સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન પરીખ/કોઈ બેસતું કેમ નથી?
Jump to navigation
Jump to search
જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનોમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લૅટફૉર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી. સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડયો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. “કોઈ કેમ બેસતું નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, “જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં — કોઈ બીજાને મળવી જોઈએ. માટે સૌ ઊભા છે.” બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ. [‘મિલાપ’ માસિક : ૧૯૬૨]