સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/મૂળમાં છે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમતા એ આજનો યુગધર્મ છે અને સર્વોદય આવી સમતા સાધવા માગે છે. સર્વોદયની આવી મહેચ્છાના મૂળમાં છે-માણસની માણસાઈમાં વિશ્વાસ. જો આવો વિશ્વાસ ન હોય, તો ન તો કદી સર્વોદય આવી શકશે, ન સમાજવાદ સ્થાપી શકાશે કે ન કોઈ પણ જાતની સજ્જનતાભરી સમાજરચના ઊભી કરી શકાશે. આવા વિશ્વાસ વિના કોઈ પણ સારી રચના જ નહીં થઈ શકે. તેથી સર્વોદયના કામમાં આપણને માણસની માણસાઈમાં મૂળભૂત વિશ્વાસ છે. સોક્રેટિસે કહ્યું છે કે માણસ મૂળત : સજ્જન છે, તેનામાં જે દોષો દેખાય છે તે અજ્ઞાનને કારણે છે તથા જ્ઞાન દ્વારા માણસના બધા દોષો, બૂરાઈઓ વગેરે દૂર કરી શકાય છે. આ બધાની પાછળ માણસની દુષ્ટતા નહીં અજ્ઞાન છે, માણસ મૂળત : સજ્જન છે. માણસની માણસાઈમાં આવો વિશ્વાસ, એ સર્વોદયનો પાયો છે. ભૂદાનયજ્ઞમાં માણસના દિલમાંની પ્રેમ અને સદ્ભાવનાની વૃત્તિને કેળવવાનો પ્રયાસ થયો. જુઓ ને! આટલાં વરસ હજારો લોકોએ મારાં ભાષણ અત્યંત શાંતિથી ને પ્રસન્નતાથી સાંભળ્યાં. હું એમને કાંઈ એમના સ્વાર્થની વાત નહોતો કરતો. હું એમને દાન આપવાનું કહેતો, બીજા માટે ઘસાવાનું કહેતો. એમને તે સાંભળવું સારું લાગતું, મીઠું લાગતું. એટલે કે અંદરથી તે ચીજ એમને પસંદ છે, પછી ભલે પોતે તે મુજબ ન પણ કરી શકતા હોય. આના ઉપરથી ખબર પડે છે કે માનવ-સ્વભાવ મૂળમાં કેવો છે. ટૂંકમાં, પહેલી વાત એ કે માણસ સ્વભાવથી સ્વાર્થી, લોભી કે એકલપેટો નથી, પણ ખોટી સમાજરચનાને કારણે એમ વર્તતો થઈ ગયો છે. આપણે જો ઉચિત ને અનુકૂળ સમાજ-વ્યવસ્થા ઊભી કરી શકીએ, તો પ્રેમ કરવો, બીજા માટે ઘસાવું વગેરે તેની મૂળભૂત સ્વાભાવિક વૃત્તિઓને મ્હોરી ઊઠવા માટે પૂરતો અવકાશ મળે. બીજી વાત એ છે કે માનવ-સ્વભાવ એ કોઈ નિયમિત ને સ્થિર વસ્તુ છે નહીં, એ તો બદલાતો આવ્યો છે, સતત વિકસિત થતો આવ્યો છે, અને હજીયે તે આવી જ રીતે બદલાતો રહેશે, વિકાસ પામતો રહેશે. તેનો સાચી દિશામાં વિકાસ થાય, તે આપણે જોવું જોઈએ. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૬]