સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સરકારનું એ ગજું નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આપણને કંઈક એવો ખ્યાલ હોય કે અત્યારે જે લોકોના હાથમાં રાજવહીવટની સત્તા છે તેને બદલે તે આપણા હાથમાં આવે તો આપણે વધારે કામ કરી શકીએ, તો એ ખ્યાલ ભૂલભરેલો છે. ખુદ મારા હાથમાં સત્તા હોત તો હું પણ ઝાઝું કામ ન કરી શકત. એનું કારણ એ છે કે સરકાર કદી ક્રાંતિકારી હોતી નથી. સરકાર તો આમજનતાનું પ્રતિબિંબ હોય છે. એને જ લોકશાહી કહે છે. લોકો બૂરી વસ્તુ પસંદ કરશે, તો લોકશાહી સરકાર પણ બૂરી વસ્તુ પસંદ કરશે. વધુમતી સંખ્યાને દારૂ પીવો હશે, તો સરકાર દારૂબંધી નહીં કરી શકે. કોઈ સરકાર કાયદાથી ન્યાતજાત વગરનો સમાજ રચી શકશે ખરી કે? સરકાર જો ખરેખર પ્રજા-સત્તાક હોય, તો એમાં પ્રજાનું દર્શન થયા વિના કેમ રહે? એથી ઊલટી સ્થિતિ હશે તો એ સરકાર સારી હશે તોયે લોકશાહી સરકાર નહીં હોય. આથી જે લોકો નવો સમાજ રચવા માગે છે તેમને રાજ્યસત્તાનું ક્ષેત્રા છોડીને કામ કરવું પડે છે અને તેવા કામમાંથી જ ક્રાંતિ કરવાને જરૂરી સત્તા એ લોકો મેળવે છે. બુદ્ધ ભગવાન સમાજમાં ક્રાંતિ કરાવવા માગતા હતા, એટલે તો એમને પોતાના હાથમાં હતું તે રાજ્ય પણ છોડવું પડેલું. રાજ્યસત્તા હાથમાં રાખીને તેઓ ક્રાંતિ ન કરાવી શકત — બહુ તો એક સારા રાજા થઈ ગયા હોત, પરંતુ ક્રાંતિકાર ન થયા હોત. અકબર ઘણો સારો રાજા હતો, પણ તે ક્રાંતિકારી નહોતો. બુદ્ધે ક્રાંતિ કરી, ઈશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની. નૈતિક શક્તિ નિર્માણ કરવાનું સરકારનું ગજું હોતું નથી. તે તો એ શક્તિની પાછળ પાછળ ચાલે છે.