સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાએનો કાવાઈ/પૈસા, પૈસા ને પૈસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિશાળેથી નીકળીને ઘેર જવું મને બહુ આકરું લાગે છે. જ્યારે ઘેર જાઉં ત્યારે નિશાળના કાંઈક નહિ ને કાંઈક પૈસા મારે બા પાસે માગવાના આવે જ છે. મને એમ કે નિશાળમાંથી અમે ઉજાણીએ ગયાં હતાં તેનો ફાળો તો મેં આપી દીધો હશે. પણ ત્યાં તો સાંભર્યું કે હજી મારે ગાડીભાડાના ત્રણ યેન દેવાના બાકી છે. તે જ દિવસે મારી વિજ્ઞાનની ચોપડીના દસ યેન મારે બા પાસેથી લેવાના હતા. “ભલે,” કહીને બાએ મારા હાથમાં સાડા તેર યેન મૂક્યા : “તારી ચોપડીઓ માટે જોશે એટલા પૈસા તો હું આપીશ; પણ આ તારી નિશાળ તો, બાપુ, બહુ પૈસા ખરચાવે છે.” પૈસા મળ્યા એટલે મારે માથેથી ભાર ઓછો થયો. પણ ત્યાં તો મારી નાની બહેને બા પાસે ૧૮ યેન માગ્યા — ને મને ફાળ પડી. તરત બા ખિજાણી : “આ તારાં બે ભાઈબહેન આજ સવારથી ચોપડીના ને આના ને તેના પૈસા માગ માગ કરે છે; એમાં વળી તું આવી. એટલા બધા પૈસા તો મારે કાઢવા ક્યાંથી?” હું ઝટ ઝટ ઘર બહાર નીકળી ગઈ; વધારે કાંઈ મારે સાંભળવું નહોતું. નિશાળે જઈને હિસાબનીશને ગોતીને હસતાં હસતાં મેં એમના હાથમાં પૈસા મૂક્યા, એમણે એ કાળજીથી ગણી જોયા, ને પછી કહ્યું : “ગયે ઉનાળે તમે નાગરિકશાસ્ત્રાની ચોપડી લીધેલી તેના પૈસા તો હજી બાકી રહ્યા!” એમ કેમ બને? હજી વધારે પૈસા! મારા હૈયામાં ધ્રાસકો પડ્યો. તે દિવસે અમારા માસ્તરે વર્ગમાં જે શીખવ્યું તેમાં મને જરાય રસ પડ્યો નહિ. હાય! હવે બા શું કહેશે? નિશાળ છૂટી ત્યારે સોજુ મારી વાટ જોઈને ઊભો હતો. “વિદ્યાર્થી-બેંકમાં તારું ખાતું ખોલવાના ૨૦ યેન કાલે લેતી આવજે;” એ બોલી ઊઠ્યો. ૧૪ યેન ચોપડી માટે, ને ૨૦ યેન બેંક માટે — બધા મળીને ૩૪ યેન! શું કરીશ? બા પાસે ૩૪ યેન કેમ કરીને મગાશે? નિશાળમાં જ રોકાઈને હજી મારે રમવું હતું. પણ રમતમાં જીવ જ પરોવાય નહિ. મને તો બહુ ફિકર થયા કરતી હતી. ક્યારે બા પાસે પૈસા માગીશ? શું કહીશ? ઘેર જતાં આખે રસ્તે એ જ વિચાર મારા મનમાં આવ્યા કર્યા. ચિંતામાં ને ચિંતામાં એ સાંજે ઘરની છો પણ મારાથી સરખી ધોવાઈ નહિ. તે જ દિવસે બા પાસે પૈસા માગી લેવાનો વિચાર મેં કર્યો; પણ જીભ ઊપડે જ નહિ. પૈસા માગવાનો કોઈક કીમિયો મેં શોધવા માંડ્યો; પણ સૂઝે જ નહિ. આમ તો અમે જ્યારે માગીએ ત્યારે નિશાળના પૈસા આપી દે એવી સારી અમારી બા છે. પણ અમે માગનારાં એટલાં બધાં છીએ કે બધાંને પૂરા પડે એટલા પૈસા એ કાઢે ક્યાંથી? બીજે દિવસે તૈયાર થઈને નિશાળે જવા નીકળી ત્યારે, જતાં જતાં ધીમે સાદે મેં બાને કહ્યું : “બા, મારી નાગરિકશાસ્ત્રાની ચોપડીના ને વિદ્યાર્થીબેંકના પૈસા…” હું શું ગણગણી તે એને કાંઈ સમજાયું નહિ, એટલે મારી તરફ ફરીને કહે : “શું કહ્યું?” “ગયા સત્રામાં મેં એક ચોપડી લીધેલી તેના ને વિદ્યાર્થીબેંકમાં ખાતું ખોલવાના પૈસા મારે દેવાના છે.” એની સામે જોયા વિના જ હું બોલી ગઈ. “શું કીધું? વળી પાછા પૈસા! જરાક તો શરમાતી જા! તારા જેવડી હતી ત્યારે હું કો’કને ઘેર ઠામ-વાસણ ઊટકતી, ને મારા પગારના પૈસા ઘેર મોકલતી…ઠીક, એમાં તારોય શું વાંક? પણ આ નિશાળવાળાએ કાંઈક વિચાર કરવો જોઈએ. તમે બધાં છોકરાં જરાક મોઢું ઉઘાડો એટલે એમાંથી પૈસા, પૈસા ને પૈસાની જ વાત નીકળે છે. અખાડાના પૈસા, કાગળ-પેનસિલના પૈસા, ચોપડીઓના પૈસા, બેંકના પૈસા… આપણે કાંઈ પૈસાવાળાં નથી. તારા માસ્તરને કહેજે કે, આજ ઘરમાં પૈસા નથી.” પછી જાણે મનમાં જ ગણગણતી હોય તેમ — “પૈસા હતા એટલા તો તમારા બાપાને દઈ દીધા; ને હવે હું પાડોશી પાસે માગવા નથી જવાની.” ‘બાની વાત તો સાચી છે;’ નિશાળ ભણી ચાલતાં ચાલતાં મને વિચાર આવ્યા : ‘પૈસાની અમારે બહુ જરૂર પડે છે. મને થાય છે કે અમારાથી યે ગરીબ હશે તે લોકોનું કેમ કરીને ચાલતું હશે? ફરજિયાત કેળવણીનો કાયદો છે, એટલે નિશાળે તો અમારે જવું જ પડે છે. પણ તો પછી ચોપડીના ને એવા પૈસા અમારે ન આપવા પડે તેવો બંદોબસ્ત કેમ કોઈ કરતું નથી? આ કોઈચીને બિચારાને નથી બાપ કે નથી મા. ટોઈસીને દી બધો ડુંગરામાં કામ કરવું પડે છે. એવા છોકરા કો’ક દી જ નિશાળે જવા પામતા હશે. ભણવાની ચોપડીઓ ને બીજું બધું એ ક્યાંથી કાઢતા હશે? નિશાળના અડધોઅડધ છોકરા જો એવા ગરીબ હોય કે ચોપડી વેચાતી લઈ ન શકે ને નિશાળે ન આવી શકે, તો માસ્તર શું કરે…?’ નિશાળે પહોંચીને મેં મારી હિસાબની ચોપડી તપાસી. જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો હિસાબ ઝીણી આંખે જોઈ ગઈ. પણ એકેય નકામી ચીજ પાછળ મેં પૈસો બગાડયો હોય તેવું એમાં લાગ્યું નહિ. નિશાળમાંથી અમે બહારગામ ફરવા જતાં ત્યારે પણ મેં પૈસા વાપર્યા નહોતા, મારે જેની બહુ જરૂર ન હોય તેવી એક પણ ચીજ મેં ખરીદી નહોતી. તેમ છતાં જ્યારે ને ત્યારે બા પાસે પૈસા માગવા મને બહુ આકરા લાગે. એટલે તોજાબુરો ને યોશીનોરીની જેમ હું પણ કાંઈક કમાવાની મહેનત કરવાની છું. એ બેય ભલે છોકરા રહ્યા; છોકરીઓ ય ધારે તો કમાઈ શકે. (છોકરી : ૧૫ વર્ષ)