સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/એક એક પગથિયું...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંકલ્પની શકિત અદમ્ય છે. આ સંકલ્પની શકિત પણ માણસે કેળવવી પડતી હોય છે. નાના સંકલ્પો કરતાં કરતાં આગળ વધતાં જઈએ, તો આપણું સંકલ્પબળ ઘડાતું જાય. આથી જૈનધર્મમાં અણુવ્રતનું મહત્ત્વ મનાયું છે. શરૂઆતમાં નાનાં નાનાં અને સહેલાઈથી પાળી શકાય એવાં વ્રત લો અને પછી આગળ વધતાં જાઓ. આખો દિવસ સત્ય નથી બોલાતું, તો ચાલો હમણાં એક કલાક પૂરતો સંકલ્પ લો. એ કલાક દરમિયાન તમે અસત્ય નહીં જ બોલો. પછી ધીરેધીરે તમને ટેવ પડતી જશે, અને એવો અનુભવ પણ થતો જશે કે સત્ય બોલવામાં જ વધુ સુખ છે. એટલે પછી તમે તેમાં દૃઢ થતાં જશો. ધીમે ધીમે તમારી શકિત ને આત્મવિશ્વાસ વધતાં જશે, તેમ તમારું સંકલ્પબળ પણ પાકું થતું જશે. એક એક પગથિયું ચઢતાં ચઢતાં તમે ઠેઠ ઉપર પહોંચી શકશો. નાના સંકલ્પોમાંયે ઈશ્વર તમારી કસોટી તો કરશે જ. એ કસોટીમાંથી પાર ઊતરશો તો તમે આગળ વધી શકશો. એક વાર એક માણસ કાશીની જાત્રાએ ગયો. ત્યાં પંડાએ કોઈ ને કોઈ બાધા લેવાનો આગ્રહ કર્યો. એટલે એણે બાધા લીધી કે “કાગડાનું માંસ કદી નહીં ખાઉં.” હવે, આ તે કાંઈ બાધા છે? આ પહેલાં એણે કદી માંસ ખાધુંયે નહોતું. પણ એને એમ કે બાધાયે લીધી કહેવાય, અને છતાં કાંઈ સંયમ પાળવો ન પડે! પણ ભગવાનને કરવું તે એક વાર એ માંદો પડ્યો. ને ડોક્ટરે કહ્યું કે, કાગડાનું માંસ ખાઈશ તો જ જીવી જઈશ. આમ એને માટે ખરેખરો કસોટીનો પ્રસંગ આવી પડ્યો. પણ મશ્કરીમાં લીધેલી બાધા છેવટે એણે પાળી: “ના, મરવાનો હોઈશ તો મરીશ, પણ હવે આ બાધાને તો વળગી જ રહીશ.”