સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/આશ્રમના આફતાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી. સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો. સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી. આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :

ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો!
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.