સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/જંગ માંડ્યો છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જવાહરલાલજીએ એક સભામાં જોશીલી વાણી ઉચ્ચારી કે, આપણો દેશ ગરીબીની સામે યુદ્ધે ચડયો છે; પંચવર્ષીય યોજનાઓ એ આ યુદ્ધની વ્યૂહરચના છે. આ દેશનો કોઈ પાયાનો પ્રશ્ન હોય તો તે કાતિલ ગરીબાઈ છે. દેશના સત્ત્વને નિરંતર ચૂસી રહેલી આ ગરીબાઈને આપણે હટાવી ન શકીએ ત્યાં સુધી સામાજિક, નૈતિક કે આધ્યાત્મિક જીવનના કોઈ પણ ક્ષેત્રો વ્યાપક પ્રમાણમાં ઝાઝી પ્રગતિ થઈ શકવાની નથી. એટલે જ જવાહરલાલજી જેવા એવી ભાષા ઉચ્ચારે છે કે આપણો દેશ ગરીબી સામે યુદ્ધે ચડયો છે. પણ આપણે સૌ આપણાં મનને સવાલ પૂછીએ કે આપણે યુદ્ધે ચડયા હોઈએ એવું આપણને લાગે છે? દેશમાં પંચવર્ષીય યોજનાનાં કામ ચાલે છે એ ખરું; એણે નિરધારેલા લક્ષ્યાંકો પણ કંઈક ઓછાવત્તા પ્રમાણમાં સિદ્ધ થતા જાય છે એય ખરું. પણ આ દેશની પ્રજા ખરેખર કોઈ કારમી સ્થિતિમાંથી મુક્ત થવા માટે એક થઈને યુદ્ધે ચડી હોય, એવું આપણા જીવન-વ્યવહારમાંથી કંઈ પ્રગટ થાય છે ખરું? આપણો જીવનમાર્ગ રૂંધી રહેલ કોઈ ભયંકર દુશ્મનને પરાસ્ત કરવા માટે એની સામે આપણે જીવસટોસટની બાજી ખેલી રહ્યા છીએ, એમ આપણા જીવનના રંગઢંગથી કોઈને લાગશે ખરું કે? થોડાં વરસ પહેલાં આપણા દેશે વિદેશી સલ્તનત સામે જંગ માંડયો હતો. દેશનો આત્મા અંદરથી અકળાઈ ઊઠયો હતો. ગુલામી એના રોમેરોમમાં ખટકતી હતી. ગાંધીજીએ માર્ગ બતાવ્યો, અને એ માર્ગે ચાલવા પ્રજા એકતાર થઈ ગઈ. ભણેલા, અભણ, શહેરવાસી, ગ્રામવાસી, રાય, રંક, ધનવાન, નિર્ધન, અરે આજાર— અપંગ સૌ કોઈનું એક જ લક્ષ્ય, કે ગમે તે થાય પણ પ્રજાનું સર્વ પ્રકારે સત્યાનાશ વાળનારી પરતંત્રાતાને નહિ સાંખી લઈએ. ગમે તે સંકટો આવે, ગમે તે જોખમો આવે, અમારી જમીન-જાગીર, માલમિલકત ફના થઈ જાય, અમારે જીવનભર કારાવાસમાં સબડવું પડે કે અમને ગોળીએ દેવામાં આવે; ગમે તે થાય, અમે અમારી માતૃભૂમિની પરાધીનતા બરદાસ્ત કરવાના નથી. સૌના મનમાં આ એક જ વિચાર, સૌના દિલનો એક જ ધબકાર, સૌની જીભે એક જ ઉચ્ચાર. એમાંથી એવી પ્રચંડ શક્તિ પેદા થઈ કે દુનિયાની સૌથી મજબૂત ગણાતી સલ્તનતના પાયા ઊખડી ગયા. દેશ ગુલામીના શાપમાંથી મુક્ત થયો. ગુલામીની જેમ ગરીબી પણ આવો ભીષણ ભયાનક શાપ છે, આપણા કરોડો દેશવાસીઓને નિરંતર ભરખી રહ્યો છે અને નઃસત્ત્વ બનાવી રહ્યો છે, એમ આપણને લાગે છે ખરું? એના ખ્યાલ માત્રાથી આપણને અકળામણ થાય છે ખરી? દૂધ— ઘી કે છાશનાં જેને દર્શન પણ થતાં નથી એવાં લાખો સુકુમાર બાળકો, એક જ વસ્ત્રો વર્ષ વિતાવતી અસંખ્ય મા-બહેનો, રાતદિવસ વૈતરું કરતા ખેડૂત-મજૂરો અને એક ટંકની પણ રાબ-છાસ મળી રહેશે એ આશાએ કામની શોધમાં ભટકતા લાચાર બેકારો — એ બધાંની કલ્પના કરતાં બેચેન થઈ જવાય છે ખરું? આ બધાં અમારાં બહેન-બાંધવો છે, એમનું દુઃખ તે અમારું દુઃખ, અમે આ પરિસ્થિતિ ક્ષણવાર પણ નહિ સાંખી લઈએ — એવો પોકાર આપણા દિલમાં ઊઠે છે ખરો? એમ ન થતું હોય તો શી રીતે કહી શકીએ કે આપણે ગરીબી સામે જંગ માંડયો છે? દેશ ગરીબી સામે યુદ્ધે ચડયો છે ત્યારે એને માટે જે કોઈ વ્યૂહરચના જરૂરી હોય તે કરો, મને એ શિરોમાન્ય છે. મારી જમીન, મિલકત, મારું ધન, મારાં સાધન, મારી બુદ્ધિ, મારી શક્તિ, મારું તમામ આ યુદ્ધ જીતવા માટે છે. એને માટે જે રચના કરવી હોય તે કરો, જે કાનૂન ઘડવા હોય તે ઘડો, જે નિયમ બનાવવા હોય તે બનાવો. અને એનું પાલન કરવા માટે સૌથી પહેલું મારું નામ લખો. દેશ ગરીબ રહે, મહેનત-મજૂરી કરનાર મુસીબત ભોગવે, કરોડો માણસોને સામાન્ય જીવનજરૂરિયાતનાં સાંસાં હોય, ત્યાં સુધી બીજાની પહેલાં એકદમ સુખી થઈ જવાની, ઝટઝટ કમાઈ લેવાની, બંગલા-મોટર વસાવવાની, વેપારધંધા જમાવી લેવાની, વાડીખેતર વિસ્તારવાની, મૂડી ભેગી કરી લેવાની — અરે, ઝટઝટ ભણી લઈને અમલદારી મેળવી લેવાની મને ઇચ્છા નથી. એનાથી તો દેશ દયાહીન અને કઠોર થાય. એ તો ગરીબી કરતાંય મોટો શાપ. આપણે એવું થવા દેવું નથી. આ દેશ મારું કુટુંબ છે; એમાં એક પણ માણસ ગરીબ રહે ત્યાં સુધી મને ચેન પડવાનું નથી અને તેથી ગરીબીને ખતમ કરવા માટે જે કાંઈ કરવું પડે, જે કંઈ છોડવું પડે તે બધું અમને મંજૂર છે — એવો પોકાર આપણા દિલમાંથી ઊઠે છે ખરો? જવાહરલાલજી કહે છે કે આપણો દેશ યુદ્ધે ચડયો છે. પણ વાતાવરણમાંથી એવો યુદ્ધનો પોકાર ઊઠતો જણાતો નથી. દેશના હિતમાં આપણું હિત છે એમ કહીએ છીએ ખરા, પણ બન્ને હિત વચ્ચે વિરોધ આવે ત્યારે આપણા હિતને દેશહિત કરતાં મહત્ત્વનું માનીએ છીએ. આપણને સૌને આપણાં હિત એક હોય એમ લાગતું નથી ને તેથી સૌ પોતપોતાનાં અલગ હિતની વેતરણમાં પડી ગયા છીએ. લગભગ દરેક વ્યક્તિ, દરેક વર્તુળ, દરેક વર્ગ અન્યનો વિચાર કર્યા વિના પોતાનો, પોતાના વર્તુળનો કે પોતાના વર્ગનો વિચાર કરીએ છીએ ને બીજા કોઈની ચિંતા કર્યા વિના, પરવા કર્યા વિના પોતપોતાની સ્થિતિ મજબૂત કરવાની મહેનત કરીએ છીએ. યુદ્ધ જેવો પુરુષાર્થ દેખાય છે ખરો, પણ તે દેશને માટે નહિ — પોતપોતાને માટે. સૌની દિશા એક નથી, સૌનાં કદમ એક નથી, સૌના તાલ એક નથી. આથી એકબીજા સાથે અથડાઈએ છીએ, ભટકાઈએ છીએ, એકબીજાની આંટીએ ચડીએ છીએ. આવી આપણી ચાલ છે. આ જાતનું લશ્કર યુદ્ધે ચડયું હોય તોપણ યુદ્ધ જીતી શકાય ખરું? દેશના અર્થશાસ્ત્રીઓ, અભ્યાસીઓ, અનુભવીઓ નવી પંચવર્ષીય યોજનાના પાયા વિચારી રહ્યા છે. પણ એ બધા પાયાનોય પાયો પહેલાં માંડવો પડે તેમ છે — અને તે રાષ્ટ્રનો આત્મા જાગ્રત કરવાનો. સ્વાર્થ અને સંચયની મૂર્છામાં રાષ્ટ્ર કેવો જકડાયો છે, એનાં કારણો શાં છે, એ મૂર્છા કેવી રીતે ઉતારી શકાય એને અંગેના રસ્તા વિચારવાના છે. રાષ્ટ્રની મૂર્છા ઊતરે, એનામાં નવી ચેતનાનો સંચાર થાય અને સૌ પોતાની જાતને વીસરીને ગરીબી સામેના જંગમાં આત્મસમર્પણ કરવાની પ્રેરણા પામે એ માટેની હવા નિર્માણ કરવાની છે. એવી હવા પેદા કર્યા વિના, એ મૂળ પાયો માંડયા વિના, બીજા બધા પાયા કાચા જ નીવડવાના છે.