સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામભાઈ અમીન/‘કૂતરાની જલેબી પેટે’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગુજરાત સરકાર તરફથી નવરાત્રી મહોત્સવ ઊજવાઈ ગયો. આ ઉજવણી માટેનાં નાણાં રાજ્યની નવ મોટી કંપનીઓ પાસેથી ફાળારૂપે એકત્ર કરવામાં આવ્યાં હતાં, એવા અખબારી હેવાલો છે. મને એક વાત યાદ આવે છે. એક શેઠજી એમના ચોપડામાં ‘કૂતરાની જલેબી માટે’ એમ લખીને પેઢીના ખર્ચ તરીકે બતાવતા. ઇન્કમટેક્સમાં જ્યારે આ ચોપડા રજૂ કર્યા ત્યારે ઓફિસરે પૂછ્યું: “શેઠજી, આ કૂતરાની જલેબીનું ખર્ચ વારંવાર બતાવ્યું છે તેનો શો અર્થ?” ત્યારે શેઠજી કહે, “સાહેબ, તમારા જેવા સરકારી માણસો આવે અને એક યા બીજા બહાને નાણાંની મદદ માગે અને તે વખતે જે નાણાં આપીએ તેનું ખર્ચ અમે ‘કૂતરાની જલેબી’ તરીકે બતાવીએ છીએ.” પેલા ઇન્કમટેક્સ ઓફિસરે ખર્ચ માન્ય કર્યું. હવે સવાલ થશે કે (૧) શું નવરાત્રી મહોત્સવ ઊજવવાની રાજ્યની ફરજ ખરી? (૨) જો હોય તો રાજ્યના ખર્ચે કેમ નહીં? (૩) જો સરકાર આ રીતે નાણાં લે તો આ કંપનીઓ તેનો બદલે નહીં માંગે? (૪) જો તેઓ વીજળી પેદા કરતી હશે તો સરકારને તેની વીજળી ખરીદવી પડશે. જો સરકાર તેમના ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા હશે અને પ્રદૂષણ બોર્ડે નોટિસ આપી હશે તો સરકારને એ નોટિસ પાછી ખેંચવી પડશે અથવા તેનો અમલ મોકૂફ રાખવો પડશે. શું આ બાબત રાજ્યનો યોગ્ય રીતે વહીવટ કરવામાં બાધા ઊભી નહીં કરે? (૫) આ કંપનીઓ તો મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. તેમની મદદ જો સંસદ-સભ્ય ચંૂટણી વખતે લે તો લાંચ લીધી તેમ ગણતા હો, તો મુખ્ય મંત્રી મદદ લે તો લાંચ લીધી કેમ ન ગણાય? (૬) આ રીતે નાણાં લીધા પછી સરકાર નિષ્પક્ષ રીતે વહીવટ કરી શકશે ખરી? (૭) આ કંપનીઓ તો ગમે તે રાજકારણીને મદદ કરવા તૈયાર હોય છે. જો રાજકારણી એવી મદદ લે તો પોતાનું કામ જાહેર હિતમાં કરી શકે ખરા? (૮) કેટલાક મંત્રીઓ એમની સત્તા તળેનાં જાહેર સાહસોના ખર્ચે એમનાં રહેઠાણો તેમ જ ઓફિસની સજાવટ કરાવતા હતા તેને પણ લાંચ ગણવામાં આવે છે. તો પછી, સરકાર એની ઉજવણીના ખર્ચ પેટે આ રીતે નાણાં મેળવે તે અનૈતિક ગણાય. કાલે તેઓ નાણાં મેળવીને એ નાણાં પોતાની પાસે રાખે અને ખર્ચ રાજ્યના બજેટમાં બતાવે તો આપણે ક્યાંથી જાણી શકીએ? (૯) આ કંપનીઓ એમનું ખર્ચ કેવી રીતે બતાવશે? એમનાં કાળાં નાણાંમાંથી આ ફાળો આપશે? જો તેમ કરે તો સરકાર પોતે જ કાળાં નાણાં વાપરે છે અને ઉત્તેજન આપે છે તેમ થશે. જો તેઓ ખર્ચ પેટે લખે તો તે કંપનીના ખર્ચ તરીકે કેવી રીતે માની શકાય? શું તેઓ ‘કૂતરાની જલેબી પેટે’ લખશે?’ (૧૦) સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તરફથી સ્પષ્ટ જણાવેલું છે કે જાહેર સાહસોના અમલદારો દિવાળીની ભેટરૂપે કશું લઈ શકે નહીં. હવે જો દિવાળીની ભેટ પણ ન લઈ શકાતી હોય તો નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે ખાનગી કંપનીઓ પાસેથી ફાળો કેવી રીતે મેળવી શકાય? આ ફાળો જો સરકારે ઉઘરાવેલો હશે તો એનો હિસાબ આપવાની તો સરકારના સેક્રેટરીની જવાબદારી ગણાય નહીં. આ નાણાં અન્ય ઉપયોગમાં લઈ જવાં હોય તો લઈ જઈ શકાય. તે નાણાં ચૂંટણીમાં વાપરવાં હોય તો વાપરી શકાય. તે નાણાં પોતાના ખર્ચ માટે વાપરવાં હોય તો વાપરી શકાય? [‘નિરીક્ષક’ પખવાડિક: ૨૦૦૪]