સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઈશ મનીઆર/યાદગાર શેરોના સર્જક
૧૬-૧૭ વરસની ઉંમરના અબ્બાસ અબ્દુલઅલી વાસીએ જ્યારે ગઝલને પોતાના જીવનની મુખ્ય પ્રવૃત્તિ માનવાનું શરૂ કર્યું, ત્યારે ગઝલકાર અમીન આઝાદે એ છોકરાને ‘મરીઝ’ ઉપનામ સૂચવ્યું હતું. ગઝલકારોની આખેઆખી ગઝલ ઉત્તમ ન પણ હોય, એમાંથી અમુક જ શેર સુંદર હોય, એવું બહુધા જોવા મળે છે. કોઈ ગઝલકારે પોતાના સર્જનકાળ દરમિયાન કુલ કેટલા યાદગાર શેર સર્જ્યા, તે એનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે. જાણીતા ગુજરાતી શાયરોને આ કસોટી પર ચડાવીએ, તો ભાગ્યે જ કોઈ એવો જોવા મળશે જેણે ત્રીસ-ચાલીસથી વધુ ઉત્કૃષ્ટ કક્ષાના શેર લખ્યા હોય. જ્યારે મરીઝના સર્જનમાંથી સો-દોઢસો એવા શેર મળી આવે. મરીઝને સૌથી વધુ લોકપ્રિયતા કદાચ એમના પ્રેમવિષયક શેરોને લીધે મળી છે. મુગ્ધ પ્રેમ, ઇકરાર-ઇનકારનો દ્વન્દ્વ, પ્રિયપાત્ર દ્વારા ઉપેક્ષા, પ્રણયની નિષ્ફળતા વગેરે વિવિધ વિસ્તારોમાં મરીઝની કલમ ઘૂમી વળે છે. મરીઝે ચૌદ-પંદર વર્ષની ઉંમરે ગઝલ લખવાનું શરૂ કર્યું. સત્તાવીસ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. તે પહેલાં જ એમના પ્રેમવિષયક શ્રેષ્ઠ શેરો લખાઈ ચૂક્યા હતા. મરીઝ નાની ઉંમરે પોતાના જ કુટુંબની એક કન્યાના પ્રેમમાં પડ્યા હતા. વ્હોરા સમાજમાં આ પ્રકારનાં લગ્નો સ્વીકાર્ય ગણાય છે, પરંતુ મરીઝની આથિર્ક સ્થિતિ અને ઓછું ભણતર આડે આવ્યાં. પોતાનો પ્રેમ નિષ્ફળતામાં જ પરિણમવાનો છે એવી જાણે પ્રતીતિ હોય એ રીતે જ મરીઝ આરંભ કરે છે: કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. પ્રેમની દીવાનગીના માર્ગ પર કોઈના ઇશારે-ઇશારે જ આગળ વધી શકાય છે. કવિની મૂંઝવણ એવી છે કે— એના ઇશારા રમ્ય છે, પણ એનું શું કરું— રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે! મરીઝનો એકમાત્ર ગુણ છે એની કવિતા, પ્રિયપાત્રને એની કદર છે, પરંતુ કેવી રીતે?— મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. આવી હાલત છે. કવિનો પ્રેમ એકપક્ષી છે તોયે પ્રગટ થયા વિના રહેતો નથી: એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’! આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. મરીઝના પ્રણયપ્રસ્તાવ કે પ્રણયનિવેદન નિષ્ફળતાના રંગથી રંગાયેલાં છે, પરંતુ મરીઝ એમને હળવી રીતે રજૂ કરે છે: લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. કવિ નિષ્ફળતાની પૂરેપૂરી તૈયારી સાથે પ્રસ્તાવ મૂકે છે: હું ક્યાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. આ પ્રથમ પ્રણયનો અંજામ કવિએ આ શેરમાં (અલબત્ત, રમૂજી રીતે જ) વ્યક્ત કર્યો છે: એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં, ‘મરીઝ’, કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં. ક્યારેક કવિનું પ્રણયનિવેદન ગંભીરપણે પણ અભિવ્યક્ત થાય છે: એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા, શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ. મરીઝના પ્રણયવિષયક શેરોમાં મિલન વિષેના શેરો ઓછા છે. કવિનો જાણીતો શેર છે: એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. ‘ઇન્તેજાર’ વિષે મરીઝના ઘણા શેરો છે: બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી, જાણે કોઈ કહે મને તારી તમા નથી. મરીઝનો પ્રેમ નિષ્ફળ જવા માટે સર્જાયો હતો: એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. મરીઝની કવિતા પ્રણયની મુગ્ધતાની દશામાં શરૂ થઈ, પ્રણયવૈફલ્યની દશામાં પાંગરી અને દર્દ, લાપરવાહી અને મદિરાની આસપાસ સ્થાયી થઈ. મરીઝ પોતાની પીડાને ઠંડકથી અવલોકી શકે છે: ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે, હવે કંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી. ક્યારેક મરીઝ પોતાની પીડાનું કારણ તપાસવાનો પ્રયાસ કરે છે: છે તેથી મારી હરેક વાતમાં પરેશાની, પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને! આવી હાલતમાં એક તો દુર્દશાનું દુ:ખ વેઠવાનું અને ઉપરથી લોકોની શિખામણોનું દુ:ખ! બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. જીવન પ્રત્યેની, સફળતા પ્રત્યેની, સુખ પ્રત્યેની કે પ્રતિષ્ઠા પ્રત્યેની પોતાની લાપરવાહી મરીઝની ગઝલોમાં વારંવાર ડોકાઈ આવે છે: હવે એની ઉપરથી આપ મારી દુ:ખકથા સમજો, જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને. આ લાપરવાહીને મરીઝ એક કવિની દૃષ્ટિથી જોતા રહે છે: મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધેકાંધે, જીવન પણ ગયું છે સહારેસહારે. મરીઝને પોતાની દુર્દશા કોઠે પડી ગઈ હતી. એમાંથી શેરો નીપજતા હતા. શેર સાંભળનાર મિત્રો થોડી શરાબ પિવડાવતા અને શેર ખરીદનાર મિત્રો વધુ શરાબ પિવડાવતા. જ્યારે મદિરા અને જામની ઉપમા હાથવગી હોય ત્યારે મરીઝને જીવનનો રસ પીવા જેવો લાગે છે: જિંદગીના રસને પીવામાં કરો જલદી, ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. જીવનનું ધ્યેય, જીવનનું સુખદુ:ખ, જીવનમાં જીત-હાર વગેરે બાબતે કવિને અવઢવ છે: ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં; નવરાશનો સમય હતો, જીવન રમી ગયા. [‘મરીઝ: અસ્તિત્વ અને વ્યકિતત્વ’ પુસ્તક : ૨૦૦૧]