયેલી એ હોપ વાચનમાળાએ પૂરાં છેંતાલીસ વર્ષ સુધી ગુજરાતનાં બાળકોનું સંસ્કારઘડતર કર્યું. હિંદ સરકારે નીમેલી પાઠયપુસ્તક સુધારણા સમિતિએ તેનાં ખૂબ વખાણ કર્યાં અને સૂચવ્યું કે બીજા પ્રાંતોની ભાષાઓમાં પણ હોપ વાચનમાળાનો આદર્શ રાખીને કામ કરવું. ત્યાં સુધી નાગરી લિપિમાં છપાતી વાચનમાળાને ગુજરાતી લિપિમાં જ છાપવાનો આગ્રહ અંગ્રેજ અમલદાર હોપ સાહેબે રાખ્યો. તે કાળે પણ જોડણીમાં અવ્યવસ્થા ચાલતી હતી, તેમાં વ્યવસ્થા લાવવા સમિતિના સભ્યો સાથે મળીને એમણે જોડણીના નિયમો ઘડી કાઢયા. હોપ સાહેબની આવી સેવાઓના મીઠા સ્મરણરૂપે સુરતમાં તાપી નદી પરનો હોપ પુલ આજે પણ ઊભો છે. [‘વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ-કોશ’ પુસ્તક]