સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વર્ષા પટેલ/સુખ સતાવે છે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હમણાં મારે ઇઝરાયલમાં મહિનોએક રહેવાનું થયું. ત્યાં એક કિબુત્ઝમાં અમે રહેતાં હતાં. કિબુત્ઝ એટલે સહકારી ગામ. ત્યાં ગામના બધા લોકો એક રસોડે જમે. ગામ આખાની આવક સહિયારી, તો ખર્ચ પણ સહિયારું. દરેકને પોતાની મહેનતના પ્રમાણમાં દામ મળે, એવી અસમાનતા પણ નહીં. કારણ કે મહેનત કરવાની શક્તિ બધાંમાં એકસરખી નથી હોતી. દરેક વ્યક્તિની જરૂરિયાત અને ગામની શક્તિ, એ બેયનો મેળ બેસાડીને ત્યાં સૌને સગવડો આપવામાં આવે છે. ગામમાં સારાહ નામની મારે એક બહેનપણી. એના પતિનું નામ ઈઝી. એ ભાઈ કૉલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરે. ગામથી ૪૦ કિલોમીટર દૂર તેલ-અવીવ શહેરમાં રોજ ભણવા જાય. એક દિવસ મેં સારાહને સહેજે પૂછ્યું, “ઈઝીને ભણવાનું ખર્ચ તો ગામ તરફથી મળતું હશે ને?” સારાહ કહે, “ના, મારા સસરા અમેરિકા છે; ઈઝીના અભ્યાસ માટે એ ત્યાંથી પૈસા મોકલે છે.” મને જરા નવાઈ લાગી : “કિબુત્ઝમાં તો માણસનો બધો ખર્ચ ગામ જ ભોગવતું હોય છેને?” સારાહે સમજાવ્યું કે, “ગામમાંથી આઠેક જણ ભણવા જાય છે. હાઈસ્કૂલ સુધીના અભ્યાસ માટેની બધી સગવડ સૌને ગામ તરફથી મળે છે. ઉચ્ચ શિક્ષણ માટેનો ખર્ચ પણ ગામ ભોગવે. પરંતુ એવા શિક્ષણ માટેનો ખર્ચ ગામ જેટલાં વરસ ભોગવે, તેનાથી ત્રાણ ગણાં વરસ એ વિદ્યાર્થીએ ગામના સભ્ય તરીકે રહેવું પડે, એટલી શરત હોય છે. જો એવું ન હોય તો પછી લોકો ગામને ખરચે ઉચ્ચ શિક્ષણ લે અને પછી ગામ છોડીને પોતાને જ્યાં વધુ લાભ મળે ત્યાં જતા રહે, એવું બને.” મેં કહ્યું, “તો ઈઝીનો અભ્યાસ પૂરો થાય પછી આ ગામ છોડીને બીજે જવાનો તમારો વિચાર હશે, એટલે તમે શિક્ષણ-સહાય નથી લેતાં.” સારાહ કહે, “હજી એ નક્કી નથી; કદાચ ગામ છોડીએ પણ ખરાં.” “બહાર વધુ આવક મળતી હોય તો આવો વિચાર આવે તે સ્વાભાવિક છે,” હું બોલી. સારાહે ખુલાસો કરતાં કહ્યું, “અહીં કિબુત્ઝમાં અમને કોઈ કમીના નથી. ખાવાપીવાના ભર્યા ભંડાર છે. હાથખરચીની સારી એવી રકમ મળે છે. વળી અમને જ બહુ પૈસા કમાવાની હોંશ નથી. નહીંતર મારા સસરા અમેરિકામાં પોતાના ઉદ્યોગમાં જોડાવા બોલાવ્યા જ કરે છે, ત્યાં જ ન જઈએ?” “તો પછી અહીં દિલ નહીં ચોંટતું હોય, એટલે ગામ છોડવાનો વિચાર આવતો હશે?” સારાહ કહે, “એક રીતે એમ કહી શકાય ખરું. બાકી, મારો તો જન્મ જ આ ગામમાં થયેલો. મારાં માબાપ અને ભાઈઓ પણ ગામમાં જ છે. ઈઝીને ચાહનારા અનેક મિત્રો છે. અહીંનું વાતાવરણ મને ખૂબ ગમે છે. એ રીતે જુઓ તો અમે અહીં બધી વાતે સુખી છીએ. પણ, બહેન, ઈઝીને સુખ સતાવે છે! અહીંનું સુખ તે સહી શકતો નથી.” “સુખ સહી ન શકાય, એવું તે હોતું હશે?” મારા એ પ્રશ્નના જવાબમાં સારાહ બોલી, “અમારું આ સુખ આખા રાષ્ટ્રનું સુખ બની રહે, એવું ઈઝીને લાગતું નથી. આમ તો ઇઝરાયલમાં સહકારી ગામ વસાવવાનું ૭૦ વરસથી ચાલે છે. એવાં મોટા ભાગનાં ગામ ભૂમધ્ય સમુદ્રને કિનારે ખડાં થયાં છે. એમાં યહૂદીઓ જ રહે છે. એમના પુરુષાર્થને લીધે આ બધાં કિબુત્ઝ નંદનવન શાં બન્યા છે. પણ આરબો ઇઝરાયલના રણપ્રદેશમાં વસેલા છે. એમનાં સહકારી ગામડાં નથી. ત્યાં રણવિસ્તારમાં પાણી, વીજળી, રસ્તાની સગવડ નથી. ત્યાં છે ફક્ત આરબો. અને અહીં કિબુત્ઝમાં છે એકલા યહૂદીઓ. ઇઝરાયલ જાણે કે બે ટુકડામાં વહેંચાઈ ગયું છે. જ્યાં મુખ્યત્વે આરબોની જ વસતી છે એવા વિસ્તારના લોકોમાં પોતાનું સ્વતંત્રા રાજ્ય સ્થાપવાની ભાવના ફેલાતી જાય છે. એને રોકવી હોય, ઇઝરાયલની એકતા-અખંડિતતા ટકાવી રાખવી હોય, તો ઈઝી કહે છે કે યહૂદીઓએ જઈને આરબોના વિસ્તારમાં વસવાટ કરવો જોઈએ. એમની સાથે મળીને ત્યાં પણ સુખસગવડ માટે પુરુષાર્થ કરવો જોઈએ. દેશની એકતા માટે અમારા જેવા કેટલાકે સ્વેચ્છાએ પોતાનાં સુખ છોડવાં પડશે. માટે ઈઝી અને તેના થોડા મિત્રો રણવિસ્તારમાં જઈ નવું કિબુત્ઝ રચવાનું વિચારે છે.”