સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત શુક્લ/આપકર્મી સાહિત્યસર્જક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીવનના કેવા કેવા ઝંઝાવાતોમાંથી પન્નાલાલ પટેલ પસાર થયા હતા! એક બાવાની આંગળીએ વળગીને એમણે વતન છોડેલું. જૂના વખતમાં જેને અંગ્રેજી ચોથું ધોરણ કહેવાય ત્યાંથી એમનું ભણતર અટકેલું. પછી તો દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર નોકરી, શહેરમાં આવીને મજૂરી અને ઘરચાકરની નોકરી. વાચન કશું ખાસ નહીં. પણ એમ તો લાગે છે કે કિશોરવયમાં પણ સ્વભાવ રંગીલો. લોકજીવનમાં પ્રસરેલાં ગીતો, ભજનો બધું ગાઈ શકે. લોકબોલીમાં પણ ઓતપ્રોત. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માંડલી ગામના આ ખેડૂતપુત્રની નાનપણમાં પરખાયેલી કોઈ વિશેષતા હોય તો તે જીવનરસ, અને માણસભૂખી સંવેદના. વિદ્યાર્થી પન્નાલાલને સહાધ્યાયી તરીકે મળ્યા ઉમાશંકર જોશી. બંને ગાઢ મિત્રો બની રહ્યા. પછી છૂટા પડી ગયા. પણ ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદમાં મળનારી સાહિત્ય પરિષદ પ્રસંગે બંને મળ્યા ત્યારે ઉમાશંકરે, કોણ જાણે શું સમજીને પણ, પન્નાલાલને લખવા સૂચવ્યું. પછી તો કારખાનામાં મજૂરી કરતા આ પચીસ વર્ષના જુવાનડાને લખવાનો જે ઓરતો જાગ્યો તે કદાપિ વિરમ્યો જ નહીં. પન્નાલાલને કાવ્યસર્જન સહજ હતું. શું કાવ્યમાં કે શું વાર્તામાં પન્નાલાલને નિરૂપવો ગમ્યો છે પ્રેમ — માનવીય પ્રેમ, નિસર્ગપ્રેમ, વિશ્વપ્રેમ. એમનાં મનચક્ષુ સમક્ષ પોતાના વતનનું વાતાવરણ નર્તી રહ્યું હતું. ત્યાંની પ્રકૃતિ, ડુંગરા, ઝરણાં, સ્ત્રીપુરુષો અને સંસ્કારો તેમના ઘટમાં ઘૂંટાયા હતા. જે પહેલી વાર્તાઓ એમણે લખી તે સુન્દરમ્ની કસોટીમાંથી ક્રમે ક્રમે પાર ઊતરતી પ્રસિદ્ધ થવા લાગી. રામનારાયણ વિ. પાઠકે તો ‘પ્રસ્થાન’ માસિકમાં વાર્તા લખતા રહેવાનું પાધરું ઈજન જ આપી દીધું, અને ઝવેરચંદ મેઘાણીએ ‘ફૂલછાબ’ની ભેટવાર્તા માટે પન્નાલાલ પાસેથી ‘મળેલા જીવ’ જેવી અનુપમ નવલ મેળવી. પન્નાલાલની કલમ હવે સડસડાટ ચાલવા લાગી. પન્નાલાલની વાર્તાકલાનો ચરમવિકાસ ‘માનવીની ભવાઈ’માં અનુભવાય છે. દુકાળો તો ગુજરાતે ઘણા જોયા હશે, પણ છપ્પનિયો દુકાળ જનસ્મૃતિમાં એવો કંડારાયો છે કે પન્નાલાલને એમાંથી નવલકથાનું વસ્તુ લાધ્યું. દુકાળની ભીષણતાનું અને માનવીના પ્રેમ ને પુરુષાર્થનું એ મહાકાવ્ય બની રહી. જ્ઞાનપીઠ પારિતોષિક આ અર્ધા ભણેલા આપકર્મી સાહિત્યકારને પ્રાપ્ત થયું. પન્નાલાલ ટૂંકી વાર્તાઓના પણ સિદ્ધહસ્ત સર્જક બની શક્યા. એમણે નાટકો લખ્યાં છે, બાળવાર્તાઓ પણ લખી છે. પન્નાલાલ જે કાંઈ લખે તેમાં કથનવેગ, ભાષાની શક્તિ અને ચિત્રત્મકતા ઊતરી આવ્યા વિના તો કેમ જ રહે? એમની કૃતિઓની અનેક આવૃત્તિઓ થઈ છે, તે વાચકો ઉપર પન્નાલાલે કેવું અદ્ભુત કામણ કર્યું હશે તેની નિર્દેશક છે. એક સંવેદનશીલ સર્જક બોલાતી ભાષાનો અને જીવાતા જીવનનો લય પકડીને કેવળ પોતાની કલમના તાલે તાલે આગળ વધે તો કેવું ઉત્તમ સાહિત્ય સર્જાય, તેની પ્રતીતિ પન્નાલાલનું માતબર સાહિત્યસર્જન કરાવે છે.