સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/હિંમત — મારો દોસ્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એકલો એકલો વિચારું છું ત્યારે લાગે છે કે હું શક્તિશાળી હોઉં કે ન હોઉં, પણ ભાગ્યશાળી તો જરૂર છું. ઉંમર નાની હોવા છતાં માણસોને ઈર્ષ્યા આવે એટલી કીર્તિ — જેનો લાગવગ તરીકે ઉપયોગ થઈ શકે એવી કીર્તિ — મેં મેળવી છે. ને એટલે જ રોજ કેટલાયે માણસો મારે ત્યાં ધક્કા ખાય છે. લોકોને ધક્કા ખવડાવવામાં મને એક જાતનો આનંદ પણ મળે છે. એ વખતે ઘણી વાર મને બાળપણનો એક પ્રસંગ યાદ આવી જાય છે. મારી બા જમી રહ્યા પછી કૂતરાને રોટલી નાખવા મને મોકલતી. રોટલી ફેંકીને ચાલ્યા આવવું મને ગમતું નહિ. હું રોટલીના ઝીણા ઝીણા ટુકડા કરતો ને પછી, મોં ઊંચું કરી દીન વદને મારી સામે તાકીને પૂંછડી પટપટાવતા કૂતરાને દૂર દૂર એક ટુકડો ફેંકી, મારી એ રમતને સગર્વ નીરખી રહેતો. નોકરી માટે, બદલી માટે, ભલામણચિઠ્ઠી લેવા માટે, માણસો મારી પાસે આવે છે ત્યારે એમની આંખોમાં એવી જ યાચકવૃત્તિ જોઈને મારો જૂનો ગર્વ ઘણી વાર ઊછળી આવે છે. મારા પિતા શિક્ષક હતા. (અત્યારે ગામડામાં નિવૃત્ત જીવન ગાળે છે.) એમના જેવા થવાની મને કદી ઇચ્છા નથી થઈ. મારા એક કાકા વકીલ હતા. એ મને હંમેશાં અનુકરણીય લાગ્યા છે. એમના ઘેર કોઈ આવે એટલે તરત એ પૂછતા, “કેમ ભાઈ, શું કામ છે?” આવનાર કહે, “ખાસ કાંઈ કામ નથી. અમસ્થો જરા…” તો તરત જ એ બોલી ઊઠતા, “મારે ત્યાં અમસ્થું કોઈ આવતું જ નથી — ને અમસ્થા આવવુંયે નહિ.” આજે હું પણ સગર્વ કહી શકું એવી સ્થિતિમાં છું કે, મારે ત્યાં કામ વગર કોઈ આવતું જ નથી. ને કદાચ કોઈ કામ છુપાવવાનો ઢોંગ કરે તો હું એની પાસેથી વાત કઢાવી શકું એટલી બુદ્ધિ ને ચાલાકી પણ મારામાં છે. હું પણ વકીલ છું. જોકે વકીલાત પર હું જીવતો નથી. પ્રજાની સેવા બીજી રીતે કરવાનો મને લહાવો મળ્યો છે. પ્રજા જેને ‘નેતા’ કહે એવો નાનકડો પણ હું નેતા છું. લોકોનાં ટોળાંઓ વચ્ચે હું જીવું છું. એમ જીવવું મને ફાવે છે — ગમે છે. માણસો મારી પાસે મદદ માગવા આવે, હું કંટાળાજનક ચહેરે એમને મદદ કરું, ને બદલામાં ભાવભરી આંખે મારી સામે જોઈને તેઓ હાથ જોડે — એ બધું મને ગમે છે. પણ આપણા લોકોમાં એક કુટેવ છે : જેની પાછળ પડ્યા એની પાછળ પડ્યા, એવો આપણા લોકોનો સ્વભાવ છે. એને કારણે ક્યારેક, ખરેખર, મને કંટાળો આવે છે. કેટલાક માણસો તો અવનવાં સગપણ કાઢીને મારે ત્યાં આવી ચડે છે ને પછી મારે ઘેર જ ધામા નાખે છે. એવા લપિયાઓથી કોણ ત્રાસી ન જાય? એમાં કોઈ કોઈ તો વળી જે કામે આવ્યા હોય એ કામ મારાથી છુપાવ્યા કરે છે (તક જોઈને કહેવાની રાહમાં). એવા લોકોની છુપાવેલી વાતને ચાલાકીપૂર્વક પકડી પાડીને ખુલ્લી પાડી દેવામાં મને અનોખો આનંદ મળે છે. તે દિવસે રવિવાર હતો. રવિવારે હું ખાસ આનંદમાં હોઉં છું, કારણ કે એકાદ પ્રોગ્રામમાં મારે હાજરી આપવાની હોય જ છે. તે દિવસે પણ નાનુભાઈ કૉન્ટ્રાક્ટર તરફથી યોજાયેલ પાર્ટીમાં મારે જવાનું હતું. ગામથી પંદર-વીસ માઈલ દૂર નવો ડેમ બંધાતો હતો ને ત્યાં વગડામાં જ બપોરનું જમણ ગોઠવ્યું હતું. અગિયારેક વાગ્યે મોટર મને તેડવા આવવાની હતી. દસેક વાગ્યે મારા બારણામાં પરિચિત ચહેરો દેખાયો. આવીને એ માણસ હસ્યો. હાસ્ય ઉપરથી હું એને ઓળખી ગયો; એ હિંમત હતો. શરીરમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો, ચહેરો કાંઈક લોહીભર્યો બન્યો હતો. પણ હજી એ એવું જ બેવકૂફીભર્યું હસતો હતો. “જે જે, રસિકભાઈ!” એણે પગરખાં કાઢતાં કહ્યું, “હું તો ઘર ગોતીગોતીને થાકી ગયો, ભાઈસા’બ.” એના એ શબ્દો નિર્દંશ હોવા છતાં મને એના પર પારાવાર ગુસ્સો ચડયો. શબ્દોના એક જ ઝાટકે એણે મારી આબરૂને કતલ કરી નાખી હતી. શું હું એટલો બધો અપરિચિત હતો કે લત્તામાં મારું ઘર શોધતાં એને મુશ્કેલી પડી? એને કઈ રીતે સમજાવવો? અરે, કોઈ નાના છોકરાને પૂછ્યું હોત તો પણ… જૂની ઓળખાણ હતી, ને ઘણા વખતે એ માણસ મળવા આવ્યો હતો, એથી હું કંઈ બોલ્યો નહિ. પણ હજી એ એવો જ મૂરખ હતો એટલું તો મને લાગ્યું જ. મારે ને એને જૂની ઓળખાણ હતી એ ખરું. પણ કામે આવનાર માણસે કેમ વર્તવું જોઈએ, કેમ બોલવું જોઈએ, એ એને આવડતું નહોતું. એ મારે ઘેર આવ્યો હતો — મારી પાસે એને કામ હતું — એ વાતનો એણે ખ્યાલ રાખવો જોઈતો હતો. મેં એના દીદાર સામે જોયું. જાડું ધોતિયું અને આછા પીળા રંગનું પહેરણ એણે પહેર્યું હતું. કાંડે ઘડિયાળ બાંધી હતી. ચહેરા પર નજર કરી — પેલું હાસ્ય હજીયે ત્યાં હતું… શું કામ હશે? નોકરી માટે આવ્યો હશે? મારા ગામડેથી ઘણે ભાગે લોકો નોકરી માટે જ મારી પાસે આવતા, ને હું એમને એક યા બીજી નોકરી મેળવી પણ આપતો. પેલો નાનજી કોંઢ, ભીખા ગોરનો ધનકો, ઈસબ માસ્તર, જગા શેઠનો નાથિયો (બિચારો!), વિસુભા દરબાર, ગગનની બહેન સવિતા… “એક કલાકથી આ શેરીઓમાં આંટા મારું છું,” વચ્ચે ટપકી પડતાં વળી હિંમતે કહ્યું : “પણ અહીં તમને ‘બચુભાઈ’ તરીકે કોણ ઓળખે?” “એ તો ખરું જ ને!” મેં હસીને કહ્યું. “એ નામથી અહીં મને કોણ ઓળખે?” બાળપણમાં બધાં મને ‘બચુ’ કહેતા ને હિંમત પણ મને ‘બચુ’ જ કહેતો. આટલાં વર્ષે પહેલી જ વાર એણે મને ‘રસિકભાઈ’ કહીને બોલાવ્યો હતો. મને એ યાદ આવ્યું. “એકાએક મને સાંભરી ગયું. એક છોકરો રમતો હતો એને મેં પૂછ્યું, ‘એલા, રસિકભાઈ ક્યાં રહે છે?’ મારા સામે જોઈને એ કહે, ‘કોણ, વ્યાસકાકા?’ મેં કીધું, ‘હા’, ને તરત એણે મને ઘર બતાવ્યું.” હું સહેજ ફુલાયો. હિંમત હવે ડહાપણથી વાત કરતો હતો. પછી એ અમારા ગામડાની આડીઅવળી વાતો કરવા લાગ્યો. મને થયું, ‘શું કામ આવ્યો છે એ ઝટ દઈને કહે તો સારું; અગિયાર વાગશે તો પેલા નાનુભાઈની મોટર આવી પહોંચશે ને એનું કામ રઝળી પડશે.’ એને મદદ કરવા માટે મારા મનમાં ખરેખરી ઇચ્છા જાગી. ગમેતેમ તોય એની સાથે મારે જૂની ઓળખાણ હતી. મારાં પત્નીને બોલાવીને મેં એની સાથે ઓળખાણ કરાવી — એથી એનો સંકોચ દૂર થાય ને કદાચ જલદી વાત કરે! એણે વાત તો કરી — પણ એનાં બૈરાં-છોકરાંની. પછી ખુશ થયો હોય એમ માથેથી એણે ટોપી કાઢી નાખી ને મારા બાબાને તેડીને રમાડવા માંડ્યો. મને થયું, ‘આ માણસ નક્કી કંઈક કામે આવ્યો છે; એટલું જ નહિ, પણ એ કામ ઘણું અગત્યનું લાગે છે.’ મારા છોકરા ઉપર એ વધુ ને વધુ વહાલ કરતો હતો — મારી શંકા વધુ ને વધુ મજબૂત બનતી હતી. છેવટે મેં જ એને પૂછી નાખ્યું. બીજો કોઈ હોત તો એની પાસેથી મેં ચાલાકીપૂર્વક વાત કઢાવીને એને ભોંઠો પાડયો હોત, પણ હિંમત તો મારો બાળપણનો સાથી હતો. એ શરમાતો હતો એમ મને લાગ્યું, એટલે મેં જ પૂછ્યું : “શું કામે આવવું થયું?” “કામ? કામ તો ખાસ કાંઈ હતું નહિ.” (હું એની સામે તાક્યો. મારે ત્યાં કામે આવનારા એ રીતે જ વાતની શરૂઆત કરતા હતા.) એ બોલતો હતો, “એક સગાને ત્યાં આવ્યો’તો… અરે, પણ બાપુજીએ આપેલી ચિઠ્ઠી તો મારા ખિસ્સામાં જ રહી ગઈ…” એણે ખિસ્સું થાબડયું ને એકાએક જ યાદ આવ્યું હોય એમ ચિઠ્ઠી બહાર ખેંચી કાઢી. મને એના અભિનય ઉપર ખીજ ચડી. એને કામ હતું. કામ કઢાવવા માટે મારા પિતાની ચિઠ્ઠી લઈને, સુસજ્જ થઈને એ આવ્યો હતો — ને ઉપરથી પાછો ઢોંગ કરતો હતો! એના તરફનો મારો સ્નેહભાવ સહેજ ઓસર્યો. આટલો દંભ કરવાની શી જરૂર? મેં સામેથી એનું કામ કરી દેવાની તૈયારી બતાવીને પૂછ્યું હતું, છતાં હજીયે એ નાટક કરતો હતો! હા, કારણ કે મારા પિતા પાસે એ ચિઠ્ઠી લખાવીને લાવ્યો હતો, ને પિતાની ચિઠ્ઠીનો હું અનાદર ન જ કરું એવી એને ખાતરી હતી. એટલે જ તો એ પોતાના મોંએથી યાચના કરતો નહોતો ને? ‘પણ એની હાજરીમાં હું ચિઠ્ઠી વાંચીશ જ નહિ.’ મેં નક્કી કરી નાખ્યું. મારે એને મોઢે જ કહેવડાવવું હતું. ભલે એ યાચના ન કરે, ભલે મારી સામે દયા માગતી નજરે ન જુએ, પણ વાત તો એના મોઢેથી જ મારે સાંભળવી હતી. છાશ લેવા જવું ને દોણી સંતાડવી, એવું શા માટે? એણે મને ચિઠ્ઠી આપી એટલે ઠંડે કલેજે મેં બાજુમાં ટેબલ પર એ મૂકી દીધી. દરમિયાન મારી પત્ની ચા લાવી. એ પીધા પછી કહે, “આજે સાંજે મારે જવું છે.” મને થયું, હું આને કહી દઉં કે હમણાં જ મને મોટર તેડવા આવશે ને પછી રાત સુધી હું મળી નહિ શકું, માટે કામ હોય એ કહી જ દે… પણ ત્યાં જ મોટર આવી પહોંચી. મેં કૉલર સરખો કર્યો ને હિંમત સામે જોયું. એ મોટર સામે તાકી રહ્યો હતો. એ મોટર મને લેવા માટે આવી હતી! હિંમત, હિંમત, તેં બહુ મૂર્ખાઈ કરી! નાનપણમાં હતો એવો જ ભોળિયો ને બેવકૂફ હજીયે રહ્યો! તારું કામ કરી આપવાની મારી ઇચ્છા હોવા છતાં… ખેર, હવે તો મારે જવું જ પડશે… મોટરનું બારણું સિફતથી ખોલીને નાનુભાઈ ઊતર્યા. એ જાતે મને લેવા માટે આવ્યા હતા. હિંમત એમના સુઘડ પોશાક સામે તાકી રહ્યો. મેં પણ કબાટમાંથી ગડીબંધ કપડાં કાઢીને પહેર્યાં. એ લેતી વખતે, પહેરતી વખતે, હિંમત સાથે મેં ફરી આત્મીયતાથી વાતો કરી — એનો સંકોચ એથી ઓછો થાય ને કદાચ એ વાત કરે. પણ એ તો હસતો જ રહ્યો — રાજી રાજી થતો હોય એવી બેવકૂફ મુખમુદ્રા સાથે! મેં એને કહ્યું, “બપોરનું જમવાનું અહીં જ રાખ ને.” (મને વાત કહેતાં એને સંકોચ થતો હોય તો પાછળથી કદાચ મારી પત્નીને એ વાત કરી શકે ને? ઘણાં સંબંધીઓ એ રીતે મારી પાસેથી કામ કઢાવતાં.) એ હસ્યો, “ના, ના. પેલા સગાને ખોટું લાગે.” “અહીં તારે સંકોચ રાખવાની જરૂર નથી; હું હોઉં ન હોઉં તોય..” “એવું હોય, ભાઈસા’બ! આ તો મારું ઘર કહેવાય. પણ આ વખતે માફ કરો.” એણે હાથ જોડ્યા. હું નાનુભાઈ સાથે મોટરમાં ગોઠવાયો. ફરી એ ભાવભરી બાલિશ નજરે મારી સામે જોઈ રહ્યો — જાણે મોટરમાં બેસવાનો આનંદ એ પોતે લૂંટી રહ્યો ન હોય! રસ્તે જતાં હું વિચારે ચડયો : માળો મૂરખો! મેં કેટલું કર્યું, પણ ધરાર કાંઈ બોલ્યો જ નહિ!…કદાચ પાછળથી મારી પત્નીને કહેતો જશે… અથવા આજે રોકાઈ પણ જાય… વગડામાં ગોઠવાયેલ એ ભોજનસમારંભ યાદ રહી જાય એવો હતો, પણ મને તો એ ભર્યાભર્યા સમારંભ વચ્ચે પણ હિંમત જ યાદ આવ્યા કર્યો. કેમ એ બોલ્યો નહિ હોય? એને શું કામ હશે? હુંય કેવો જિદ્દી કે પિતાની ચિઠ્ઠી જ મેં ન વાંચી? હિંમત ગમે તેમ તોયે મારો બચપણનો દોસ્ત હતો… પણ તો પછી એણે કેમ ન કહ્યું? મને કહેવામાં એ નાનમ અનુભવતો હશે? હા, મારી સામે યાચક બનીને ઊભા રહેવું એને ગમતું નહોતું… મારી નજર, આજુબાજુ જમતાં અનેક માણસો ઉપર ફરી વળી. આ નાનુભાઈ, પેલા વિજયકુમાર, ત્યાં બેઠેલ એન્જિનિયર ત્રિવેદી, અરે — આ બાજુમાં જ ઊંધું ઘાલીને જમી રહેલ મિસ્ટર જાડેજા… આ બધા જ મારી પાસે કામે આવે ત્યારે એમના ચહેરા પર પેલું યાચના કરતું હાસ્ય ક્યાં નથી હોતું? અને આ બધા જ ખાનદાન, હોદ્દેદાર, પૈસાદાર માણસો છે… તો પછી હિંમત તો કઈ બુરીમાં? …પણ એ ન બોલ્યો તે ન જ બોલ્યો! ને એમાં એનું કામ રખડશે — મારે શું? અરેરે, ઘણા વખતે બિચારો આવ્યો, પણ એની શરમને લીધે… મોડી સાંજે હું નાનુભાઈની મોટરમાં ઘર તરફ ઊપડ્યો. સંધ્યાના રંગો શમી ગયા હતા. પેલા વિચારો પણ ઉછાળા મારી મારીને થાકી ગયા હતા, શમી ગયા હતા. તંતુવાદ્યના છેલ્લા ગુંજારવ જેવો એક વિચાર મારા મનને ભરી દેતો ફક્ત ગુંજી રહ્યો હતો : મારા દોસ્ત માટે — મારા સંબંધીઓ માટે — મારા મનમાં કેટલી લાગણી હતી! એમનું કામ કરવા હું સદાય આતુર હતો! ઘર પાસે અમારી મોટર થોભવાનો અવાજ સાંભળીને મારી પત્નીએ બારણું ખોલ્યું. એનો ચહેરો અસ્વસ્થ હતો. હું કાંઈ પૂછું એ પહેલાં જ એણે કહ્યું, “બાબાનો હાથ ભાંગી ગયો — કોણ જાણે કઈ રીતે પડ્યો…” હું એકદમ ઘરમાં દોડયો. બાબો પલંગ પર ઊંઘતો હતો. એના નાનકડા હાથ પર પ્લાસ્ટરનો પાટો હતો. “એને ઉઠાડશો નહિ,” મારી પત્નીએ કહ્યું. હું પલંગ પર બેસી પડ્યો, “આમ એકાએક કેમ કરતાં હાથ ભાંગ્યો?” “તમે ગયા પછી થોડી વારે જ બન્યું. દોડાદોડ કરતો પગથિયાં ઊતરતો હતો એમાં એવી રીતે પડ્યો…કે પડતાં જ રાડ ફાટી ગઈ!” વાત કરતી વખતે પણ મારી પત્ની હાંફળીફાંફળી થઈ ગઈ. “એ તો બિચારા હિંમતભાઈ હતા એટલું સારું, નહિ તો…” “પણ મને કોઈ સાથે…” “શું તમને કોઈ સાથે? તમને ત્યાં તેડવા કોને મોકલું? ને એટલી વારમાં અહીં છોકરો દુઃખનો માર્યો રડીને મરી જ જાય ને? હિંમતભાઈ તો, બિચારા, પાછા સાવ અજાણ્યા. પણ હિંમતવાળા ખરેખરા. નહિ તો ગામડાના માણસ શહેરમાં તો મૂંઝાઈ જ જાય.” “અમસ્થું એની ફૈબાએ એનું નામ ‘હિંમત’ પાડયું હશે?” મેં રમૂજ કરતાં કહ્યું. “અરે, નાનપણથી જ એ એવો છે. નાનો હતો ત્યારે કોઈ શરત મારે તો મસાણમાં આખી રાત સૂઈ રહે! હિંમત તો હિંમત જ છે.” પણ બોલતી વખતે વળી મને એનો બેવકૂફ ચહેરો સાંભરી ગયો…ને પેલી અંગ્રેજી કહેવત પણ : ફૂલ્સ રશ ઇન… રાત્રે મારી પત્નીએ ફરી આખો ઇતિહાસ ઉખેળ્યો. હિંમતનાં વખાણ કરતાં એ થાકતી નહોતી. હિંમતે કઈ રીતે બાબાને તેડી લીધો, કઈ રીતે દવાખાને પહોંચાડયો, કઈ રીતે ‘મોટા ડૉક્ટર’ના બંગલે જઈને એમને તેડી આવ્યો ને બાબાને તાત્કાલિક સારવાર મળે એવો બંદોબસ્ત કરાવ્યો.. એ બધી વાત એણે ફરી ફરીને કરી. “બાબો પહેલાં તો એમની પાસે જતો નહિ, પણ એમણે ચોકલેટ આપીને સમજાવ્યો : ‘જો ભાઈ, બા તને તેડી તેડીને થાકી જાય. મારી પાસે ચાલ.’ ગમે તેમ, પણ પછી બાબાએ એમને ગયા ત્યાં સુધી છોડયા જ નહિ.” “પણ તેં હિંમતને જવા કેમ દીધો? એણે કાંઈ તને કહ્યું નહિ? કોઈ વાત…” ફરી મને, હિંમત શું કામે આવ્યો હશે એ વિચાર આવી ગયો, ને મેં કહ્યું : “પેલા રૂમમાં ટેબલ પર બાપુજીની ચિઠ્ઠી પડી છે, એ લાવને — મેં એ વાંચી જ નથી.” ચિઠ્ઠી મને લાવી આપતાં વળી મારી પત્ની બોલી, “હિંમતભાઈ કહે કે, મારા ભાઈ ઘેર નથી એટલે મારે રોકાવું જોઈએ, પણ ઘેર ગયા વગર છૂટકો નથી. ઘેર કોઈ કરવાવાળું નથી — દુકાન નોકરને સોંપીને આવ્યો છું…” “હિંમતને દુકાન છે?…” હું ધીમું ગણગણ્યો. ને ઉતાવળથી પિતાની ચિઠ્ઠી વાંચવા મેં ખોલી. ચિઠ્ઠીમાં એમણે હિંમત વિષે કાંઈ જ લખ્યું નહોતું. એમને પૈસાની જરૂર હતી એટલે તાત્કાલિક પચાસ રૂપિયા મગાવ્યા હતા. એ આખી રાત મને હિંમતના વિચારો આવ્યા. બીજે દિવસે મારા પિતાનો પત્ર મને સાંજની ટપાલમાં મળ્યો. એ આ રહ્યો : ચિ. ભાઈ રસિક, બાબાને હાથે લાગ્યું છે એમ હિંમતે વાત કરી, તો હવે એના હાથે કેમ છે? અમને ચિંતા થાય છે. તો સારા સમાચારનો પત્ર તરત જ લખશો. તમારા કહેવા પ્રમાણે હિંમતે મને પચાસ રૂપિયા આપી દીધા છે. એણે મને કહ્યું કે ભાઈને કામે જવાનું હતું એટલે ઉતાવળમાં હતા એથી મને મોઢે કહ્યું છે. તો હિંમત ઉપર જ તમે પચાસ રૂપિયા મોકલી દેશો. એણે મને દઈ દીધા છે. એ માણસ આપણું ઘણું રાખે છે. ઘણો ભલો માણસ છે ને ભગવાને એને દીધું પણ છે. એકલે હાથે ધમધોકાર દુકાન ચલાવે છે. તમારા નામ ઉપર તો બિચારો મરી પડે. તમારાં ને વહુનાં એટલાં વખાણ કરે કે બસ તમે એનું બહુ જ રાખ્યું હશે, એમ એની વાત પરથી મને લાગ્યું. એવા માણસનું રાખવું જ જોઈએ. આપણું રાખ્યું લેખે લાગે એવો એ સમજણો માણસ છે. પણ આ પત્ર વાંચીને મને તો કાંઈ સમજાતું જ નથી. શું એ ઉપકાર કરવા માટે જ મારે ઘેર આવ્યો હશે? કાંઈ પણ લાલચ — કાંઈ પણ કામ વગર જ? એવું કેમ બને? બની શકે? કદાચ કોઈ મોટું કામ કઢાવવાની આ બધી તરકીબ તો નહિ હોય ને?