સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ગિજુભાઈનાં સંસ્મરણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મારા પિતા વિશ્વનાથ પાઠક અને ગિજુભાઈના મામા હરગોવિંદ પંડયા બન્ને ગાઢ મિત્રો. એ બન્નેની એક જ ઇષ્ટ ઉપર શ્રદ્ધા, પરસ્પરની મમતા, એકબીજાની હિતચિંતા. એનો વિચાર કરું છું ત્યારે લાગે છે કે એ જાતની મિત્રાતા જ અત્યારે રહી નથી. મારા પિતા જેતપુરમાં સ્કૂલમાસ્તર હતા અને હરગોવિંદભાઈ ભાવનગરના સ્ટેશનમાસ્તર હતા. જેતપુરમાં અંગ્રેજી પાંચ જ ધોરણ હતાં, જે પૂરાં કર્યા પછી મને ભાવનગર રાખવાની મારા પિતાની ઇચ્છા હતી. એટલે ઘરબહાર રહેતાં શીખું અને ભાવનગરથી કંઈક પરિચિત થાઉં એટલા માટે હું અંગ્રેજી ચોથું ધોરણ ભણી રહ્યો ત્યારે, બન્ને મુરબ્બીઓએ નક્કી કર્યા પ્રમાણે, મારા પિતાએ મને ભાવનગર હરગોવિંદભાઈને ત્યાં દિવાળીની રજાઓ ઉપર થોડા દિવસ રહેવા મોકલ્યો. હરગોવિંદભાઈના મોટા પુત્ર હીરાલાલ (પોપટભાઈ) અને ગિજુભાઈનો મને ત્યાં સૌથી પહેલો પરિચય થયો. અમે ત્રણેય લગભગ સરખી ઉંમરના. ગિજુભાઈએ નાની ઉંમરમાં પણ પોતાના મનમાં એટલો નિશ્ચય કરી દીધેલો કે હરકોઈ માણસ ઉદ્યોગથી અને ખંતથી મહાન કાર્ય કરી શકે છે. એ વૃત્તિ તેમનામાં બેન્જામિન ફ્રાંકલિનનાં પુસ્તકો વાંચવાથી જાગી હતી. ફ્રાંકલિનનું જીવનચરિત્રા એ તેમનું પ્રિય પુસ્તક હતું. કોઈ અંગ્રેજી પુસ્તકમાંથી ફ્રાંકલિનનાં વચનો વાંચી તેઓ વારંવાર બોલતા : Dost thou love life? Then do not squander time, for that is the stuff life is made of. તને જીવન વહાલું છે? તો સમય વેડફી નાખીશ મા, કારણ કે જીવન સમયનું બનેલું છે. Sleep not, for there will be enough time to sleep in the grave. ઊંઘ મા, કારણ કે કબરમાં ઊંઘવાને પુષ્કળ વખત મળશે. આ વાક્યો તેમના બોલવાથી જ મને યાદ થઈ ગયેલાં. ગિજુભાઈ ઠેઠ સુધી નાનાં સાથે રમતા, પણ ઉદ્યોગપરાયણતા તેમના જીવનની સફળતાનું મોટામાં મોટું કારણ છે તે ભૂલવું નહીં જોઈએ. મોટી ઉંમરે તેઓ ભાવનગરમાં બાળમંદિર ચલાવતા, ત્યારે રાતે ઉજાગરો કરીને પણ ટપાલના જવાબો આપતા અને લેખો કે પાઠો લખતા મેં તેમને જોયેલા છે. પછી પાંચમી અંગ્રેજી પૂરી કરી હું આગળ ભણવા ભાવનગર ગયો. ત્યાં ગિજુભાઈ તથા હું મારા પિતાના તથા હરગોવિંદભાઈના મિત્રા ચૂનીભાઈ ભટ્ટને ઘેર રહેવા ગયા. ગિજુભાઈ વાંચવામાં ઘણા નિયમિત અને મહેનતુ હતા. સાહિત્યનો શોખ અમને બન્નેને સારો હતો. શ્રી અંજારિયાનું ‘કાવ્યમાધુર્ય’ વગેરે અમે અહીં ખૂબ વાંચેલું. અમને આવડે એવા રાગડા તાણીને અમે સંસ્કૃત શ્લોકો, ગુજરાતી કવિતા અને ગઝલો પણ ખૂબ આરડતા. આ સમયમાં ગુજરાતી વાર્તાઓ, સંસ્કૃતમાં ‘મેઘદૂત’ વગેરે, કંઈક વેદાંત અને થિયોસોફી જેવું ધર્મસાહિત્ય અને અંગ્રેજી પણ વાંચતા.

*

ગિજુભાઈ મિત્રો એકદમ કરી શકતા. તેમનું મિત્રામંડળ મોટું હતું. નાનપણના સાથીઓ જોડે પણ તેમણે ઠેઠ સુધી સંબંધ રાખેલો. પોતાથી હલકી ગણાતી સ્થિતિના મિત્રો સાથે વ્યવહાર રાખતાં તે કદી શરમાતા નહીં, તેમ જ વધારે ઊંચી સ્થિતિના માણસોથી ડઘાતા નહીં. પોતાની વાત કરતાં સંકોચ ન રાખવો, મુશ્કેલીમાં મૂંઝાવું નહીં, “કોઈના ભાર શા છે!” એ મનોવૃત્તિ એમને સ્વાભાવિક હતી. આ વૃત્તિને લીધે તેઓ સહેલાઈથી નેતા થઈ શકતા. ગિજુભાઈએ હાઈકોર્ટ પ્લીડર થવાનું નક્કી કર્યું, અને મુંબઈમાં રહી કાયદા— શિક્ષણના વર્ગોમાં હાજરી આપવા માંડી. હું પણ તે વખતે એલએલ.બી.નો અભ્યાસ કરતો હતો. અમે બન્નેએ લોઅર પરેલમાં નવી બંધાયેલી ચાલોમાં પાસે પાસે ઓરડીઓ લીધી. અમે અત્યંત ગાઢ સંબંધથી સાથે રહેવાનું શરૂ કર્યું. થોડાં વરસો ઉપર અમે બે સાથે અભ્યાસ કરતા, ત્યારે આદર્શ મૈત્રી તો માત્ર પુરુષોના સંબંધની નહીં, પણ બે દંપતીઓની ગણાય, એવી ચર્ચા ઘણી વાર કરતા; તે સાચું પાડવાનો વખત આવ્યો જણાયો. અને છતાં એક બનાવ બની ગયો. અમારી વચ્ચે અણબનાવ થયો. અમે સહકુટુંબ પરસ્પર અબોલા લીધા. અમે એકબીજાને ટાળીને ચાલવા લાગ્યા. એવું વૈમનસ્ય ઠીક ઠીક ચાલ્યું. એમાંથી અમારો મેળ કરાવી આપનાર અમારા મુરબ્બી હરગોવિંદભાઈ. અમારા અણબનાવની વાત બધા મુરબ્બીઓથી અમે છાની રાખેલી, છતાં એમણે ક્યાંકથી એ જાણેલી. તેમણે અમને બન્નેને ભેગા કર્યા અને “બન્ને ભેટો” એમ કહીને અમને પરસ્પર ખરેખર ભેટાડયા! અમે મિત્રો હતા ત્યારે પણ કદી ભેટેલા નહીં, એટલે આમ ભેટતાં અમને બહુ કફોડું લાગેલું. અને અમારો જૂનો મૈત્રીસંબંધ પાછો શરૂ થયો. લોકો કહે છે કે દોરી તૂટે તેને ફરી સાંધીએ તો પણ વચમાં ગાંઠ તો રહી જાય; પણ અમારી વચ્ચે ગાંઠ પણ રહી નહોતી. સાધારણ રીતે સંસ્મરણોમાં કોઈ પોતાનો અણબનાવ ભાગ્યે જ લખે. મેં લખ્યો છે તેનું કારણ એ નિમિત્તે મારે એકબે બાબત કહેવી છે. મારે કહેવાનું છે કે મૈત્રી તૂટી હોય તોપણ પાછી સાંધી શકાય છે. એમ અમારા સંબંધમાં ન બન્યું હોત, તો કદાચ એ બાબત મેં કહી પણ ન હોત. અને બીજું એ કે અમારી વચ્ચે જે અણબનાવ થયો હતો તેનું નિમિત્ત તો હું ભૂલી ગયો છું, પણ તેનું તાત્ત્વિક કારણ અત્યારે મને મૈત્રીનો અતિ ઉત્સાહ જણાય છે. મૈત્રીના અતિ ઉત્સાહમાં અમે જોઈએ તે કરતાં એકબીજાની વધારે નિકટ ગયા, અને એ નિકટતાથી જ અમે કંટાળ્યા, તેના પ્રત્યાઘાતથી જ અણબનાવ થયો. ખાસ ભીડ કે કોઈ મહાન ભાવનાથી આવશ્યક થયેલી જરૂરતને લીધે ભેગાં રહેવું પડે એ જુદો સવાલ છે, નહીંતર મિત્રોએ પણ ધીમે ધીમે જ નિકટ જવું જોઈએ. મૈત્રી વિશે બીજું ગમે તે કહીએ, પણ તે કાલસાધ્ય છે; આગ્રહથી તેનો વેગ કે ઘનતા વધારી શકાતી નથી.

*

ગિજુભાઈમાં પ્રચારશક્તિ સારી હતી, એમ કહી શકાય. પણ એમ કહેતાં એક વિવેક કરવાની જરૂર છે. કેટલાક માણસો પોતાની મોટાઈ અર્થે પ્રચારશક્તિનો ઉપયોગ કરે છે. પણ જ્યારે કોઈ માણસ પોતાની શ્રદ્ધાનું ધ્યેય લોકગમ્ય કરવા પ્રચાર— શક્તિનો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં દોષ નથી. તેમાં પણ ગિજુભાઈના ધ્યેયની સફળતા લોકસ્વીકાર ઉપર જ આધાર રાખતી હતી. બાળકો ઉપરનો કેળવણીને નામે થતો અત્યાચાર ત્યારે જ બંધ થાય કે જ્યારે માબાપો તે તત્ત્વ સમજે. અને ગિજુભાઈએ એમ કરવામાં પ્રયત્નની ક્યાંય પણ ખામી રહેવા દીધી નથી. તેમણે બાળકેળવણી હાથમાં લીધી ત્યાં સુધી એ પ્રથા ઉપર થોડા કેળવણીકારો સિવાય કોઈ વિચાર નહોતું કરતું, અને તેમણે એ વિષયમાં પ્રવેશ કર્યા પછી ગુજરાતનો વિચાર કરી શકે તેવો લગભગ દરેક માણસ તેને વિશે વિચાર કરતો થઈ ગયો છે. એ સફળતાની પાછળ ગિજુભાઈની અથાગ મહેનત રહેલી છે. જાગૃતિના બધા કલાકો મેં તેમને તેમના ધ્યેય પાછળ કામ કરતા જ જોયા છે. તેમણે નવરાશને ઓળખી નથી. બે ઘડી ખાટે બેઠા હોય, પાસે તેમનું એકાદ બાળક હોય તેને પંપાળતા જતા હોય, તેનું મન રાખતા જતા હોય, અને આસપાસના સહાયક શિક્ષકો, વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ સાથે વાતો કરતા હોય, કાગળોના જવાબ આપતા હોય. ગિજુભાઈને પગાર મળતો હતો તેના પ્રમાણમાં તેમને વારંવાર પૈસાની ભીડ ભોગવવી પડતી હતી. કુટુંબમાં એ મોટા, એટલે કદાચ તેમને માથે આર્થિક જવાબદારી પણ વધારે હશે. પણ મુખ્ય મુશ્કેલી તો એ કે પોતાના ધ્યેય માટે ખર્ચ કરતાં તેમને ગણતરી આડી આવી શકતી નહીં. અને તેમની સફળતા જેટલે અંશે તેમની ખંત, મહેનત, ધૂન, ધ્યેયનિષ્ઠાને આભારી હતી એટલે જ અંશે આ ત્યાગ અથવા બિનગણતરીપણાને આભારી હતી. એ સ્વભાવથી માણસને ઘણું સોસવું પડે છે, પણ એના વિના જગતનું કોઈ મોટું કામ થઈ શકતું નથી.

*

મેં તેમને છેલ્લા તેમની છેલ્લી માંદગીમાં જોયા. હૉસ્પિટલમાં હું તેમને જોવા ગયો. મને જોઈને પહેલાં તો તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. તેઓ બોલી શકતા નહોતા. મને લખીને કહ્યું : “હવે વધારે ટકી શકવાનો નથી.” મેં કહ્યું : “હજી તો ઘણું કરવાનું છે. આટલાં વરસ જંપ્યા વિના કામ કર્યું છે, એટલે થોડો ફરજિયાત આરામ લેવાનો આવ્યો છે. એ આરામનો વખત શાંતિથી પસાર કરો.” મારી એ મુલાકાત છેલ્લી જ નીવડી. અલબત્ત, તેમણે ઘણું નવું કામ કરવાનું શરૂ કર્યું હતું, તે અધૂરું રહી ગયું. છતાં હું માનું છું કે દુનિયામાં કરવા ધારેલા કામ માટે પોતાની શક્તિઓથી કામ કર્યાનો પૂરો સંતોષ લઈ તેમણે આ દુનિયા છોડી છે. માણસ માટે એ ધન્યતા ઓછી નથી. [‘જીવનચરિત્રાત્મક નિબંધ-સંચય’ પુસ્તક]