સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/ખામોશ પાની
ભારતવિભાજનની ઘટનાને પશ્ચાદ્ભૂમાં રાખીને બનાવેલી, ૧૫ જેટલા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી ચૂકેલી, આ પાકિસ્તાની ફિલ્મમાં લગભગ દરેક વ્યક્તિએ એટલી સાહજિક રીતે પાત્ર ભજવ્યાં છે કે એ લોકો અભિનય કરે છે એવું કોઈ જગ્યાએ લાગતું જ નથી.
યુદ્ધ હોય કે કોમી તોફાન, વિયેતનામ હોય કે અફઘાનિસ્તાન, ભારત હોય કે પાકિસ્તાન, સૌથી વધુ વેઠવાનું-શારીરિક અને માનસિક બેઉ સ્તરે-હંમેશાં સ્ત્રીઓના ભાગે જ આવે છે. ૧૯૪૭ના ઓગસ્ટ પહેલાં અને પછીના મહિનાઓમાં દુનિયાના ઇતિહાસે કદી ન જોઈ હોય એવી વસ્તીની જંગી ફેરબદલ દરમિયાન આપણા દેશમાં વ્યાપેલી અરાજકતામાં સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચારો થયા. પોતાની પત્ની, બહેનો, દીકરીઓનું રક્ષણ કરવા માટે અસમર્થ રહેલા પુરુષોએ પોતાની અસહાયતા તથા નિર્બળતાનો બધો જ ગુસ્સો સામેની કોમની સ્ત્રીઓ પર અત્યાચારો ગુજારીને કંઈક અંશે હળવો કર્યો. આમાં કોઈ કોમ ઓછી નહોતી ઊતરી. લાખો સ્ત્રીઓનાં અપહરણ થયાં, હજારોએ કૂવા પૂર્યા. અપહૃત સ્ત્રીઓની હત્યામાં નહીં પણ એને બેઆબરુ કરવામાં જ બેઉ કોમને રસ હતો. આવી સ્ત્રીઓ ચાર-પાંચ વાર વેચાઈ, કેટલીક ગાંડી થઈ ગઈ તો કેટલીક લશ્કરના જવાનોને હવાલે કરી દેવાઈ. મા-બાપ-ભાઈ વગેરેએ એક જગ્યાએથી સલામત રીતે બીજી જગ્યાએ ખસી જવા માટે બહેન-દીકરીના સોદા કર્યાના દાખલા પણ અનેક છે. રાન રાન ને પાન પાન થઈ ગયેલી આવી સ્ત્રીઓ પોતાની, પોતાનાં કુટુંબીજનોની લાચારી કે કાયરતાને જોઈને વિધર્મી પુરુષની થઈ પણ જતી. બળજબરી કરનાર સાથે જિંદગી નિભાવી હોય એવી સ્ત્રીઓની સંખ્યા નાનીસૂની નહોતી. જોકે લૂંટનારા હાથોએ પછીથી પ્રેમ પણ કર્યો હોય અને જિંદગીભરનો સાથ નિભાવ્યો હોય એવા પણ પાર વગરના દાખલા નોંધાયેલા છે. બળજબરીથી વશ કરાયેલી સ્ત્રીઓની વિધર્મીને ત્યાં નવેસરથી મૂળિયાં રોપવાની કુદરતી તાકાત માટે આપણને નર્યો અહોભાવ જ થાય. આવી જ એક સ્ત્રી વિશેની વાત ‘ખામોશ પાની’માં થઈ છે.
વિભાજન બાદ ૩૦-૩૫ વર્ષ પછીના પાકિસ્તાનની વાત આ ફિલ્મ કરે છે. ‘ખામોશ પાની’ની વાર્તા ૧૯૭૯માં શરૂ થાય છે. જનરલ ઝિયા ઉલ હકના શાસનકાળ દરમિયાનનું પાકિસ્તાન અહીં નજરે પડે છે. આ સમય દરમિયાન પાકિસ્તાન પર અંતિમવાદીઓની-જેહાદીઓની પકડ વધુ ને વધુ મજબૂત થતી જતી હતી. ચોતરફ મુલ્લાઓ-મૌલવીઓનું શાસન હતું. આગ ઓકતાં ભાષણો થઈ રહ્યાં છે. કાફિરો (એટલે મુસલમાન નથી તે બધા જ) સામેનો તિરસ્કાર ભાષણો દ્વારા, પત્રિકાઓ દ્વારા ઠલવાઈ રહ્યો છે. આ ફિલ્મના નાયક સલીમની જેમ બેકાર, રાહ ભટકેલા યુવાનો ક્યારેક હતાશાના માર્યા જેહાદીઓના હાથા બની જાય છે અને પછીની એમની મંઝિલ હોય છે ટ્રેનિંગ કૅમ્પ અને હાથમાં પિસ્તોલ કે થ્રી નોટ થ્રી. કોઈ પણ દેશ ટોપી-ટીલાં-ટપકાં કે દાઢીઓવાળાના હાથમાં જાય તો એની શી અવદશા થાય એનો સીધો ચિતાર અહીં મળે છે. વિભાજન વેળાએ જેમના ભાગે સૌથી વધુ સહન કરવાનું આવ્યું હતું એવી હજારો કમભાગી સ્ત્રીઓની એક પ્રતિનિધિ વીરોની વાત દિગ્દર્શકને કરવી છે. પાકિસ્તાનના એક કસ્બામાં રહેતી, મુસ્લિમ છોકરીઓને ‘કુરાન’ પઢાવતી, સપનાંઓમાં જીવતા ૧૮-૨૦ વર્ષના દીકરા સલીમને કંઈક કામ કરવા સમજાવતી આયેશા નમાઝ પઢે છે, મઝાર પર જઈ દુવા માગે છે. આ સ્ત્રી મુસલમાન નહીં હોય એવી શંકા પણ નથી કરી શકાતી. કદાચ એ પોતે પણ ભૂલી ગઈ છે કે જન્મથી એ મુસલમાન નહોતી.
પાકિસ્તાનના એક કસ્બામાં છત પર કપડાં સૂકવતી બે સ્ત્રીઓના દૃશ્યથી ફિલ્મનો આરંભ થાય છે. એમની બોલી, પહેરવેશ દર્શાવે છે કે વિસ્તાર પંજાબનો છે. દીકરા સલીમ માટે મા કામ શોધી લાવે છે, પણ એ નવાબજાદાને નાની-મોટી નોકરી કે ખેતીમાં રસ નથી. મોટી મોટી વાતો કરવી અને ઝુબેદાના પ્રેમમાં ઘેલા ઘેલા ફરવા સિવાય એને કોઈ ધંધો નથી. એવું ભણ્યો પણ નથી કે એને કોઈ સારી નોકરી આપે. પતિના પેન્શનમાંથી અને છોકરીઓને ‘કુરાન’ શીખવવામાંથી ઘર ચાલે છે. અહીં પડોશણ સાથેની વાતોમાં, ભેળા થઈને નખાતાં અથાણાં, સૂકવાતાં મરચાં, કપડાંનાં લેવાતાં માપ, માથામાં નખાતાં તેલ, બજારમાં હજામત કરાવતા પુરુષો, ક્રિકેટ મૅચ પાછળ બધું ભૂલી જતા લોકો… આમાંનું એક પણ દૃશ્ય આપણને અજાણ્યું કે પરાયું નહીં લાગે. ભારતના ભાગલા કઈ હદે અકુદરતી હતા એ અહીં વગરકહ્યે વ્યંજિત થઈ શક્યું છે. પંજાસાહેબના દર્શને આવેલા શીખોને પ્રજા ઉષ્માભર્યો આવકાર આપે છે એ જેહાદીઓને ખૂંચે છે. સામાન્ય પ્રજા માને છે કે આ લોકો તીર્થયાત્રા કરવા આવ્યા છે, જ્યારે જેહાદીઓ કહે છે એ લોકો જાસૂસી કરવા આવ્યા છે.
સલીમ જેવા ગુમરાહ-બેકાર યુવાનોને ઈમાન-ધરમ શું છે એ આ અંતિમવાદીઓએ શીખવેલું છે. (સલીમનો પ્રશ્ન એ કોઈ પણ બેકાર યુવાનનો પ્રશ્ન છે-પછી એ જેહાદી મુસ્લિમ હોય, વિહિપ કે બજરંગદળનો યુવાન હોય… આ બધાએ મગજના દરવાજા બંધ રાખેલા હોય છે.) માના પગમાં જન્નત છે એવું ધર્મ શીખવે, પણ સલીમ તો મુસલમાન હોવાના ગુરુરમાં માને ‘કાફિર’ કહે છે.
આખી ફિલ્મ દરમિયાન કૂવાના શાંત જળમાં પેદા થતાં વમળોના પ્રતીક દ્વારા ડહોળાતા વાતાવરણને, ડહોળાતાં મનને વ્યક્ત કર્યાં છે. શ્વેત-શ્યામ રંગમાં વારેવારે એક કૂવો, એમાં પડતી સ્ત્રીઓ, નહીં પડી શકતી ૧૮-૧૯ વર્ષની વીરો; હરિણીની જેમ ભાગતી વીરો, પાછળ પડતા, ઘસડી લઈ જતા પુરુષો, એ બધાના હાથમાંથી છોડાવી, મોંમાં કોળિયો દેનારો એક ચહેરો (જેનો ફોટો દીવાલ પર લટકે છે તે), દોડતી ટ્રેનોની આવન-જાવન… આ બધાં દૃશ્યો કૂવે જતી કે લોઢાની પેટી ખોલતી કિરણના મનમાં કૂવાના જળમાં ઊઠતા વમળની જેમ ઘૂમરાયે રાખે છે. તાળામાં બંધ રહેતી લોઢાની એક પેટીમાં પોતાના ભૂતકાળને બંધ કરીને જીવતી આ સ્ત્રી પેટીમાં ‘કુરાન’ની સાથે નાનકસાહેબનો ફોટો પણ સાચવીને બેઠી છે. ત્યારે પૂર્વ પંજાબથી પંજાસાહેબના દર્શને આવેલા શીખોના ટોળામાંનો એક શીખ આ પ્રદેશનો જાણકાર હોય એવી નજરે ચોતરફ બધું જોઈ રહ્યો છે. વર્ષો પહેલાં લખાયેલો હોય એવો એક જર્જરિત કાગળ હાથમાં લઈ એ ઠેરઠેર શોધતો ફરે છે. ચાની દુકાને બેઠેલ ટપાલીને ખબર છે કે એ કોને શોધી રહ્યો છે. ટપાલીની બહેન પણ ૧૯૪૭માં ગાયબ થઈ ગયેલી છે. એ પેલા શીખોને સાચું કહી દે છે. શીખ ખડકી ઉઘાડે છે. “હું જશવંત, વીરો…” પણ પેલી ના પાડે છે. “તમે ઘર ભૂલ્યા, ભાઈ; અહીં એ નામની કોઈ સ્ત્રી નથી રહેતી…” હજી આ વાત ચાલતી હતી ને ફટકેલા મગજવાળો દીકરો આવી ચડે છે. “આ મુસલમાનનું ઘર છે. તમે અહીં શું કરો છો?” બંધ થતી ખડકી પાસે શીખ રાડો પાડી રહ્યો છે : “એ મારી બહેન છે. વીરો, પિતાજી મરી રહ્યા છે. મરતાં પહેલાં એક વાર તને જોવા માગે છે, વીરો…” એના હાથમાંનું લોકેટ લઈ સલીમ ખડકી ભીડી દે છે. લોકેટમાં વીરોનો યુવાનીનો ચહેરો જોઈ દીકરો ભડકે છે. “તો એમ વાત છે? મારી મા કાફિર છે?”
મા પર એનું દબાણ વધતું જાય છે : તું બધા સામે એક વાર કબૂલી લે કે તું મુસલમાન છે. બધાનાં મોં આપોઆપ બંધ થઈ જશે. તું બોલતી કેમ નથી?… પાસ-પડોશના લોકો સંબંધ તોડી નાખે છે. પગના તળિયામાં તેલ ઘસી આપતી, પાણી ભરી આપતી અલ્લાળી પણ નથી આવતી. ને પડોશણ રાબ્બો પણ ‘દીકરીના લગ્નમાં હું તો ઇચ્છું તું આવે, પણ…’ કહીને મૂંગી થઈ જાય છે. વળી એક વાર વીરોની ઓળખ છીનવાઈ જાય છે.
કૂવા પાસે ભાઈ સાથે લડતી વીરો ભાઈને પૂછતી હતી : “તું કેમ આવ્યો છે? તમે તો ૩૦-૩૫ વર્ષથી મને મરેલી માની જ હતીને? તો હવે આટલાં વર્ષે શા માટે આવ્યો છે? મેં માંડ માંડ મારી જિંદગીને થાળે પાડી હતી, માંડ ઠરીઠામ થઈ હતી. તમે તો કદી ભાળ કાઢી નો’તી કે વીરો જીવે છે કે મરી ગઈ છે. માંડ શાંત પડેલા જળને વળી ડહોળવા કેમ આવ્યો છે? મને જીવતી મારીને તમારા કલેજે ઠંડક નથી વળી? આબરુ બચાવીને તમને તો જન્નત મળી ગયું ને? પણ મારા માટે કયું જન્નત? મુસલમાનોનું કે શીખોનું? મેં પોતે મારી જિંદગી બનાવી. તમારા સાથ કે ટેકા વગર જ. હવે આ જ મારી જિંદગી છે. તું જા અહીંથી ને મને મારા હાલ પર છોડી દે…”
રસ્તા પરના સરઘસમાં જોયેલા ખૂની ચહેરાઓમાં એને ઝાંખો પડી ગયેલો ભૂતકાળ ફરીથી જીવતો થતો લાગે છે, કૂવાનાં જળ વમળાતાં નજરે પડે છે… ને અચાનક જ શાંતચિત્તે વીરો પોતાનો રસ્તો શોધી લે છે. નમાઝ પઢી, હળવેકથી બારણું ખોલી બહાર નીકળી જાય છે. કૂવા પર ઊભી રહે છે ને એક ધૂબાકો… ઘડીક વમળાતાં જળ વળી શાંત થઈ જાય છે. ૧૯૪૭માં ઠેકડો નહીં મારી શકેલી વીરોને એ જ કૂવાનો આશરો લેવો પડે છે.
ઉત્તમ દિગ્દર્શન, ઉત્તમ અભિનેત્રીના પુરસ્કારો જીતેલી આ ફિલ્મ આ સમયગાળામાં સ્ત્રીઓના ભાગે જે પીડા આવેલી એને જરાય બોલકા બન્યા વગર, કલાત્મક ઢબે આલેખે છે. સમાંતરે ધર્મઝનૂન, અંતિમવાદીઓનું ગાંડપણ સલીમ જેવા યુવાનોને કઈ હદે ગુમરાહ બનાવે છે એ પણ વ્યક્ત થતું રહ્યું છે. બેઉ દેશની આમપ્રજામાં કઈ હદે સમાનતા છે એના પર અહીં ભાર મુકાયો છે.
[‘પરબ’ માસિક : ૨૦૦૬]