સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/‘દાંડીયાત્રા’ના કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અલિપ્ત રહેવાની ભાવનાવાળા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં અજ્ઞાતવાસમાં રહેલા લેખક અને કવિ તનસુખભાઈ ભટ્ટે લગભગ ૯૩ વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું. તનસુખભાઈ એટલે એક એવી વ્યકિત કે ઊગતી યુવાનીમાં જેમના જીવનનું ઘડતર મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. દાંડીયાત્રા માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી પોતાના સાથીદાર તરીકે જે ૮૦ જેટલી ખડતલ વ્યકિતઓની પસંદગી કરી હતી તેમાં ઓગણીસ વર્ષના તનસુખભાઈ પણ હતા. નવ-દસ વર્ષની ઉંમરે તનસુખભાઈ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. એમના મોટાભાઈ હરિહર ભટ્ટ પણ ત્યારે ત્યાં શિક્ષક હતા. હરિહર ભટ્ટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને તેઓ ‘એક જ દે ચિનગારી’ કાવ્યથી જાણીતા થયા હતા. પછી તનસુખભાઈએ દક્ષિણામૂર્તિ(ભાવનગર)માં શિક્ષણ લીધું ત્યાં તેમની કવિત્વશકિત ખીલી હતી. તનસુખભાઈએ પોતાના કાવ્યસંગ્રહ ‘કાવ્યલહરી’માં લખ્યું છે: “સત્યાગ્રહ આશ્રમમાં નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે તથા ચંદ્રશંકરભાઈ શુક્લના વર્ગોમાં જ કવિતા વિશે અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. કવિતાલેખનના સૂક્ષ્મ સંસ્કારો દક્ષિણામૂર્તિના કાવ્યોત્તેજક વાતાવરણમાં ખીલી નીકળ્યા.” સત્યાગ્રહને પરિણામે એમણે ત્રણ વખત કારાવાસ સેવ્યો હતો. એક વાર તો પ્રાણશંકર ભટ્ટ અને એમના ત્રણેય દીકરાઓ હરિહર, તારાનાથ અને તનસુખભાઈ, એમ ચારેય એક જ વખતે જુદી જુદી જેલોમાં હતા. પરિણામે તનસુખભાઈનો શાળા-કોલેજનો અભ્યાસ નિયમિત રહ્યો નહોતો. ચોવીસ વર્ષની વયે મૅટ્રિક થયા પછી તેઓ અભ્યાસ કરવા મુંબઈ આવ્યા હતા અને ૧૯૪૦માં બી. એ.થયા હતા. દરમિયાન તેઓ અમદાવાદની શાળા ચી. ન. વિદ્યાવિહારમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ તેઓ એમ. એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા હતા. ત્રીસ વર્ષની વયે તનસુખભાઈએ ‘મેં પાંખો ફફડાવી’ નામની નાનકડી આત્મકથા લખી તે ‘કુમાર’માં ક્રમશ: પ્રગટ થઈ હતી. એની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી હતી. તનસુખભાઈનાં એંસી જેટલાં કાવ્યોના સંગ્રહ ‘કાવ્યલહરી’ પ્રસ્તાવના શ્રી રસિકલાલ પરીખે લખી હતી. ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનાં બે નાનાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. ‘અતીતના અનુસંધાનમાં’(૧૯૭૭)માં રેખાચિત્રો છે. ‘આશ્રમના આંગણે’(૧૯૮૧)માં સાબરમતી આશ્રમનાં સંસ્મરણો છે. ત્યાર પછી ‘દાંડીયાત્રા’ અને ગાંધીજીના જીવન વિશે ‘મહાત્માયન’ પ્રગટ થયું હતું. તનસુખભાઈએ મોટી ઉંમરે લગ્ન કર્યાં હતાં. એમનાં પત્ની વસંતબહેન ત્યારે મૅટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઈએ વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. એમ કરતાં વસંતબહેન પીએચ. ડી. પણ થયાં. ૧૯૯૯માં એમણે પુનામાં પોતાનું શાંત જીવન શરૂ કર્યું. નેવું વર્ષની ઉંમરે તનસુખભાઈ છાપાં નિયમિત વાંચતા, ટી. વી. જોતા, ફરવા જતા, પોતાનું કામ બરાબર કરતા. સાબરમતી આશ્રમના વખતથી પડેલી ટેવ પ્રમાણે તેઓ સવારના ચાર વાગ્યે ઊઠી જતા અને પ્રાર્થના કરતા, ત્યાર પછી એક કલાક ધ્યાનમાં બેસતા. બહેન ક્ષિતિજાએ પોતાના પિતાની જીવનના અંત સુધી સારી સંભાળ રાખી હતી. તનસુખભાઈ એને કહેતા, “તું મારી દીકરી છે, પણ તેં મારી માતાની જેમ સંભાળ રાખી છે.” છેલ્લાં દોઢેક વર્ષથી તનસુખભાઈએ કોઈ પણ પ્રકારની દવા લેવાનું બંધ કરી દીધું હતું. એમનું શરીર ધીમે ધીમે ઘસાતું જતું હતું. ગાંધીજીના ગુજરાતમાં ભયંકર કોમી રમખાણો થયાં ત્યારે તનસુખભાઈનું હૃદય બહુ વ્યથિત થઈ ગયું હતું. ક્યાં ગાંધીજીનું સ્વપ્નું અને ક્યાં વર્તમાન પરિસ્થિતિ? એ વખતે તનસુખભાઈના હૃદયમાંથી કાવ્યપંકિતઓ સરી પડી હતી:

આ આંખોને શમણાં જોવાની ટેવ પડી;
આ ટેવમાંથી ઉગારો હો રાજ!
આ આંખોને શમણાંનો ભાર લાગે છે.

તનસુખભાઈના કાવ્ય ‘દાંડીયાત્રા’માં દાંડીયાત્રા કયા કયા પ્રદેશમાંથી પસાર થઈ હતી એનું શબ્દચિત્ર આપણને પ્રાપ્ત થયું છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ ઘટનાના નિરૂપણથી કવિ આ કાવ્યનો આરંભ કરે છે:

રાષ્ટ્રોત્કર્ષે નિજ વપુ ઘસી દૂર અંધારખંડે,
રંકો કેરા સ્વજન બનીને, એકદા કો મહાત્મા
ગોરાંગોનો ગરવ હરીને દિવ્ય શસ્ત્રે અમોઘે,
આર્યાવર્ત નિજ જનમની ભોમકામાં પધાર્યા.

[‘પ્રબુદ્ધ જીવન’ માસિક: ૨૦૦૪]