સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ ખન્ના/રૂપેરી પરદાના ચહેરા
મારા મિત્ર શિરીષ કણેકરે પોતાના પુસ્તકની પ્રસ્તાવના લખવાનો પ્રસ્તાવ મારી સામે મૂક્યો ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. ડિમ્પલે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારેય મને આટલું આશ્ચર્ય થયું નહોતું. એક મરાઠી પુસ્તકની પ્રસ્તાવના લખવાની ઓફર મને કોઈ કરી શકે એમ ક્યારેય લાગ્યું નહોતું. મેં તરત જ નકાર કર્યો. બાપજન્મારે ક્યારેય ચાર લીટીઓ લખી નથી.
શિરીષે જ્યારે મળે ત્યારે પ્રસ્તાવના વિશે કહ્યા કર્યું અને છેવટે હું આગ્રહનો ભોગ બન્યો. એક વાર એક કામ હાથમાં લઉં એટલે તે મન દઈને, પદ્ધતિસર કરવાનો મારો સ્વભાવ છે. મેં મારા સ્ટાફમાંથી મરાઠી માણસ પાસે આખું પુસ્તક બે વાર વંચાવ્યું. અર્થ ન સમજાયો ત્યાં પૂછી લીધો. જ્યાં મારો માણસ ઊણો ઊતરે છે એમ લાગ્યું ત્યાં લેખકની પોતાની જ પાસે ભૂલ વગરનું અંગ્રેજી ભાષાંતર કરાવ્યું. તે પછી મેં નોંધો કરી. મિત્રો સાથે ચર્ચા કરી. હવે મને આ નવી ભૂમિકાનો કેફ ચડ્યો હતો. આ ભૂમિકા ભજવવા માટે હું શરૂઆતમાં નારાજ હતો એ પણ ભૂલી ગયો. ગમે તે સમયે ફોન કરીને હું શિરીષને પૂછતો, “યાર, ઇસ કા ક્યા મતલબ હૈ?” તે કહેતો અને ઉપરથી સંભળાવતો, “યે લિટરેચર હૈ, કાકા! ‘છૈલાબાબુ’ નહીં હૈ.” એક તો એમનું કામ કરો અને ઉપરથી એમના જોડા ખાઓ! અને ઘમંડી તો રાજેશ ખન્ના જ. મારા પ્રયત્નો કુતૂહલથી જોયા કરતા મારા સેક્રેટરીથી એક દિવસ રહેવાયું નહીં તેથી મને પૂછ્યું, “ક્યા હો રહા હૈ, કાકાજી?” હું ‘મુગલે આઝમ’ના નિર્માણમાં ગૂંથાયો છું એમ તેને લાગ્યું હશે.
‘પુન્હા યાદોં કી બારાત’ (રૂપેરી પરદાના ચહેરાઓ) વાંચી લીધા પછી-ખરેખર તો વાચન ચાલુ હતું ત્યારે જ-મારી પહેલી પ્રતિક્રિયા હતી ચકિત થવાની. હિંદી ચિત્રપટ જેવા બજારુ મનાતા વિષયનું મરાઠી ભાષામાં આટલા ઊંચા દરજ્જાનું, અભ્યાસપૂર્ણ, શૈલીબાજ, વાચનીય, લલિત લેખન થતું હશે એની મને કલ્પનાયે નહોતી. એકંદરે અમારું સિનેમાવાળાઓનું વાચન જ મર્યાદિત. બહુશ્રુત કહી શકાય એવા લોકો અમારા વ્યવસાયમાં બહુ ઓછા જોવા મળે. જેમનું બોલવું કાન દઈને સાંભળીએ એવા ચાર જ માણસો મને ફિલ્મ-લાઇનમાં મળ્યા : વી. શાંતારામ, રાજ કપૂર, દિલીપકુમાર અને શબાના આઝમી! બાકી મોટા ભાગના બધા મારી જેવા!
શિરીષ કણેકરને હિંદી ચિત્રપટ માટે અને તેના કલાકારો માટે સાચો પ્રેમ છે, એ બાબત મને સૌથી વધુ મહત્ત્વની લાગે છે. તેથી ગ્લૅમરના ઝગમગાટ નીચે છુપાયેલું અંધારું તેને દેખાય છે. કલાકારના હૃદયની વેદના તેને સમજાય છે. સાયગલ, મધુબાલા, દુરાણી જેવા ચારછ દિવંગત કલાકારોને બાદ કરતાં આ પુસ્તકના બીજા બધા જ કલાકારોનો મને પરિચય છે, કામ નિમિત્તે તેમનો ઓછોવત્તો સંપર્ક થયો છે. કેટલાકને તો મેં ખૂબ નજીકથી જોયા છે. તોપણ વાંચતી વખતે મને તેમને વિશે કેટલી બધી નવી માહિતી મળી!
શિરીષની કલમની ભાવુકતા મને મૃદુ બનાવે છે. ‘તે અને તેની છાયા’, ‘હિન્દુ કો રામ મુસ્લિમ કો સલામ’, ‘દાદી અમ્મા’, “તેને ‘બીજો સાયગલ’ થવું હતું,” ‘ઉઘાડ બારણું દેવ હવે’ વગેરે લેખોએ મને અંતર્મુખ કર્યો. આટલાં વર્ષો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કાઢ્યાં પછી પણ હું અંદરથી જરા હલી ઊઠ્યો. ગ્લિસરીન વગર આંખમાં પાણી આવતાં નથી, એ મારી માન્યતા ખોટી પડી.
અનેક વાર લખીને અનેક વાર ફાડીને હું જિંદગીની પહેલી અને ઘણુંખરું છેલ્લી પ્રસ્તાવનાને બે હાથ જોડતો હતો, ત્યારે એકાએક મારા મનમાં એક શંકા જાગી. મેં તે તરત જ શિરીષને કહી, “મેં આટલો પરિશ્રમ કર્યો તોય તેં જ મારા નામે પ્રસ્તાવના લખી છે એમ લોકો નહીં કહે એની શી ખાતરી?”
“નહીં કહે,” તે શાંતિથી બોલ્યો, “હું સારું લખું છું.”
આ સાંભળી મારાથી કરી શકાય તેવું હતું તે જ મેં કર્યું. હું જાણતો હતો એવી પંજાબીમાં છે-નથી એવી ગાળો મેં તેને દીધી. હવે સાત મહિના મોટા હોવાનો ફાયદો ઉઠાવીને હું શિરીષ કણેકરને આશીર્વાદ અને તેના આ ઉત્કૃષ્ટ પુસ્તકને શુભેચ્છા આપું છું. બાકી કશા માટે નહીં, પણ પ્રસ્તાવના માટે લોકો પુસ્તક લેશે એની મને ખાતરી છે.
(અનુ. જયા મહેતા)
[‘રૂપેરી પરદાના ચહેરાઓ’ પુસ્તક : ૨૦૦૩]