સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/હાસ્યનો અવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછ્યા કરતો. — ને કો એક સભામાં શ્રોતાઓના સવાલોના તક્ષણ જવાબ આપી તેમને ખડખડાટ હસાવતા જ્યોતીન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પેલો બીરબલ જ્યોતીન્દ્રનો દેહ ધરવા માંડ્યો! જ્યોતીન્દ્રને હું હાસ્યનો અવતાર જ ગણું છું. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં એક સભામાં ઉમાશંકરે કહેલું : “જ્યોતીન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે. મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ…” આનો વિરોધ કરતાં જ્યોતીન્દ્રે ઉમાશંકરના કાનમાં એ જ વખતે કહેલું : “આ બાબત મારી પત્નીને પૂછવું પડે…” જ્યોતીન્દ્રને વાંચવાનો જેટલો આનંદ છે એટલો જ, બલકે એથી યે અદકો, આનંદ તો એમને સાંભળવાનો છે. હાસ્યકાર બધું જ હસી કાઢતો હોય છે, એવું આપણને આ હાસ્યકારને વાંચતાં કદાચ લાગે; પણ જ્યોતીન્દ્રને મળવાથી જુદો જ અનુભવ થાય. એમની પાસે બેઠા હોઈએ ત્યારે જાણે કોઈ જ્ઞાનની પરબે બેઠા હોઈએ એવું જ લાગ્યા કરે. આમ તો એ પંડિત-પેઢીના લેખક છે. છતાં પોતાના જ્ઞાનથી કોઈનેય આંજી દેવાનો પ્રયાસ એ ક્યારેય નથી કરતા. પંડિતાઈનો એમના માથે ખોટો ભાર નથી. હા, પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર પોતાના લખાણમાં પંડિતાઈનો ઉપયોગ સરસ રીતે કરી શકે છે. સંગીતથી માંડીને બંદૂક સુધી ને વૈદકથી માંડીને સ્ટ્રિપ ટીઝ સુધીના બધા વિષયો પર તમને છક કરી દે એટલું જ્ઞાન તે ધરાવે છે. તક્ષણ જવાબ આપવામાં તો જ્યોતીન્દ્રનો જોટો જડવો મુશ્કેલ છે. કેવળ ગમ્મત ખાતર મેં કેટલાક હાસ્યલેખકોના ઇન્ટરવ્યૂ લીધેલા. એમાં હું જ્યોતીન્દ્ર પાસે ગયો ત્યારે એ બીમાર હતા. પથારીમાં સૂતા’તા. શરીરે વધારે કૃશ દેખાતા. મને જોઈને ‘આવો’ કહી એ ઊભા થઈ ગયા ને શર્ટ પર તેમણે કોટ પહેરી લીધો. મને આશ્ચર્ય થયું. કદાચ બહાર તો નહિ જવાના હોય! હું વગર ઍપૉઇન્ટમેન્ટે ગયેલો. મેં સંકોચથી પૂછ્યું : “આપ ક્યાંય બહાર જાઓ છો?” “ના… આ તો મને બરાબર જોઈ શકો એ માટે કોટ પહેરી લીધો!” ‘તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું.’ “ભલે, લઈ લો.” ખૂબ સ્વાભાવિકતાથી તે બોલ્યા. મેં તેમને માટે તૈયાર કરેલો પત્ર તેમની આગળ ધર્યો. ને મેં પ્રશ્નો પૂછવા માંડ્યા. મારો પૂરો થાય ન થાય, ત્યાં તો તે ફટાફટ ઉત્તર આપી દેતા. એમાંની કેટલીક પ્રશ્નોત્તરી આ પ્રમાણેની હતી : “તમે શા માટે લખો છો?” “લખવા માટે… અક્ષરો સુધરે એ માટે!” “તમે હાસ્યલેખક જ કેમ થયા?” ‘સાહિત્યના બીજા પ્રકારોમાં શ્રેષ્ઠ જગ્યા ખાલી નહોતી. આમાં ખાલી જગ્યા જોઈને ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. ભીડ ઓછી, જગ્યા મોટી; મારું શરીર નાનું ને ચાલ ઝડપી; એટલે થોડા સમયમાં ને ઝડપથી પહોંચી જવાશે એમ વિચારી પ્રયત્ન કર્યો. હજી પહોંચી શક્યો નથી.” “તમે હાસ્યલેખક છો એવી ખબર પહેલવહેલી તમને ક્યારે પડી?” “મારા વિવેચનનો ગંભીર લેખ વાંચીને ત્રણચાર મિત્રોએ ‘અમને તમારો લેખ વાંચીને બહુ હસવું આવ્યું’ એમ કહ્યું ત્યારે.” “હાસ્યલેખકે લગ્ન કરવું જોઈએ એમ તમે માનો છો?” “હા… કારણ કે હાસ્ય અને કરુણ રસ પાસે પાસે છે, એ સમજાય એ માટે હાસ્યલેખકે લગ્ન તો કરવાં જ રહ્યાં.” “તમારા કોઈ ઓળખીતાના સ્વજન ગુજરી ગયા હોય તો એના બેસણામાં જઈને તેને આશ્વાસન કેવી રીતે આપશો?” “એ તો ગયા, પણ તમે તો રહ્યાને? — એમ કહીને (પણ કહેતો નથી).’ હસવા-હસાવવાની વાત થોડી વાર માટે બાજુએ મૂકીને વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો જ્યોતીન્દ્ર જેવો બીજો અવ્યવહારુ — નિઃસ્પૃહી માણસ ભાગ્યે જ જડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’ની ફિલસૂફી એમણે બરાબર પચાવી છે. તમે એમની પાસે લેખ મંગાવો, પ્રસ્તાવના મંગાવો, એ તમને મોકલી આપે — વિદ્યાર્થી લેસન કરે છે એ રીતે… બસ, પતી ગયું. એમનું કામ પૂરું થયું. પછી એ લેખ તમે છાપ્યો કે નહિ, એમની પ્રસ્તાવના લખાયેલા પુસ્તકની નકલ તમે મોકલી કે નહિ કે પુરસ્કાર કેટલો આપવાના છો એ વિશે એમના તરફથી કોઈ જ પત્ર તમને નહિ મળે. ભાષણ કરવા લઈ જનાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં બેસાડે છે કે સેકન્ડ ક્લાસમાં એય તેમણે જોયું નથી. કશાની જાણે પડી જ નથી, સ્પૃહા જ નથી! એકવાર જ્યોતીન્દ્ર કોઈ કૉલેજમાં ભાષણ કરવા ગયા. કૉલેજના પ્રિન્સિપાલે તેમનો પરિચય આપતાં કહ્યું : “જ્યોતીન્દ્રભાઈ ભાષણ કરતા હોય ત્યારે કોઈની મગદૂર છે કે તે હસ્યા વગર રહી શકે?” કૉલેજનો એક વિદ્યાર્થી જરા વધુ સ્માર્ટ હતો. તે વચ્ચે જ બોલ્યો : “બોલો, એ મને હસાવી ના શકે.” પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ પણ એક વિદ્યાર્થીની જાહેરાતથી ચોંકી ગયા. પછી એ વિદ્યાર્થીને સ્ટેજ પર જ્યોતીન્દ્રની બાજુમાં ઊભો રાખવામાં આવ્યો. જ્યોતીન્દ્રે બોલવાનું શરૂ કર્યું. બધા જ વિદ્યાર્થીઓ હસતા’તા; નહોતો હસતો પેલો છોકરો. દાંત ભીંસીને તે ઊભો રહ્યો હતો. તે નહિ હસવાની જીદ પર આવી ગયો હતો. અરધોપોણો કલાક જ્યોતીન્દ્રે બૉલિંગ કરી, બૉલ સ્પિન કર્યા, પણ કેમેય કર્યો પેલો બૅટ ઊંચકે જ નહિ — હસે જ નહિ. ભાષણ પૂરું કરવાનો સમય પણ થઈ ગયો. છેલ્લી ઓવરના છેલ્લા બૉલની જેમ જ્યોતીન્દ્રે છેલ્લું વાક્ય કહ્યું : ‘આ ભાઈ આજે તો શું, ક્યારેય નહિ હસે… એ કેમ નહિ હસે એનું સાચું કારણ હું જ જાણું છું : એમને બીક છે કે એમના પીળા દાંત કદાચ તમે બધા જોઈ જશો.’ — ને પેલો ફૂઉઉઉઉ… કરતો હસી પડ્યો! ઘણાબધા હાસ્યલેખકો વાંચ્યા છે, માણ્યા છે, હાલમાં હાસ્યનું લખતા ઘણાખરા તો મારા મિત્રો પણ છે; પણ જ્યોતીન્દ્ર જેટલી ‘હાઈટ’ મને ક્યાંય દેખાઈ નથી. [‘વિનોદની નજરે’ પુસ્તક : ૧૯૭૯]