સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન રાકેશ/“ક્યા આપકા હાફિજા દુરુસ્ત હૈ?”

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મારા પાડોશીઓની મારા પર એવી કૃપા છે કે મોડી રાતે સૂતાં સુધી અને સવારે ઊઠતાંવેંત ગીત-ભજનોથી માંડીને ગઝલો સુધીના સંગીત-પ્રકારો તથા સાથે સાથે ચા, તેલ અને માથાના દુઃખાવાની ટીકડીઓની જાહેરાતો મને સાંભળવા મળે છે. હવે તો આ જાહેરાતોનું મને એવું વ્યસન થઈ ગયું છે કે બીજે ક્યાંય પણ ગાલિબની ગઝલ, સૂરદાસનું ભજન કે એવું કોઈ મધુર ગીત સાંભળું છું કે તરત જ એની મેળે મારા મસ્તકમાં શબ્દો ગૂંજવા માંડે છે : “ક્યા આપકે સિરમેં દર્દ રહેતા હૈ? સિરદર્દસે છુટકારા પાઈયે! એક ગોલી લીજિયે — સિરદર્દ ગાયબ!” પરિણામ એ આવ્યું છે કે હવે મારે માટે એકેય ગઝલ, ગઝલ નથી રહી; કોઈ ગીત, ગીત નથી રહ્યું; ગીત, ગઝલ કે ભજન એ કોઈ ને કોઈ ચીજની જાહેરાતના રૂપમાં જ રહી ગયાં છે. પહેલાં બહુ જ મીઠી હલકમાં ‘રહના નહીં દેશ બિરાના હૈ’ની મધુર લય આવે, અને પછી તરત જ — “ક્યા આપકે શરીરમેં ખુજલી હોતી હૈ? ખુજલીકા નાશ કરને કે લિએ એક હી રામબાણ ઓષધિ હૈ…!”નો અવાજ ન સંભળાય તો કબીરના એ ભજનમાં મને કાંઈક ખૂટતું લાગે છે. અને ગીતો કે ગઝલોથી જ વાત અટકતી નથી. મને લાગે છે કે મારી ચારે બાજુ દરેક ચીજનું એક નવું જ મૂલ્ય હવે અંકાવા માંડયું છે, જે એના આજ સુધીના મૂલ્યથી સાવ જુદું છે. આથી તમામ ચીજોનું સ્વરૂપ જ મારે મન તો બદલાવા લાગ્યું છે. એવી એકેય ચીજ આજે મળવી મુશ્કેલ છે, જે એક નહીં તો બીજી રીતે પણ, બીજી એકાદ ચીજની જાહેરાત ન હોય! અજંતાનાં ચિત્રો અને ઇલોરાની મૂર્તિઓ પહેલાંના જમાનામાં કદાચ અનુપમ કલાનાં ઉદાહરણો ગણાતાં હશે, પણ આજે તો એ કલાને એક નવી સાર્થકતા મળી છે. ત્યાંની મૂર્તિઓનું કેશસૌંદર્ય આજે મને અચૂકપણે એક મશહૂર બનાવટના તેલની શીશીનું સ્મરણ કરાવે છે, એમની આંખો મને એક નામચીન ફાર્મસીની જાહેરાત સમી જ ભાસે છે, અને એની આખી દેહછટા તો મને એક તાલેવાન પેટ્રોલ-કંપનીની કલાભિરુચિની સાબિતી આપતી લાગે છે. દેશને ખૂણેખાંચરે જેટલાં મંદિરો આવેલાં છે, જેટલાં જૂનાં કિલ્લા-ખંડેરો ને સ્તંભ-સ્મારકો ઊભેલાં છે, એ બધાં છે એટલા માટે જ કે એથી લોકોની મુસાફરી કરવાની રુચિ જાગ્રત થાય, ‘ટુરિસ્ટ ટ્રેડ’ને પ્રોત્સાહન મળે, અને વિદેશોથી આવી આવીને પ્રવાસી લોકો એમની તસવીરો ખેંચે ને પોતપોતાની પ્રિયતમાઓને મોકલતા રહે! મીનાક્ષી કે રામેશ્વરમ્નાં મંદિર-શિખરો અને ખજુરાહોના કલા-ખંડો એક ખાસ જાતની સિમેંટની મજબૂતીને વ્યક્ત કરવાનાં પ્રતીક તરીકે ઉપયોગી નથી તો શેને માટે છે? કાશ્મીરની મનોહર પર્વતીય શોભા, ત્યાંની નવયુવતીઓનું ભાવસૌંદર્ય અને ત્યાંના કારીગરોની રાતદિવસની મહેનત — એ બધાં એ વાતની જાહેરાત કરવાનાં જ સાધન છે કે સીલબંધ ડબાઓમાં મળે છે તે સફેદ રંગનું ચોક્કસ મધ જ બધી જાતનાં મધોમાં ઉત્તમ છે! તો પ્રશાંત સાગરમાં ફેંકાનારા અણુ-બોંબ આપણને એ વાતની ચેતવણી આપે છે કે જ્યાં સુધી આપણે અમુક વીમા કંપનીની પૉલિસી નહીં લઈ લઈએ ત્યાં સુધી આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે કશ્મીર માટેનો ઝઘડો તો ખસૂસ એટલા માટે થઈ રહ્યો છે કે કાશ્મીરી સફરજનોનો મુરબ્બો બહુ સારો થાય છે — જે ફક્ત એક જ વિખ્યાત કંપની તૈયાર કરે છે…! વિધાતાએ આટલી ઝીણવટથી આ દુનિયા બનાવી છે અને મનુષ્યે વિજ્ઞાનની મદદથી જે ઉપગ્રહો ઉડાડયા છે, તે ફક્ત એટલા ખાતર જ કે જાહેરાત માટે યોગ્ય ભૂમિ તૈયાર થઈ શકે. ઉત્તરથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ખૂણો એવો નહીં બચ્યો હોય કે જેનો કોઈ ને કોઈ ચીજની જાહેરાત માટે ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. દરેક વસ્તુ, દરેક જગ્યા પોતાના સિવાયની હરકોઈ બીજી ચીજ કે જગ્યા માટે જાહેરાતનું સાધન બની શકે તેમ છે. એક કાપડની મિલની જાહેરાતમાં ઘઉંનાં ડૂંડાં આવે છે, જેથી એમ સમજવાનું છે કે નવા પાકના મળેલ પૈસાનો એક માત્ર ઉપયોગ છે — આ મિલનું કાપડ ખરીદવું તે. તો વળી ખુદ કાપડની મિલનો ઉપયોગ ડબલરોટીની બેકરીની જાહેરાત કરવામાં થાય છે, જેનો અર્થ એ કરવાનો કે મિલમાં કામ કરનારા એ ડબલરોટી ખાય પછી જ કામ પર જઈ શકે છે. અને આ બેકરીનો ઉપયોગ પાછો વોટરપ્રૂફ જોડાની જાહેરાતમાં થાય છે, કારણ કે જ્યાં સુધી વોટરપ્રૂફ જોડા નથી હોતા ત્યાં સુધી વરસતા વરસાદમાં માણસ ડબલરોટી જેવી મામૂલી ચીજ પણ નથી મેળવી શકતો. આમ કેટલીયે ચીજો એકબીજીની જાહેરાતના ખપમાં આવે તેમ છે. અત્તરની શીશીની જાહેરાતમાં ફૂલ ખપમાં આવે, તો ફૂલોની જાહેરખબર કરવામાં ખુશબોદાર સેન્ટની શીશી કામ લાગે. છાપું લેખકની જાહેરાત કરે, અને લેખક છાપાની જાહેરાત કરે. ટૂંકમાં, વાત આટલી જ છે કે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં રહીએ, પણ આ જાહેરાતોની પકડમાંથી બચી શકાવાનું નથી. ઘર બંધ કરીને બેસી જઈએ તો જાળિયામાંથી આ જાહેરાતો તરતી તરતી આવે છે : “ક્યા આજ આપને દાંત સાફ કિયે હૈં? સબેરે ઊઠતે હી સબસે પહલે ‘ક્લોરોફિલ’ વાલે ટુથપેસ્ટસે દાંત સાફ કીજિયે. યાદ રખિયે, અપને દાંતોંકો રોગોંસે બચાને કે લિએ યહી એક સાધન હૈ!” ઘેરથી બહાર નીકળીએ તો દરેક ચોરેચૌટે, સડકને થાંભલે થાંભલે જાહેરાતો — ‘ખતરેસે સાવધાન… ધોખેસે બચિયે…ઈસકે પઢનેસે બહુતોંકા ભલા હોગા’ વગેરે જોવા મળશે. છાપું હાથમાં લ્યો કે જાહેરાત જ પહેલાં વાંચવા મળે છે! બસમાં બેસો ત્યાં પણ સામે જાહેરાતનાં પાટિયાં! — ‘ક્યા આપકા દિલ કમજોર હૈ? ક્યા આપકા જિસ્મ ટૂટતા રહતા હૈ? ક્યા આપકે સિરકે બાલ ઝડતે રહતે હૈં? ક્યા આપકે ઘરમેં ઝઘડા રહતા હૈ?’ — જાણે આપણી વ્યક્તિગત જિંદગી યે આપણી પોતાની ન હોય, જીવન જીવવામાં યે જાણે આપણે આ જાહેરાત-દાતાઓની શિખામણ મુજબ ચાલવાનું હોય! જાહેરખબરની કળા જે ઝડપથી ઉન્નતિ કરી રહી છે તે જોતાં મને ભવિષ્ય માટે ભારે ચિંતા થાય છે. મને લાગે છે કે હવે એવો જમાનો આવશે જ્યારે કેળવણી, વિજ્ઞાન, સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેનો માત્ર જાહેરાત માટે જ ઉપયોગ રહેશે. એમ તો જોકે આજે પણ એમનો મોટા ભાગનો ઉપયોગ એ અર્થે જ થાય છે. ઘણીખરી કેળવણી-સંસ્થાઓ અમુક સાંપ્રદાયિક સંસ્થાઓની જાહેરાત માટે જ નથી શું? કેટલાંયે કલાકેન્દ્રો અમુક સ્વનામધન્ય લોકોની દાનવીરતાની જાહેરાત જ નથી શું? આપણી પેઢીના કેટલાયે લેખકોની રચનાઓ કોઈ શેઠિયાના સ્મારક-નિધિમાંથી પ્રકાશિત થઈને એ લાલાજી કે શેઠિયાના સ્વર્ગવાસી આત્માના સ્મારક તરીકેની પોતાની ફરજ અદા કરી રહી નથી? પણ આવનારા યુગમાં તો આ કળા આથી પણ બે ડગલાં વધુ આગળ જશે એમ લાગે છે. દરેક નવી શોધ કરનાર વૈજ્ઞાનિકનો હસતો ચહેરો ટેલિવિઝન-સેટ પર આવીને કંઈક આ મતલબનું નિવેદન કરશે : “મુઝે યહ કહતે હુએ હાર્દિક પ્રસન્નતા હૈ કિ મેરે પ્રયત્નકી સફલતાકા સારા શ્રેય રબડકે ટાયર બનાનેવાલી ઇસ કંપનીકો હૈ. ક્યોં કિ ઉન્હીં કે પ્રોત્સાહન ઔર પ્રેરણાસે મૈંને ઇસ દિશામેં કદમ બઢાયા થા.” વિષ્ણુના મંદિરમાં સંગેમરમરની સુંદર પ્રતિમા નીચે પટ્ટી ચોડી હશે : ‘યાદ રખિયે. ઇસ મૂર્તિ ઔર ઈસ ભવનકે નિર્માણકા શ્રેય લાલ હાથી કે નિશાનવાલે નિર્માતાઓંકો હૈ. વાસ્તુકલા સંબંધી અપની સભી આવશ્યકતાઓંકે લિએ લાલ હાથીકા નિશાન કભી મત ભૂલિયે.’ અને એવી એવી નવલકથાઓ હાથમાં આવ્યા કરશે કે જેના ચામડાના સુંદર પૂંઠાં પર એક બાજુ ઝીણા અક્ષરોમાં છાપ્યું હશે : ‘સાહિત્યમેં અભિરુચિ રખનેવાલોંકો ઇક્કા માર્કાસાબુન બનાનેવાલોંકી એક ઔર તુચ્છ ભેંટ.’ અને વાત વધતાં વધતાં ત્યાં સુધી વધી જશે કે જ્યારે કોઈ નવજુવાન વરરાજા ભારે હરખભેર પરણીને વહુલાડીને ઘેર લાવશે, અને મિલનની પ્રથમ રાત્રીએ પ્રિયતમાનો ઘૂંઘટ હળવેકથી દૂર કરીને એના રૂપની પ્રશંસામાં બે શબ્દ કહેવા જશે… ત્યાં તો દુલ્હન મધુર ભાવથી નજર ઊંચી કરીને હૃદયના લાડ-પ્યારના સઘળા ભાવ શબ્દોમાં પરોવીને કહેશે : “બતાઉં મૈં ઈતની સુંદર ક્યોં દિખાઈ દેતી હું? યહ ઈસ લિએ કિ મૈં પ્રતિ પ્રાતઃ ઉઠકર નૌસો ઇકાનવે નંબર કે સાબુનસે નહાતી હૂં. કલસે આપ ભી ઘરમેં નૌસો ઇકાનવે નંબરકા સાબુન રખિએ. ઇસકી સુમધુર ગંધ સારા દિન દિમાગકો તાજા રખતી હૈ, ઔર ઇસકે મુલાયમ ઝાગસે ત્વચા બહુત કોમલ રહતી હૈ. ઔર ઇસકી બડી ટિકિયા ખરીદનેસે પૈસેકી ભી કિફાયત હોતી હૈ.” જાહેરાતના પ્રદર્શન માટેની જગ્યાઓ વિશે વિચાર કરતાં એમ લાગે છે કે હજુ તો અનેક જગ્યા ઉપર એના નિષ્ણાતોની નજર નથી ગઈ. આપણે આગળ જોઈ ગયા તેમ જાહેરાતકળાની દૃષ્ટિએ બધી ચીજવસ્તુઓનો અંદરોઅંદર અન્યોન્યાશ્રયી સંબંધ છે, એટલે કામળાઓ અને શાલો વણતી વખતે જ તેમાં ચા અને કોકોની જાહેરાતો ગૂંથાઈ જવી જોઈએ. અને શેત્રાંજી-ગાલીચાઓ તો રબરનાં સોલવાળાં બૂટ-ચંપલો માટે જાહેરાતનાં આદર્શ સાધનો થઈ પડે એમ છે. બૅંકોની દીવાલો પર લૉટરી અને ‘રેસ’ની જાહેરાતો ચોંટાડી શકાય, અને રેસકોર્સના મેદાન પર બચત-યોજનાની જાહેરાતો રાખી શકાય તેમ છે. રેલવે અને એરોપ્લેનની ટિકિટો પર વીમા કંપનીની જાહેરાત છાપી શકાય. આ તો આવતી કાલની વાત થઈ. પણ મને તો આજે પણ દરેક જગ્યાએ જાહેરાત ને જાહેરાત જ દેખાય છે — સાચોસાચ ત્યાં જાહેરાત હોય કે ન હોય, આ કમબખત દિમાગને આદત જ એવી પડી ગઈ છે કે દરેક ચહેરા, અવાજ કે નામનો સંબંધ કોઈ ને કોઈ જાહેરાત સાથે એ તરત જોડી દે છે. સવારના પહોરમાં ઊઠીને હું સામેની હોટલના છોકરાને ચા લાવવાનો ઓર્ડર આપું છું તો ચાનું નામ લેતાં જ, જેનો ચહેરો રોજ છાપામાં જોઉં છું એ નીલગિરિની પેલી સુંદરી મને યાદ આવે છે, અને નીલગિરિ નામની સાથે તરત જ ત્યાંની ટેકરીઓ પરનાં કૉફીનાં ઢળતાં ખેતરો યાદ આવી જાય છે. તરત જ એક બુઢ્ઢા રાજપૂતનો ચહેરો મારી આંખો આગળ તરવરે છે અને અચાનક હું બબડી ઊઠું છું : “યહ અચ્છી કાફી ઔર યહ અચ્છા ચહેરા, દોનોં ભારતીય હૈં!” ખેર, છોકરો બીજી જ મિનિટે હસતો હસતો આવીને મારા હાથમાં ચાનો પ્યાલો પકડાવી દે છે. એના અધઊઘડયા હોઠ વચ્ચેથી દેખાતી સફેદ દંતાવલીને જોઈને મને એમ લાગે છે કે જાણે વિશુદ્ધ ‘ક્લોરોફિલ’ પોતે હસી રહ્યું છે. અમેરિકન ઢબે કહીએ તો એને ‘મિલિયન ડોલર સ્માઇલ’ કહી શકાય અને આ હોટલ-બૉય રોજ આમ છ પૈસાની ચાની પ્યાલીમાં મને દસ લાખ ડોલરનું સ્મિત દઈ જાય છે. મારી તો ઘણી વાર ઇચ્છા થઈ જાય છે કે એ છોકરાને કોઈ ‘ક્લોરોફિલ’ કંપનીને હવાલે જ કરી દઉં, જેથી એના દાંતનું ખરું મૂલ્ય દુનિયા સમક્ષ રજૂ થઈ શકે. અને આમ મારી વિચારમાળા ચાલતી હોય ત્યાં ‘ઇથર’માં તરતો તરતો કોઈ કોકિલકંઠીનો સ્વર મને સંભળાવા માંડે છે : “ક્યા આપકા હાફિજા દુરુસ્ત નહીં હૈ? અપના હાફિજા દુરુસ્ત કરનેકી ઓર આજ હી ધ્યાન દીજિયે…” મને બરાબર ખબર નથી કે મારી પાચનશક્તિ દુરસ્ત છે કે નહીં. હું કોઈ બાળકને અટ્ટહાસ્ય કરતું જોઉં છું તો મને ‘બેબી મિલ્ક’વાળો લાલ ડબો યાદ આવી જાય છે. કોઈ સુંદર દૃશ્ય જોઉં છું તો ઓગણત્રીસ રૂપિયાવાળો પેલો કૅમેરા મારી આંખ આગળ તરવરવા લાગે છે. લગ્નમંડપ પાસે ઊભો હોઉં છું ત્યારે મને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનું સ્મરણ આપોઆપ જ થાય છે. પડખેની શેરીના લાલા ચૌધરી જ્યારે જ્યારે મને મળવા આવે છે ત્યારે ત્યારે ‘વિટામિન બી કોમ્પ્લેક્સ’ની જાહેરાત જ જાણે સ્વદેહે સામે ચાલી આવતી હોય એમ લાગે છે. ઑફિસની નવી ટાઇપિસ્ટ મિસ રોઝનું આખું વ્યક્તિત્વ જ મને સ્કારલેટ રંગની પેલી લિપસ્ટિકની જાહેરાત જેવું લાગે છે. અને સાચું કહું તો, હાલત એટલે સુધી પહોંચી ગઈ છે કે હું પોતે જ્યારે અરીસા સામે ઊભો રહું છું ત્યારે મને લાગે છે કે જાણે ‘લીવર સોલ્ટ’ની જાહેરખબર વાંચી રહ્યો છું! (અનુ. જયેન્દ્ર ત્રિવેદી)