સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ મહેતા/એક જ વાક્ય...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક જ વાક્ય... ગુજરાતમાં જનતા મોરચાની સરકારના બાબુભાઈ મુખ્ય મંત્રી હતા ત્યારે એક ધારાસભ્ય ગાભાજી ઠાકોરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટરને લાફો માર્યો, એટલે બધા ડોક્ટરોએ હડતાલ પાડી. એ વખતે બાબુભાઈએ આવીને ડોક્ટરોને એક જ વાક્ય કહેલું: “એક લાફાને કારણે ગરીબોને મુશ્કેલીમાં મૂકીને તમે તમારો ધર્મ કેમ ચૂકો છો?”... અને કોઈ શરત વગર હડતાલ સમાપ્ત થઈ ગઈ! મુખ્ય મંત્રી તરીકે બાબુભાઈને વહેલી સવારથી મોડી રાત સુધી પ્રવાસમાં રહેવું પડતું. મુસાફરીથી તે થાકતા નહિ. ડીઝલથી ચાલતી એમ્બેસેડર ગાડીમાં બેઠા બેઠા ફાઇલો તપાસતા રહેતા. ગાડીમાં તેમણે નાનકડી ટ્યુબલાઇટ ગોઠવાવેલી, તેના પ્રકાશમાં રાતે પણ ફાઇલો જોવાનું ને નોંધ કરવાનું ચાલુ રાખતા. બાબુભાઈના સંસ્કારની સુવાસ તેમનાં કુટુંબમાં પણ કેવી ઊતરી હતી તેનો એક દાખલો તો લાખો લોકોએ નજરે નિહાળેલો છે. બાબુભાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના દીકરા સતીષભાઈ નડિયાદની ન્યુ શોરોક મિલમાં નોકરી કરતા. તે રોજ વહેલી સવારે ગાંધીનગરથી બસમાં અમદાવાદ આવતા અને ‘ગુજરાત ક્વીન’માં નડિયાદ પહોંચી જતા. બાબુભાઈ પોતે ઘણી વાર બસમાં ફરતા. અમદાવાદમાં લાલ દરવાજા બસ-મથક પરથી ભીડમાં બાબુભાઈ બસમાં ચડતા હતા તેનો ફોટો છાપાંમાં છપાયા પછી થોડા દિવસ સુધી તો મુસાફરો ધક્કામુક્કી કરવાને બદલે ત્યાં લાઇનમાં ઊભા રહેલા જોવા મળતા!