સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/કોઈની પણ મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાધારણ રીતે આપણને આત્મકથા મોટા માણસોની જ વાંચવી ગમે છે. પરંતુ ધરમપુર જેવા એક નાના ગામના શિક્ષકની આત્મકથા આપણને વાંચવી ગમે? ‘બાનો ભીખુ’ (લે. ચંદ્રકાંત પંડ્યા) એ એવા જ એક શિક્ષકની વાત છે. એના જીવનમાં કોઈ મોટી ઊથલપાથલ નથી. અને છતાં એ કથા વાંચવી ગમે છે, કારણ એ મારા અને તમારા જેવા સામાન્ય માણસની વાત છે. ભીખુ મોટો ‘સ્કોલર’ નથી, બલકે ઠોઠ છે. પૈસાની ઝાકમઝાળ નથી, એનાં કપડાં અને એના ઘરની ભીંતો દરિદ્રતાની ચાડી ખાય છે. એટલે જ આ ભીખુની વાત આપણી આંખને ભીની કરે છે. પણ આ વાત એકલા ભીખુની હોત તો કદાચ એ ઊણી લાગત. એની કથાની પશ્ચાદ્ એની બાનો ચહેરો સતત તરવર્યા કરે છે. એની છબી, એનું જીવન, એનું સમર્પણ હૃદયને ભીનું કરે છે, પવિત્ર કરે છે. આ ભીખુની મા કોઈની પણ મા હોઈ શકે. આ મા હિન્દુસ્તાનના ઘરે ઘરે છે, ગામડે ગામડે છે. દરિદ્રતા એને કપાળે લખાયેલો શાપ છે. અને છતાં એ એના ઘરની સેવા કરે છે, પુત્રોને જીવનના પ્રવાહમાં તરતા મૂકે છે. એ સતત પ્રેમની ગંગા વહાવ્યે જાય છે—બધાને પાવન કરે છે, કોઈ ફરિયાદ નથી કરતી, કોઈ અપેક્ષા નથી રાખતી. એટલે માત્ર વહાલી જ નથી લાગતી; પુણ્યશ્લોક, પ્રાત:સ્મરણીય પણ લાગે છે. એટલે જ પ્રાર્થનામાં પહેલાં યાદ કરીએ છીએ “ત્વમેવ માતા...” કોઈએ કહ્યું નહોતું કે, પ્રભુને જ્યારે પૃથ્વી પર આવવાનું મન થાય છે ત્યારે માતાનું રૂપ ધરીને આવે છે? આ ભીખુની બાની વાત એ સતત ચાલ્યા આવતા દુર્ભાગ્યની યાત્રા છે. એ કથાનો પ્રારંભ થાય છે પતિના અકાળ મૃત્યુથી. પતિ પાછળ મૂકી જાય છે કારમી દરિદ્રતા અને નાનાં સંતાનો. એને તો મરી જવું હતું. પણ બે નાના દીકરા ને એક નાની દીકરીને હજી ઉછેરવાનાં હતાં. કાળી મજૂરી કરી ધગધગતા રણમાં ઉઘાડા પગે અને મૂંડન કરાવેલ માથે જિંદગીના બોજા એને હજી ઊચકવાના હતા. એટલે એ જીવી ગઈ. એણે કરકસર કરી છે. નાની નાની બાબતોમાં પૈસા બચાવી એણે દાબડામાં ભેગા કર્યા છે. છતાં દુર્ભાગ્ય જુઓ: આ બચત, આ કરકસર એને ક્યારે કામ લાગી? પતિનું બારમું કરવામાં! ભીખુની બાની દિનચર્યા વાંચતાં એક વીતી ગયેલો જમાનો આંખ આગળ ફરી ઊભો થાય છે. સવારના પાંચથી ગાય-ભેંસની માવજત સાથે ઊગતો દિવસ રાત્રે ચીંથરેલ ગોદડીમાં ઈશ્વરસ્મરણ સાથે પૂરો થાય છે. તે ગાળામાં કેટકેટલાં કાર્યો વચ્ચે એ ફરી વળે છે! દેવપૂજા, પશુઓની સારસંભાળ, બાળકોની દેખભાળ-નિશાળ... ચૂલો ફૂંકતી, સગાંસંબંધીઓને સાચવતી, અનેક નાનાંમોટાં કામોમાં જાતને નિચોવતી જતી મા સૌથી છેલ્લી સૂઈ જાય. એને રજાઓ નથી, ને રવિવારે તો વધારે કામ! પણ એ બધું તો રોજની સ્વાભાવિક સાધના છે એટલે ભુલાઈ જાય છે. દીકરાને એ વહાલથી મોટો કરે છે, પારકાનાં કામ કરી ભણાવે છે. છતાં ક્યારેક એ તૂટી પણ પડે છે. એક વખત ભીખુએ કામ નથી કર્યું, ભેંસે દૂધ નથી આપ્યું, ઘરાકો પાછા ફરે છે. બા અકળાઈ ગઈ છે. ભીખુને લાકડીએ લાકડીએ ઝાપટે છે. બોલી પણ ઊઠે છે, “મૂઓ, મરે તો એક સંતાપ ઓછો!” આ બોલતાં તો બોલાઈ જાય છે, પણ એને તરત ફિટ આવી જાય છે. અને માનું હૃદય જુઓ. કળ વળતાં એ પહેલો પ્રશ્ન પૂછે છે: “ભીખુએ ખાધું?” જે માને આટલો ભાવ હશે દીકરા માટે, તેને પુત્રને ફટકારતાં કેટલું દુ:ખ થયું હશે? પુત્રને વાંસે પડેલા સોળ આ પ્રશ્નથી રૂઝાઈ નહીં ગયા હોય? પણ આ અનુભવ ભીખુનો એકલાનો જ થોડો છે? તમારો અને મારો પણ નથી શું? શૈશવમાં કેટલીય વાર ધમકાવી ને પછી માએ જ વહાલથી મોંમાં કોળિયો મૂકી આપણાં આંસુ લૂછ્યાં નહોતાં શું? મૅટ્રિક સુધી દીકરાને લાવી તો ખરી, પણ ફોર્મ ભરવાના પચીસ રૂપિયા પાસે નથી. આ મામૂલી રકમ માટે બે બંગડી ગીરવે મૂકવી પડે છે. ત્યારે લેખક કહે છે: “પતિ મર્યા પછી એ દિવસે તે સાચેસાચ વિધવા બની એવું તેને લાગેલું.” અને છતાં વિધિની વિચિત્રતા જુઓ: ફોર્મને માટે દાગીના ગીરવે મૂક્યા, પણ પનોતો પુત્ર એ પરીક્ષામાં પાસ જ ન થયો! પણ આ તો ગરીબાઈ સામેનું એનું રોજનું યુદ્ધ હતું. કદાચ એ કોઠે પણ પડી જાય. છતાં આનાથી વધુ ક્રૂર ઘા નિયતિ માને ત્યારે આપે છે જ્યારે એની દીકરી પંદર દિવસની નવજાત બાળકી અને બે નાના દીકરા મૂકી કૂવે પડી આપઘાત કરે છે. દીકરી પાસેથી એનાં દુ:ખ જાણવાનો એને અવસર પણ ન મળ્યો! માત્ર મૃત્યુના સમાચાર આપતો કાળો પત્ર! મા ત્યારે આટલું જ બોલે છે: “અરે ભૂંડી! મને જરા કહ્યું હોત તો જનમભર મારે ઘેર પાલવત!” માનું ખોરડું દરિદ્રતાની ચાડી ખાતું હોય તોપણ એ ખૂબ વિશાળ હોય છે. એમાં અનેક લોકોને એ સમાવી શકે છે.

મીરોસ્લાફ હોલુબના કાવ્યમાં કેવું વેધક ચિત્ર છે:
જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
નાની થતી, નાની થતી,
ઝાંખી થતી, ઝાંખી થતી,
સેકંડે સેકંડે,
ત્યાં સુધી કે અંતે
ન કોઈ જ એને જુએ.

આ ભીખુની બાનું ચિત્ર છે આજથી ત્રણચાર દાયકા પહેલાનું. પણ આવી પ્રેમથી ધબકતી માને શોધવા આવતી કાલે દીવો લઈને તો નીકળવું નહીં પડે ને, એવો વહેમ થાય છે. [‘જનશકિત’ દૈનિક: ૧૯૭૭]