સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/દીક્ષા સમાન
આશ્રમમાં મારા હાથ, પગ, આંખો બધું મગનલાલ જ હતા. દુનિયાને ક્યાં ખબર છે કે મારું કહેવાતું મહાત્માપણું પવિત્ર, બાહોશ અને એકનિષ્ઠ એવા સાથીઓના મૂક વૈતરાને જ આભારી છે? અને આવા સાથીઓમાં મારે મન સૌથી શ્રેષ્ઠ, પવિત્ર અને ઉત્કૃષ્ટ તે મગનલાલ હતા. જેને મારા સર્વસ્વના વારસ તરીકે મેં ચૂંટી કાઢ્યો હતો, તે ચાલ્યો ગયો. મારામાં ઈશ્વર ઉપર જીવતી શ્રદ્ધા ન હોત તો પોતાના પુત્ર કરતાંયે વધારે વહાલો, જેણે મને કોઈ કાળે દગો દીધો નહોતો, જે ઉદ્યોગની મૂતિર્ હતો, વિશ્વાસુ કૂતરાની પેઠે જેણે આશ્રમની આથિર્ક અને આધ્યાત્મિક ચોકીદારી કરી, તેને ખોઈ બેઠા પછી હું તો ગાંડો થઈને બરાડા પાડતો હોત. એનું જીવન મારે માટે દીક્ષા સમાન છે. [‘આશ્રમનો પ્રાણ’ પુસ્તક]