સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરાબ કરવાની કળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોઈ કહેશો કે ખરાબ કરવાની કળા ઉપર લખવાનું શું પ્રયોજન? આવા લેખનો ઉપયોગ શો? હું કહું છું કે આવા સવાલ કરનારે આ લેખ વાંચવો જ નહીં, કારણ કે આ લેખ સમજવાનો તે અધિકારી નથી. ખરાબ કરવું એ જ જગતનું રહસ્ય છે. જગતમાં મોટા થવું એમાં જ કૃતકૃત્યતા રહેલી છે, એમાં તો કોઈથી ના પડાય એમ નથી. મોટા થવું એટલે બીજી ચીજો અને વ્યકિતઓ ઉપર સ્વામિત્વ મેળવવું. અને સ્વામિત્વ એટલે ખરાબ કરવાનો હક. મારું છોકરું હોય તેને સારું ખવરાવવાનો ગમે તેને હક છે, પણ ખરાબ ખવરાવીને માંદું પાડવાનો માત્ર મને જ હક છે. મારા છોકરાને કાંઈ પણ સારું શીખવવાનો ગમે તેને હક છે; પણ ખરાબ શીખવવાનો, મારામાં જેટલા દુર્ગુણો હોય તેટલા બધા શીખવવાનો, મને એકલાને જ હક છે. બૈરી હોય, તો તેને સારી રીતે બોલાવવાનો ગમે તેને હક છે; પણ તેને ગાળ દઈને બોલાવવાનો, લાકડી મારવાનો માત્ર તેના સ્વામીને જ હક છે. સ્વામિત્વનું ખરું રહસ્ય જ ખરાબ કરવામાં રહેલું છે. આ બાબત લોકવ્યવહારમાં સ્વીકારાઈ છે. એક લોકડહાપણની વાર્તામાં આ જ સ્વીકારાયું છે: “કેમ મિયાંસાહેબ, આ લડકા તમારા હૈ?” “સાલા, મેરા નહીં તો ક્યા તેરા હૈ?” “નહીં નહીં, મિયાંસા’બ, આપકા આપકા. શિયાળામાં અચ્છી તરહ સાલમપાક ખિલાઓ.” “મૈં ચાહુંગા તો સાલમપાક ખિલાઉંગા, નહીંતર માર મારકે સાલાકી ઠૂંસ કાઢુંગા—ઇસમેં તેરા ક્યા?” આ સત્ય નહીં સમજાવાથી કેટલાક માણસો બહુ અધીરા થઈ જાય છે. આ સત્ય જો બરાબર સમજાય તો કોઈ પણ સુધારક નકામી સ્ત્રી-સ્વાતંત્ર્યની વાતો ન કરે, કોઈ પણ મોન્ટેસોરી નકામાં કેળવણીનાં ટાયલાં ન લખે. આ આખી બોલ્શેવિક હિલચાલ આ સત્ય નહીં સમજવાથી થયેલી અધીરાઈનું પરિણામ છે. હવે જરા ખરાબ કરવાની કલા જીવનના એક બીજા પ્રદેશમાં જોઈએ. તેમાં મને મુખ્ય ચોપડી બગાડવાની કળા લાગે છે. પુસ્તકોના એક મહાન વાચકને કોલેજની પરીક્ષાઓનો ઘણો અનુભવ થઈ ગયેલો. તેઓ પાંચ-સાત જાતની પેન્સિલો રાખતા. સાધારણ અગત્યનું હોય તેને અમુક રંગથી નિશાની કરતા. તેથી વધારેને માટે બીજો રંગ, તેથી વધારે માટે ત્રીજો, એમ અગત્યની જુદી જુદી કોટિઓ માટે તેમણે પાંચ-સાત રંગ નક્કી કરેલા. પછી પરીક્ષા પહેલાં એક માસ હોય ત્યારે પહેલા રંગનું વાંચવું, પછી પંદર દિવસે બીજા રંગનું... અને છેક છેલ્લે દિવસે તો સૌથી વધારે અગત્યદર્શક રંગની નિશાનીઓ વાંચી જવી. વળી માર્જિનમાં N. B., Imp., Very Imp., Most Imp. (ધ્યાનમાં રાખો, અગત્યનું, બહુ અગત્યનું, ઘણું જ અગત્યનું) વગેરે લખતા. તે ઉપરાંત L. B. H. લખતા. આ છેલ્લી ‘લાઘવી’ તો ડિક્શનરીમાં પણ કદાચ ન મળે, માટે કહું છું કે તેનો અર્થ Learn by heart, એટલે કે ‘ગોખી મારો’ એવો થાય છે. તે ઉપરાંત બે લીટીઓ વચ્ચે અને માર્જિનમાં શબ્દોના અર્થો કે પ્રોફેસરોએ કહેલું લખી લેતા. ટૂંકમાં, ચોપડીનાં પાનાંમાં ક્યાંય પણ કોરી જગા રહેવા ન દેતા. [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]